Abtak Media Google News

સમયસર વરસાદ ન પડે અને ડેમમાં પર્યાપ્ત માત્રામાં પાણીની આવક ન થાય તો રાજકોટવાસીઓને હાડમારી ન વેઠવી પડે તે માટે નવ નિયુક્ત મ્યુનિ.કમિશનર આનંદ પટેલે સરકારને લખ્યો પત્ર

રાજકોટવાસીઓએ ચોમાસા સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત 1350 એમસીએફટી પાણી ઠાલવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત આજી ડેમમાં 879 અને ન્યારી ડેમમાં 105 એમસીએફટી નર્મદાના નીર ઠાલવી દેવામાં આવ્યા છે. જો ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાય અને રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા જળાશયોમાં પ્રયાપ્ત માત્રામાં પાણીની આવક ન થાય તો શહેરીજનોએ પાણી પ્રશ્ર્ને કોઇ હાલાકી વેઠવી ન પડે તેવા ઉદેશ સાથે નવ નિયુક્ત મ્યુનિ.કમિશનર આનંદ પટેલે સરકાર પાસે વધુ 630 એમસીએફટી  નર્મદાના નીરની માંગણી કરી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ આજી ડેમમાં 650 એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે. જે 31 મે સુધી ચાલે તેમ છે. જ્યારે ન્યારી ડેમમાં 552 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે રાજકોટને 10 જૂન સુધી ચાલે તેમ છે. ભાદર ડેમમાં 31 ઓગષ્ટ સુધીનું પાણી સંગ્રહિત છે. આજીમાં હજુ અગાઉ મંજૂર થયેલા સૌની યોજનાના નીર પૈકીનું 201 એમસીએફટી જ્યારે ન્યારી-1 ડેમમાં 165 એમસીએફટી પાણી ઠાલવવાનું બાકી છે. જે આગામી માસના અંત સુધીમાં શરૂ કરવા માટેની માંગણી અગાઉ કરવામાં આવી છે.

હવે જો ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાય અને જળાશયોમાં પ્રયાપ્ત માત્રામાં પાણીની આવક ન થાય તો રાજકોટવાસીઓએ પીવાના પાણીની હાડમારી વેઠવી પડે. ઓગષ્ટ સુધી વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટે નવનિયુક્ત મ્યુનિ.કમિશનર આનંદ પટેલે સરકારમાં પત્ર લખ્યો છે. જેમાં એવી માંગણી કરવામાં આવી છે કે અગાઉ રાજકોટ માટે મંજૂર કરવામાં આવેલા સૌની યોજના અંતર્ગતના નર્મદાના નીર કરતા આજી ડેમમાં વધારાનું 430 એમસીએફટી અને ન્યારી ડેમમાં 200 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દૈનિક વિતરણ વ્યવસ્થા માટે રોજ 370 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. જે પૈકી 140 એમએલડી પાણી આજી ડેમમાંથી, 70 એમએલડી પાણી ન્યારી ડેમમાંથી અને 40 એમએલડી પાણી ભાદર ડેમમાંથી ઉપાડવામાં આવે છે. બાકીનું 125 એમએલડી પાણી નર્મદા પાઇપલાઇન મારફત ન્યારા અને બેડી ઓફટેક ખાતેથી લેવામાં આવે છે. હાલ શહેરમાં પાણીની કોઇ જ નથી પરંતુ જો ચોમાસામાં સમયસર વરસાદ ન પડે તો પાણીની પળોજણ ઉભી થાય છે. જેને ધ્યાનમાં રાખી વધારાનું 630 એમસીએફટી નર્મદાના નીર માંગવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.