Abtak Media Google News

અગાઉની સરકારમાં રાજકોટને માત્ર રાજ્યકક્ષાનું મંત્રીપદ ફાળવાયું હતું: સાંજે કેબિનેટની બેઠકમાં ભાનુબેન બાબરિયાને વિભાગ ફાળવાશે

ગુજરાત સરકારમાં રાજકોટ શહેરનું વજન વધ્યું છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના બે ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બંનેને નવી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

Advertisement

2016 થી 2021 સુધી એમ સતત પાંચ વર્ષ રાજકોટ જ સરકાર હતી. કારણ કે તે સમયે રાજ્યના મુખ્યમંત્રીપદે વિજયભાઇ રૂપાણી સત્તારૂઢ હતાં. સપ્ટેમ્બર-2021માં ભાજપ હાઇકમાન્ડ દ્વારા નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ શહેરને કદ મુજબ વેતરી નાંખવામાં આવ્યું હોય તેમ માત્ર રાજ્યકક્ષાના મંત્રીનું પદ ફાળવવામાં આવ્યું હતું. સવા વર્ષ બાદ ફરી સરકારમાં રાજકોટનું વજન વધ્યું છે. શહેરની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોય એક વાત નિશ્ર્ચિત હતી કે રાજકોટને મંત્રીપદ ફાળવવામાં આવશે તો મહિલા ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટને વધુ એક સરપ્રાઇઝ આપી છે. ગ્રામ્ય વિધાનસભા બેઠકના મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. 17 સભ્યોના મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના કુલ પાંચ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ચાર ધારાસભ્યોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે એક ધારાસભ્યને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળિયા, મુળુભાઇ બેરા અને ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રી જ્યારે પુરૂષોત્તમ સોલંકીને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. માત્ર રાજકોટ શહેર જ નહિં રાજકોટ જિલ્લાનો મંત્રી મંડળમાં દબદબો જોવા મળી રહ્યો છે. કારણ કે જિલ્લામાંથી બે ધારાસભ્યોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

કહેવાય છે કે સમયથી પહેલા અને ભાગ્યથી અધિક કયારેય કોઇ વ્યકિતને કશું પ્રાપ્ત થતું નથી. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સાથે આ પંકિત ચરિતાર્થ થવા પામી છે. અગાઉ બે વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા બાદ પણ ભાબુબેન મંત્રી પદથી વંચિત રહ્યા હતા. આ વખતે સિનિયોરીટી કામ કરી ગઇ છે. રાજકોટના ચારેય ધારાસભ્યો પૈકી ભાનુબેન સૌથી વધુ સિનીયર હોય તેઓ પર પસંદગીનું કળશ ઠોળવામાં આવ્યું છે. તેઓને કેબનીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

અનુસુચિત જાતિ માટેની અનામત બેઠક એવી રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી વર્ષ 2007માં ભાનુબેન બાબરીયા પ્રથમ વખત ચુઁટણી લડયા હતા એના ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા હતા. 2012 વિધાનસભાની ચુંટણીમાં પક્ષે ફરી એકવાર તેઓ પર વિશ્ર્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો અને ફરી ટિકીટ આપવામાં આવી હતી. પક્ષનો વિશ્ર્વાસ તેઓ સાર્થક કરવામાં સફળ રહ્યા હતા. જો કે અગાઉ વજુભાઇ વાળા અને ગોવિંદભાઇ પટેલ જેવા સીનીયર ધારાસભ્યો હોવાના કારણે ભાનુબેનને મંત્રી પદ મળ્યું ન હતું.

2017માં ભાજપે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાનુબેન બાબરીયાની ટિકીટ કાપી નાંખી હતી. જો કે પાંચ વર્ષના અંતરાલ બાદ ફરી ભાજપે ભાનુબેન પર વિશ્ર્વાસ મુકતા રાજકોટ ગ્રામ્ય  વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. તેઓએ આ વખતે લીડનો પોતાનો જ રેકોર્ડ બ્રેક કરતા શાનદાર જીત મેળવી હતી. રાજકોટની ચાર બેઠકો પૈકી ભાજપે બે બેઠકો પર મહિલા ઉમેદવારોને ટિકીટ આપી હોવાના કારણે એક વાત નિશ્ર્ચીત મનાતી હતી કે આ વખતે રાજકોટમાંથી મંત્રી મંડળમાં સ્થાન કોઇ મહિલા ધારાસભ્યને મળશે.

રાજકોટના ચાર ધારાસભ્યો પૈકી ભાનુબેન બાબરીયા સૌથી સીનીયર ધારાસભ્ય છે કારણ કે ઉદયભાઇ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. આવામાં પક્ષે સીનીયોરીટીના આધારે ભાનુબેનને કેબીનેટ મંત્રી બનાવ્યા છે. આજે બપોરે તેઓ કેબીનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપવામાં આવે તેવી સંભાવના છે.

ભાનુબેન બાબરીયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવતા અને કેબનીટ મંત્રી બનાવવામાં આવતા  રાજકોટ શહેર ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. હાલ તેઓ વોર્ડ નં.1 ના નગરસેવીકા તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે તેમને મંત્રી બનાવવામાં આવતા હવે તેઓ કોર્પોરેટર પદેથી રાજીનામુ આપી દે તેવી શકયતા પ્રબળ બની જવા પામી છે.

મંત્રી મંડળમાં એકમાત્ર મહિલાનો સમાવેશ

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે સતત બીજી વખત ભૂપેન્દ્રભાઇ પટેલે આજે શપથ લીધાં હતા. તેઓની સાથે આઠ કેબિનેટ મંત્રી, બે સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓ અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. સૌથી મોટી અને આશ્ર્ચર્યની વાત એ છે કે મહિલા સશક્તિકરણની વાતો કરતા ભાજપે 17 સભ્યોના મંત્રી મંડળમાં માત્ર એક મહિલાને સ્થાન આપ્યું છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતેલાં ભાનુબેન મનોહરભાઇ બાબરિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં સરકાર મંત્રી મંડળનું વિસ્તરણ કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.