Abtak Media Google News

ચોમાસાની સિઝન સુધી રાજકોટવાસીઓને નિયમિત નળવાટે 20 મિનિટ પાણી પુરૂં પાડી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા દોઢ મહિના પહેલા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં 15મી નવેમ્બરથી શહેરની જીવાદોરી સમાન આજીડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. આ અવધિ વિતી ગયા છતાં હજુ સુધી સરકાર દ્વારા પાણી આપવામાં આવ્યું નથી. ત્યારે શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે એવી પાણીદાર ખાતરી આપી છે કે શહેરીજનો પાણી પ્રશ્ને ચિંતામુક્ત રહે. આવતા સપ્તાહથી આજી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવાનું શરૂ થઇ જશે.

આવતા સપ્તાહથી આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું શરૂ થઇ જશે

ચોમાસાની સિઝન સુધી પાણી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે કોર્પોરેશન દ્વારા આજી ડેમમાં 1800 એમસીએફટી અને ન્યારી ડેમમાં 600 એમસીએફટી સહિત કુલ 2400 એમસીએફટી નર્મદાના નીરની માંગણી કરવામાં આવી છે. જે પૈકી 15મી નવેમ્બરથી આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ મુદ્ત વિતી ગયા છતાં સરકાર તરફથી પાણી આપવા માટે કોઇ મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે થોડા ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.

દરમિયાન આજે પત્રકારો સાથેની વાતચિતમાં મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે મચ્છુ-1 ડેમથી ન્યારી ડેમ સુધી આવતી પાઇપલાઇનમાં લીકેજની સમસ્યા હોવાના કારણે હાલ રિપેરીંગ ચાલી રહ્યું છે. ચાલુ માસના અંતમાં આજી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવશે. જો વહેલા-મોડા થાય તો પણ કોઇ ચિંતાનો વિષય નથી. કારણ કે આજી ડેમમાં હાલ 360 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

જે દોઢ મહિના સુધી સાથ આપશે. ડેમ અડધાથી વધુ ખાલી થઇ ગયો હોય આગોતરૂં આયોજન કરવામાં આવ્યું હતું અને સરકાર પાસેથી નર્મદા નીરની માંગણી કરવામાં આવી હતી. સૌની યોજનાનું પાણી મોડું વહેલા મોડું મળે તો પણ વિતરણ વ્યવસ્થા પર અસર પડે તેવી કોઇ જ દહેશત હાલ દેખાતી નથી. શહેરીજનોને ચોમાસાની સિઝન સુધી નળવાટે નિયમિત 20 મિનિટ પાણી પુરૂં પાડવા કોર્પોરેશન તંત્ર કટીબદ્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.