Abtak Media Google News

Table of Contents

  • રૂ.1355 કરોડના ખર્ચે તૈયાર થયેલી 116 કિલોમીટર લાંબી  રેલવે લાઈનથી રાજકોટ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર વધુ ઝડપી અને સરળ બનશે

ભારત સરકાર દ્વારા રેલવે નેટવર્કને મજબુત બનાવવા માળખાગત સુવિધાઓનો આયોજનબદ્ધ વિકાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ – સુરેન્દ્રનગર વચ્ચે રેલવે લાઈનનું ડબલ ટ્રેકિંગ કાર્ય તાજેતરમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ  વડાપ્રધાનનાં હસ્તે રાજકોટ ખાતે થનાર છે. આ 116 કિલોમીટર લાંબી રેલવે લાઈન રૂ. 1355 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જે તૈયાર થતા રાજકોટને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે તેમજ અમદાવાદ તરફની ટ્રેનોની ઝડપ અને નિયમિતતામાં વધારો થશે.

Rajkot-Surendranagar Railway Double Tracking Project Will Be Launched By The Prime Minister
Rajkot-Surendranagar railway double tracking project will be launched by the Prime Minister

ઉપરાંત, સુરેન્દ્રનગરથી અમદાવાદ હયાત ડબલ ટ્રેકને લીધે રાજકોટ અને અમદાવાદ વચ્ચે સુદ્રઢ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત થશે. જેને લીધે રાજકોટની અન્ય રાજ્યો સાથે પણ રેલ કનેક્ટિવિટી વધુ સુગમ અને ઝડપી બનશે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે વધારે સંખ્યામાં ઝડપથી ટ્રેનો ચલાવી શકાશે. વધુમાં આ ટ્રેક ઉમેરાવાથી માળખાગત ક્ષમતા વધતાં વધુ રેલવે ટ્રાફિક ચલાવી શકાશે, જેને લીધે વધારે ગુડ્સ ટ્રેનો દ્વારા રેલવેની આવકમાં વધારો થશે. આ ટ્રેક સાથે સાથે તમામ જરૂરી સુવિધાઓ અને સાધનો લગાવવાનું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

Rajkot-Surendranagar Railway Double Tracking Project Will Be Launched By The Prime Minister
Rajkot-Surendranagar railway double tracking project will be launched by the Prime Minister

આ પ્રોજેક્ટની મંજુરી વર્ષ 2016-17માં આપવામાં આવી હતી, ત્યાર બાદ સુરેન્દ્રનગરથી શરૂઆત કરીને રાજકોટ સુધી અલગ અલગ સેક્શનને તબકાવાર સ્થાપિત કરવામાં આવ્યા છે. 7.04 કી.મી.ના સુરેન્દ્રનગર- ચામરાજ ખંડને જાન્યુઆરી 2019માં, 7.29 કી.મી.ના ચામરાજ દિગસર ખંડને ફેબ્રુઆરી 2020માં, 10.39 દલડી- વાંકાનેર ખંડને ઓક્ટોબર 2021માં, 8 કી.મી.ના દીગસર-મૂળી રોડ ખંડને એપ્રિલ 2022માં, 14.37 વાંકાનેર- સિંધાવદર ખંડને જુન 2022માં, 19.34 કી.મી.ના સિંધાવદર- બિલેશ્વર તેમજ 16.66 કી.મી.ના મુળી રોડ- વાગડીયા ખંડને ઓક્ટોબર 2022માં, 9.15 કી.મી.ના બિલેશ્વર-રાજકોટ ખંડને ફેબ્રુઆરી 2023માં કમીશનીંગ માટે તૈયાર કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રને સમગ્ર ગુજરાત અને દેશનાં તમામ રાજ્યો સાથે જોડવા માટે વધુ સારા રેલાવે માળખાનું નિર્માણ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.  સુરેન્દ્રનગર- રાજકોટ ડબલ ટ્રેક ઉપરાંત રાજકોટથી આગળ કાનાલુસ સુધી ડબલ ટ્રેકનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્રને સુદ્રઢ રેલવે કનેક્ટિવિટીની ભેટ આગામી સમયમાં મળનાર છે.

પીએમ સૌરાષ્ટ્રને રૂ.3882 કરોડના નેશનલ હાઈવેના વિકાસ-કામોની આપશે ભેટ

રૂ.1554 કરોડના ખર્ચે સામખીયાળી-સાંતલપુર વચ્ચે બનનારા સિક્સ લેન નેશનલ હાઇવેનું ખાતમુહૂર્ત

ભાવનગર-તળાજા વચ્ચે રૂ. 1185 કરોડના ફોરલેન હાઇવે અને ભાવનગર-પીપળી વચ્ચે રૂ.1143 કરોડના નેશનલ હાઈવેનું લોકાર્પણ

રાષ્ટ્રીય ધોરીમાર્ગો દેશની આર્થિક કરોડરજ્જુ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ જે-તે વિસ્તારની પ્રગતિને વેગવાન બનાવે છે. ત્યારે તા. 25મી ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારા કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સૌરાષ્ટ્ર વિસ્તારના સામખીયાળી-સાંતલપુર નેશનલ હાઈવે, ભાવનગર-તળાજા નેશનલ હાઈવે અને ભાવનગર-પીપળી નેશનલ હાઈવે પરના કુલ આશરે રૂ. 3882 કરોડના વિકાસ કામોના ઓનલાઈન ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

Rajkot-Surendranagar Railway Double Tracking Project Will Be Launched By The Prime Minister
Rajkot-Surendranagar railway double tracking project will be launched by the Prime Minister

રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કચ્છ અને પાટણને જોડતા સામખીયાળીથી સાંતલપુર નેશનલ હાઈવે-27 પર રૂ. 1,554 કરોડના ખર્ચે બનનારા આશરે 90.90 કિલોમીટર લંબાઈના સિક્સલેન હાઈવેનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ હાઇવે હરિયાણા, પંજાબ, કાશ્મીર તથા હિમાચલ પ્રદેશ જેવા જમીનથી ઘેરાયેલા રાજ્યોને ગુજરાતના મુખ્ય વ્યાપારી બંદરો એવા કંડલા, મુન્દ્રા અને જામનગર સાથે જોડવા માટે મુખ્ય માર્ગ તરીકે ઉપયોગી બનશે. તેમજ પાટણ, કચ્છ, મોરબી અને રાજકોટના મુસાફરોને વધુ ઝડપી અને સલામત કનેક્ટિવિટી પ્રદાન કરશે.

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર વિસ્તારના વિકાસ માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા અને પ્રવાસનને ટેકો આપવા ભાવનગરથી તળાજા જૂના નેશનલ હાઈવે 8-ઈના આશરે 48.045 કિલોમીટરની લંબાઈના ફોરલેન હાઈવેના રૂ. 1185 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ ભાવનગરથી પીપળી નેશનલ હાઈવેના 32.510 કિલોમીટરની લંબાઈના ફોરલેન હાઈવેના રૂ. 1143 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થશે. આ બંને પ્રોજેક્ટથી અલંગ બંદરનો વિકાસ થશે. તથા દીવ અને સોમનાથના મત્સ્યોદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગોના માલસામાનની હેરફેરમાં સરળતા થતા સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ મળશે.

ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવેના ત્રણેય પ્રોજેક્ટનો આશય સ્થાનિકોને રોજગારીની તકો પૂરી પાડવાનો, માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો, ઉત્તમ પરિવહન સુવિધાઓ આપવાનો અને મુસાફરીના સમયની બચત કરવાનો છે. જે આર્થિક, સામાજિક અને આરોગ્ય વિષયક સ્થાનિકોના જીવનધોરણની ગુણવત્તાને સુધારા તરફ દોરી જશે. પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો ટ્રાફિક ઓછો થતાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થશે. તેમજ એવન્યુ વૃક્ષારોપણ આજુબાજુના વિસ્તારને હરિયાળું બનાવવામાં મદદરૂપ થશે.

પાણી પુરવઠા વિભાગની રૂ.287 કરોડની યોજનાઓના ખાતમુહૂર્ત થશે

ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી તાલુકાના 7 લાખથી વધુ લોકોને મળશે પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી

પીવાનું પાણી એ માનવીની પ્રાથમિક જરૂરિયાત અને રાજયની પ્રાથમિક જવાબદારીઓમાંની એક છે. જેને  પહોંચી વળવા તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીએ પીવાના પાણીના ક્ષેત્રે અભૂતપુર્વ કામગીરી કરી “સૌની” યોજના થકી મા નર્મદાના નીર સૌરાષ્ટ્રમાં પહોંચાડવા સાથે જ અનેક જૂથ યોજનાઓનું નવીનીકરણ અદ્યતન ટેકનોલોજી સાથે કર્યું છે.

Rajkot-Surendranagar Railway Double Tracking Project Will Be Launched By The Prime Minister
Rajkot-Surendranagar railway double tracking project will be launched by the Prime Minister

આવી જ દૂરંદેશિતા સાથે પાણી પુરવઠા અને વિતરણની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા આગામી તા. 25 ફેબ્રુઆરીએ રાજકોટ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પાણી પુરવઠા વિભાગ અંતર્ગતની રૂ. 287 કરોડથી વધુના ખર્ચે બનનાર 3 યોજનાઓના ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમાં રૂ.131.94 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લાના વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ તેમજ ધોળીધજા ડેમ આધારિત એસ-2 એસ-3 જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.89.33 કરોડના ખર્ચે અમરેલી જિલ્લાના લાઠી-લીલીયા- ચાવંડ જુથ સુધારણા યોજના અને રૂ.65.774 કરોડના ખર્ચે તૈયાર થનાર ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં જેસર જુથ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત વલ્લભીપુર તથા ડેમ આધારિત જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનામાં 6 એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ, હેડ રેગ્યુલેટર અને કલેકટીંગ માટે 3 કુવા, 533 કિ.મી.થી વધુમાં પી.વી.સી. પાઇપલાઇનની કામગીરી, જુદા જુદા પંપીંગ સ્ટેશન પર વિવિધ ક્ષમતાના 9 ભૂગર્ભ સંપ, પાંચ લાખ લીટર અને 20 મીટર ઊંચી પાણીની 2 ટાંકી, 7 પંપ હાઉસ, 800 મીટરની કમ્પાઉન્ડ, 400 મી. આર.સી.સી રોડ, વીજળીકરણ, પંપીંગ મશીનરી અને ગ્રામ્ય સ્તરે વિવિધ ક્ષમતાના 114 ભૂગર્ભ સંપની કામગીરી કરવામાં આવશે. આ યોજનાથી લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા, લખતર, વઢવાણ, મુળી અને સાયલા તાલુકાના 170 ગામો સહિત 1 શહેરના આશરે 5.79 લાખથી વધુ લોકોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા આપી શકાશે.

અમરેલી જિલ્લાની લાઠી, લીલીયા, ચાવંડ જુથ સુધારણા યોજના હેઠળ અંદાજિત રૂ. 89.33 કરોડના ખર્ચે 6 ભૂગર્ભ સંપ,8 આર.સી.સી. ઉંચી ટાંકી, 4 પંપ રૂમ, 72 કિમી રાઈઝિંગ (ડી.આઇ.) તથા 130 કિ.મી. ગ્રેવિટી (પી.વી.સી.) મેઈન પાઇપલાઇન, સ્ટાફ ક્વાર્ટર, કમ્પાઉન્ડ વોલ તેમજ આનુષંગિક કામો હાથ ધરવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં લાઠી, લીલીયા, બાબરા તાલુકાના 1.5 લાખથી વધુ લોકોને પીવાલાયક પાણી મળશે.

25 ફેબ્રુઆરીના રોજ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની શેત્રુંજી જેસર જૂથ યોજનાનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. આ યોજનામાં શેત્રુંજી જળાશયને મુખ્ય સ્ત્રોત તરીકે લઈ રૂ. 65.774 કરોડના ખર્ચે શેત્રુંજી જળાશય ખાતે 1 ઇન્ટેક વેલ, 8 એમ.એલ.ડી. ફિલ્ટર પ્લાન્ટ, 36 લાખ લિટરનો આર.સી.સી. સંપ, 2 સંપ બુસ્ટર, ગ્રામ્ય સ્તરે 50 હજાર થી 20.50 લાખ લી.ના 10 સંપ, 28 કી.મી રાઈઝીંગ તથા 51 કિ.મી ગ્રેવિટી મેઈન પાઇપલાઇન તથા ઈન્ટેક વેલ પર બુસ્ટીંગ સ્ટેશન અને પંપીંગ મશીનરીની કામગીરી કરવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં જેસર તાલુકાના જેસર,પીપરડી, રાણીગામ, દેપલા, પા, રાણપરડા(ચોક) ,હિપાવડલી, કાત્રોડીયા, ઝડકલા, ઘોબા ગામના અંદાજે 60 હજાર લોકોને નિયમિત શુદ્ધ પાણી મળશે.

ગુજરાત સરકાર પીવાના પાણીની મર્યાદિત ઉપલબ્ધતાની સમસ્યાને દૂર કરવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઇનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાગ હેઠળ રૂ. 6,242 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

પાણી પુરવઠા વિભાગે રાજ્યની પાણીની અછતની સ્થિતિને ટકાઉ ધોરણે નિવારવાના લક્ષ્ય સાથે “રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ” બનાવવાની પહેલ કરી, તમામને પૂરતા પ્રમાણમાં પાણી સુનિશ્ચિત કરાવવા માટે મજબૂત માળખું બનાવવામાં આવ્યું છે.

રાજ્યમાં પાણી પુરવઠા ક્ષેત્રમાં રૂ. 20,000 કરોડ થી વધુ રકમના ખર્ચે રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડના નિર્માણ થકી 3,200 કી.મી. બલ્ક પાઇપલાઇનનું નિર્માણ થયું છે. આ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા રાજ્યના 18,152 પૈકી 14,926 ગામો તેમજ 241 શહેરો નર્મદા તથા અન્ય સરફેસ સ્ત્રોતથી જોડાયેલ છે, જે થકી સમગ્ર રાજ્યમાં 352 જૂથ યોજનાઓ હેઠળના 1432 હેડવર્ક/સબ હેડવર્ક થકી 4.36 કરોડ લોકોને દૈનિક 3200 એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. સાથે જ, વધતી વસ્તીને ધ્યાને લઈ પાણીની દૈનિક જરૂરિયાતમાં વધારો થતાં સુધારણા યોજનાઓ થકી પુરવઠા ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા રૂ.549 કરોડની નવી યોજનાઓનું લોકાર્પણ અને રૂ.969 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

રાજયમાં છેલ્લા એક વર્ષમાં 899 ગામોને સમાવેશ કરતી અંદાજીત રૂ.1238 કરોડની, 25 જૂથ પાણી પુરવઠા અને ફળીયા કનેક્ટીવીટી યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બોટાદ જિલ્લામાં રૂ.376 કરોડનાં બલ્ક પાઈપલાઈનનાં કામો પૂર્ણ કરવામાં આવેલ છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા માટે રૂ.2080 કરોડ નાં બલ્ક પાઈપલાઈનનાં કામો પ્રગતિ હેઠળ છે.

માર્ગ અને મકાન વિભાગના અંદાજીત રૂ.267 કરોડના વિકાસકામોની મળશે ભેટ

નવા રોડના લોકાર્પણ અને ખાતમુહુર્ત થકી ઝડપી અને સમયસર પરિવહનથી નાગરિકોના સમય અને ઇંધણનો થશે બચાવ

Rajkot-Surendranagar Railway Double Tracking Project Will Be Launched By The Prime Minister
Rajkot-Surendranagar railway double tracking project will be launched by the Prime Minister

ગુજરાત છેલ્લા બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ સાધી દેશના વિકાસમાં ઉત્તરોતર ફાળો વધારી ગ્રોથ એન્જીન બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા – નિર્દેશ હેઠળ દેશભરમાં આંતરમાળખાકીય સુવિધાઓનું માળખું સુદ્રઢ બન્યું છે. રાજમાર્ગો લોકોની સુખાકારી તથા રાજ્યના વિકાસ માટે ધોરી નસ સમા બન્યા છે. રાજ્યમાં અંતરિયાળ વિસ્તારથી લઈને ઔદ્યોગિક વસાહતો, બંદરો, શહેરો, પર્યટન સ્થળો સુધી પરિવહન માટે રસ્તાઓ પથરાયા છે. જુદા-જુદા રસ્તાઓના બાંધકામ તેમજ તેની યોગ્ય જાળવણી દ્વારા પરિવહન તંત્રને સુદ્રઢ કરવાની સરકારની નેમ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે પધારી અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવાના છે, જેમાં  માર્ગ અને મકાન વિભાગના અંદાજીત રૂ. 267 કરોડના વિકાસ પ્રકલ્પોમાં સમાવિષ્ટ રાજકોટ જિલ્લાના સુપેડી – જામદાદર રોડ અને ભાવનગર જિલ્લાના તળાજાના મણારથી તરસરા રોડનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં મહુવા – બાધડા સેકશન “પ્રોજેક્ટ રોડ” ના પેવડ શોલ્ડર ક્ધફીગરેશન કરી 2-લેન કેરેજ – વે બનાવવાના કામનું ખાતમુહુર્ત વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાના સુપેડીથી જામદાદર વચ્ચે સુપેડી – ચિત્રાવડ – માત્રાવડ અને જામદાદરને જોડતો અંદાજીત રૂ. 41.66 કરોડના ખર્ચે 7 મીટરની ડબલ લેન, ન્યુ સી.ડી. વર્ક અને સાઈડ સોલ્ડર્સ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આ માર્ગનું લોકાર્પણ થતા સંપૂર્ણ ખેતીવાડી સાથે સંકળાયેલ આસપાસના ગામોના અંદાજીત 22 હજારથી વધુ લોકોને સીધો લાભ મળી રહેતા ધોરાજી, કાલાવડ, જામકંડોરણા માર્કેટિંગ યાર્ડ ખાતે આવવા જવામાં સરળતા, કૃષિ પેદાશોનું ઝડપી પરિવહન ઝડપી, ગ્રામજનોને સમયસર તબીબી સારવાર, સરળતાથી નજીકના તાલુકા મથકે જઈ શકવાથી સમય અને ઇંધણનો પણ બચાવ થશે.

જયારે ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં મણારથી ભારપરા, ભારપરાથી પાદરી અને પાદરીથી તરસરા એમ કુલ ત્રણ તબક્કામાં બનાવવામાં આવેલો મણાર-તરસરા રોડ અંદાજીત રૂ. 27.03 કરોડના ખર્ચે 5.50 મીટર પહોળાઈ સાથે 33 પાઈપ ડ્રેઈન, 7 સ્લેબ ડ્રેઈન, સી. સી રોડ અને રોડ ફર્નિશિંગ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોને શહેરી વિસ્તારો સાથે જોડતા આ માર્ગો થકી ઝડપી અને વધુ કાર્યક્ષમ પરિવહન થતા ગ્રામજનો માટે આરોગ્ય સંભાળ, શિક્ષણ અને રોજગારની તકો જેવી આવશ્યક સેવાઓ ઝડપી અને ઉતમ મળી રહેશે.

ભાવનગર અમરેલી વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 351 ઉપર અંદાજિત રૂ. 198.19 કરોડના ખર્ચે  મહુવા – બાધડા સેકશનમાં 2-લેન કેરેજ-વે ધરાવતા 47 કિલોમીટર રોડનું અપગ્રેડેશન કામ કરવામાં આવનાર છે. ભાવિ ટ્રાફિકની જરૂરિયાતને પહોંચી વળવા માટે વિસ્તરણ, બાયપાસ, ભૌમિતિક સુધારણા ડિઝાઇન, પ્રસ્તાવિત પેવમેન્ટ ડિઝાઇન અને ઓવરલેન ડિઝાઇન, ટ્રાફિક નિયંત્રણ અને સલામતીનાં પગલાં, બ્રિજ અને ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સ જેવી બાબતોને ધ્યાનમાં રાખી

મહુવા-સાવરકુંડલા-અમરેલી-બગસરા-જેતપુર સેક્શનના પેવડ શોલ્ડર કન્ફિગરેશન સાથે સ્પીડ 80/100 કિમીની ન્યૂનતમ ડિઝાઈન સ્પીડ સાથે અપગ્રેડ કરવામાં આવશે. રોડના અપગ્રેડેશનથી મુસાફરો સુગમતાથી આરામદાયક અને ઝડપી મુસાફરી કરી શકશે.

રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ સગવડોયુક્ત જીવન સ્તર ઉપલબ્ધ કરાવવાની સરકારની નેમ છે, ત્યારે ગ્રામીણ વિસ્તારની જીવન જરૂરિયાતની આવશ્યક સેવાઓ માટે સારા રસ્તા એ પ્રાથમિક જરૂરિયાત હોવાથી શહેર જેવી સુવિધાઓ ગામડાઓમાં પહોંચાડવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધતા સાથે પરિણામલક્ષી કાર્ય કરી રહી છે. રાજ્યના તમામ ગામો અને બીજા મહત્વના સ્થળોને ગ્રામ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગોના સુઆયોજીત નેટવર્કથી જોડવામાં આવ્યા છે. આ રસ્તાઓના સુદ્રઢીકરણની કામગીરી સાથે ગુણવત્તામાં પણ વધારો કરવાનું સરકારનું લક્ષ્ય છે ત્યારે આ વર્ષના બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. 5000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યની વિકાસયાત્રાના પ્રણેતા અને ગુજરાતનાં પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આહ્વાન કર્યું છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિકસિત ભારતની આ સંકલ્પનામાં ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.