Abtak Media Google News

તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, યુજીના વિદ્યાર્થી એટલે કે, સેમ-1 થી 4માં એકપણ એટીકેટી હોય તેવા વિદ્યાર્થીઓને 5માં સેમમાં પ્રવેશ આપવામાં નહીં આવે, આ પરિપત્રને તાકીદે રદ કરવા માટે આજરોજ એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.નીતિન પેથાણીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો કે, સમયસર કોઈ નિર્ણય ન થતાં એનએસયુઆઈ વીસી ઓફિસમાં બેસી રામધૂન બોલાવી હતી. જો કે, થોડા જ સમય બાદ પોલીસ દ્વારા તમામ એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

એનએસયુઆઈની કુલપતિને ઉગ્ર રજૂઆત: તાકીદે નિર્ણય ન થતાં રામધૂન બોલાવી, પોલીસે તમામ એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી

બીજીબાજુ એનએસયુઆઈ દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કોરોનાની મહામારી વચ્ચે હાલ લોકોની આર્થિક કમર તૂટી ગઈ છે ત્યારે જસાણી કોલેજમાં તાજેતરમાં કોમ્પ્યુટર પ્રેક્ટિકલની ફી ઉઘરાણી કરવામાં આવી રહી છે ત્યારે તમામ કોલેજોમાં ઓનલાઈન જ અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યો છે. તેમાં કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કરવા એકપણ વિદ્યાર્થી કોલેજ જતો નથી. ત્યારે વિદ્યાર્થી જો પ્રેક્ટિકલ કરતો જ ન હોય તો પ્રેક્ટિલ કરવાની ફી શા માટે ભરે ? આ બાબતે પણ એનએસયુઆઈ દ્વારા કુલપતિ પેથાણીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો કે, બન્ને રજૂઆતોનો તાકીદે કોઈ નિર્ણય ન થતાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ કુલપતિ ઓફિસે બેસી ગયા હતા અને રામધૂન તેમજ નારા લગાવ્યા હતા. થોડા સમય બાદ યુનિવર્સિટી પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઉપપ્રમુખ દર્શન શિયાળ, દિગ્પાલસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, પાર્થ ગઢવી, રોહિત રાઠોડ સહિતનાઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.