Abtak Media Google News

શહેર કોંગ્રેસ પ્રમુખ સત્તાવાર રીતે કોંગ્રેસના જે કોર્પોરેટરનું નામ અપાશે તેને વિરોધ પક્ષના નેતાની કાર ફાળવાશે: ભાજપનો નિર્ણય

રાજકોટવાસીઓએ ભાજપ તરફી આપેલા પ્રચંડ જનાદેશના કારણે મહાપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. આવામાં કોંગ્રેસના જે ચાર કોર્પોરેટર ચૂંટાયા છે તેઓએ પણ હવે ભાજપના શાસકોની રહેમરાહે પાંચ વર્ષનો કાર્યકાળ પસાર કરવાનો રહેશે. માન્ય વિરોધ પક્ષ બનવા માટે કોંગ્રેસ પાસે ઓછામાં ઓછા 8  નગરસેવક હોવા જરૂરી છે પરંતુ કોંગ્રેસ પાસે માત્ર 4 જ કોર્પોરેટર છે. પર્યાપ્ત સભ્ય સંખ્યા ન હોવા છતાં કોંગ્રેસને વિરોધ પક્ષની ચેમ્બર અને વિરોધ પક્ષના નેતાની સરકારી મોટરકાર ફાળવવાનો નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે.

Advertisement

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, મહાપાલિકામાં માન્ય વિરોધ પક્ષ માટે કોંગ્રેસ પાસે 8 નગરસેવકો હોવા જરૂરી છે પરંતુ તેઓએ પાસે પર્યાપ્ત સંખ્યાબળ નથી. આવામાં કાયદાની દ્રષ્ટિએ તેઓ ચેમ્બર કે સરકારી ગાડી મેળવવા માટે પણ હક્કદાર રહ્યાં નથી છતાં ભાજપે એવો નિર્ણય કર્યો છે કે, કોંગ્રેસને ચેમ્બર પણ ફાળવવામાં આવશે અને વિરોધ પક્ષના નેતાને સરકારી ગાડી પણ ફાળવવામાં આવશે. શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાર્ટીના સત્તાવાર લેટરપેડ પર જે કોંગી નગરસેવકનું નામ આપવામાં આવશે તેને વિરોધ પક્ષના નેતાના હોદાના રૂએ મળતી સરકારી ગાડી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પર્યાપ્ત સંખ્યાબળ ન હોવા છતાં ભાજપે મોટુ મન રાખી કોંગ્રેસને વિપક્ષી ચેમ્બર અને વિરોધ પક્ષના નેતાને મળતી ગાડી આપવાનો નિર્ણય લીધો છે પરંતુ બીજી તરફ વાત એ છે કે વર્ષોથી ચાલી આવતી પરંપરા પક્ષે તોડી છે. સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યો પૈકી કોંગ્રેસના એક પણ નગરસેવકને સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.