Abtak Media Google News

રાજકોટ, સુરત વિસ્તાર સહિતની અનેક જમીન વિવાદી કરી કૌભાંડ આચરનાર સંજય પાનસુરીયા સામે કડક કાર્યવાહી કરવામાં પોલીસનો પન્નો ટૂંકો પડયો ભૂ માફિયાને લીંબડાનો સ્વાદ ચખાડવામાં પોલીસને કંઇ શરમ નડે છે? મલાઇવાળી તપાસ કંઇ રીતે થશે?

શહેરમાં અનેક જમીન કૌભાંડમાં સંડોવાયેલા ભૂ માફિયા સાથે પોલીસની સાંઠગાંઠના કારણે બિલ્ડરોને કરોડોનું નુકસાન થતું હોવા છતાં પોલીસ સાથે સેટીંગ બાદ જ ભૂ માફિયા સામે ગુનો નોંધવામાં આવે છે અને વગદાર અને પૈસાદાર પોતાનું પોલીસ પાસે ધાર્યુ કામ કરાવી શકતી હોય તેવી વધુ એક જમીન કૌભાંડની ઘટના પ્રકાશમાં આવી છે.

લાંબા સમયથી ચાલતા વિવાદમાં પોલીસ દ્વારા સમાધાન કરાવવાના પ્રયાસો નિષ્ફળ બનતા ગુનો નોંધવામાં આવ્યો છે. જમીન કૌભાંડની ચોક્કસ અધિકારીઓના જ માર્ગ દર્શન હેઠળ ગુનો નોંધવો કે ન નોંધવો નક્કી થતું હોય છે અને જમીન કૌભાંડની ફરિયાદ નોંધાયા બાદ કોની પાસે મલાઇદાર તપાસ રાખવી અને કંઇ રીતે તપાસમાં આગળ વધવાનું અટવા સહિતમાં જાણકાર અને નિષ્ણાંત પોલીસ અધિકારીને તપાસ સોપવામાં આવે છે.

જમીન કૌભાંડની અરજી લઇ બંને પક્ષકાર વચ્ચે પોલીસ દ્વારા જ મધ્યસ્થી કરાવવામાં આવ્યા બાદ પોલીસની ઇચ્છા અનુસાર સમાધાન ન થાય ત્યારે જ તપાસમાં તમામ વહિવટ અને નિતિ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ નક્કી કરી ગુનો નોંધવામાં આવે છે ગુનો નોંધ પાછળ પણ અનેક સેટીંગ અને કારણો રહેલા હોય છે. ફરિયાદ નોંધાયા પાછળના કારણો અને સેટીંગની વિગતો ખુદ ફરિયાદી, જમીન કૌભાંડ આચરનાર ભૂ માફિયા અને શહેરના ગણ્યા ગાઠયા પોલીસ અધિકારીઓ જ જાણતા હોય છે.

આવી જ એક ઘટનાનો ગુનો ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો છે. શહેરના જાણીતા બિલ્ડર અતુલ દિલસુખભાઇ શેઠે અગાઉ જમીન કૌભાંડમાં સંડોવાયેલા સંજય મનુ પાનસુરીયા, ભીમા વિરમ ઓડેદરા, ચેતન ચંદ્રકાંત ગોંડલીયા, મહેબુબ ગફાર ખલીફા, જયંતી તુલશી ઉમરેઠીયા, અને રહીમ હાસમ નરસલીયા સામે કરોડોની કિંમતની જમીનના બોગસ દસ્તાવેજના આધારે કૌભાંડ આચર્યાનો ગુનો નોંધાયો છે.

મુંઝકા સર્વે નંબર ૫૩ની ૧,૨,૩ સર્વે નંબર ૫૪ની ૧,૨,૩ અને સર્વે ૫૯-૧ની ૧ અને ૨ની કુલ જમીન ૯.૬૭-૨૦ હેકટર જમીનના કુલમુખ્યાર તરીકે રદ થયેલા સંજય પાનસુરીયા અને માલિકી હક્ક ન હોવા છતાં કરોડોની કિંમતની જમીનનો પોતે માલિક હોય તે રીતે પોરબંદરના ભીમા વિરમ ઓડેદરાને જમીન વેચાણ અંગેના દસ્તાવેજ કરી આપી કૌભાંડ આચર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

મુંઝકા જમીનનું છેલ્લા દસેક વર્ષથી પ્રકરણ ચાલી રહ્યું છે. અનેક વખત પોલીસ અધિકારીઓએ બંને પક્ષોને સમાધાન માટેની ફોમ્યુલા બનાવી હતી પણ બંને વચ્ચે ઇચ્છીત સમાધાન ન થતાં અરજી પરથી જમીન કૌભાંડીયા સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.  મુંઝકાની કરોડોની જમીનની મલાઇદાર તપાસ પોલીસની મહત્વની બ્રાન્ચ દ્વારા સંભાળવામાં આવી છે.

જમીન કૌભાંડના અનેક ગુનામાં સંડોવાયેલા ભૂ માફિયાઓને પોલીસ કમિશનર કચેરી ખાતેના પ્રસિધ્ધ લીંબડાની કડવાણીનો ડોઝ આપવામાં આવશે કે કેમ તે અંગેની ચર્ચાએ ચકચાર જગાડી છે.  મલાઇદાર તપાસમાં ફરિયાદ પક્ષ વગદાર અને વજનદાર હશે તો પોલીસ દ્વારા કાયદા મુજબ ન્યાય સાથે જમીન કૌભાંડીયાઓને કાયદાનું ભાન કરાવવામાં આવશે ભૂ માફિયા ફરિયાદ પક્ષ કરતા વધુ વગદાર અને સેટીંગમાં પાવરધા હશે તો જમીન કૌભાંડની તપાસમાં ભીનું સંકેલી લેવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

પોલીસની બેધારી નિતિના કારણે જ સંજય પાનસુરીયા જેવા જમીન કૌભાંડીયા મોટા ગજાના નેતા બનવા નીકળ્યા હોવાનુ અને જમીન કૌભાંડ આચરતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સંજય પાનસુરીયાએ રાજકોટ ઉપરાંત સુરત અને ચીખલીમાં પણ જમીન કૌભાંડ આચર્યાનું ફરિયાદી અતુલ શેઠ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.