Abtak Media Google News
ગુજરાત રાજયસભાની ચૂંટણીમાં પ્રથમ વખત નોટાનો ઉપયોગ થશે: કોંગ્રેસમાંથી ક્રોસ વોટીંગની સંભાવનાઓ વચ્ચે હવે નોટાની ચર્ચા
બેંગાલુરૂમાં સુરક્ષા વીના ધારાસભ્યોએ બર્થ ડે પાર્ટી મનાવી, ગુજરાતમાં જે લોકો માટે સુરક્ષા તૈનાત કરી એ જ ‘લોકો’ ગુમ !!!

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો હાઈકમાન્ડથી નારાજ દેખાઈ રહ્યાં છે. શંકરસિંહના રાજીનામા બાદ અહેમદ પટેલે રાજયસભામાં ઉમેદવારી નોંધાવતા આંતરીક વિખવાદ સપાટીએ પહોંચી ગયો છે. જેમાં ૬ ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપ સાથે હાથ મિલાવ્યો છે. હજુ પણ અન્ય ધારાસભ્યો કોંગ્રેસના હાઈકમાન્ડથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આગામી ચૂંટણી કોંગ્રેસ માટે લીટમસ ટેસ્ટ બની રહેવાનો છે. કોંગ્રેસના નેતાઓને તેના આંતરીક વિખવાદો જ કોરી રહ્યાં છે. જેના પરિણામે હવે કોંગ્રેસીઓને અંદરો-અંદર પણ ભરોસો રહ્યો નથી.

ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલ-પાથલ ચાલી રહી છે જેમાં કોંગ્રેસના નારાજ ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવી રહ્યાં હોવાથી કોંગ્રેસ હાઈ કમાન્ડે ડેમેજ કંટ્રોલની કામગીરી શ‚ કરી હતી. જેમાં ગુજરાતમાં ત્રણ છાવણી બનાવીને પ્રથમ તમામ ધારાસભ્યોને એકઠા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ બેંગ્લોરના એક રીસોર્ટમાં રાખવામાં આવ્યા છે.

એક તરફ કોંગ્રેસીઓને રિસોર્ટમાં કેદ કરી દેવામાં આવ્યા તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચને ફરિયાદ કરવામાં આવી હતી.જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસી ધારાસભ્યોનું ખરીદ-વેંચાણ થઈ રહ્યું છે અને તેઓને ધમકીઓ મળી રહી છે. આ ફરિયાદ બાદ ચૂંટણીપંચે ધારાસભ્યોની સુરક્ષાની સમીક્ષા કરવા ગુજરાત સરકારને જણાવ્યું હતું અને આ બાબતે અહેવાલ પહોંચાડવા પણ આદેશ આપ્યો હતો.

ચૂંટણીપંચના આદેશો બાદ ગુજરાત સરકાર દ્વારા તમામ કોંગ્રેસી ધારાસભ્યોને સુરક્ષા પુરી પાડવામાં આવી છે. પરંતુ જેના માટે સુરક્ષા તૈનાત કરી છે એ લોકો જ ગાયબ છે. આ પરિસ્થિતિમાં હવે સુરક્ષા અધિકારીઓ અને સરકાર પણ અસમંજસમાં મુકાઈ છે કે, ખરેખર સુરક્ષા કોની કરવાની છે. મુખ્ય સચિવ જે.એન.સિંઘે ચૂંટણીપંચને રિપોર્ટ સુપ્રત કરતા કહ્યું હતું કે, ગુજરાતના ધારાસભ્યો માટે પુરતી સુરક્ષા રાખવામાં આવી છે પરંતુ અહેવાલ રજૂ કરવા સમયે એક પણ ધારાસભ્ય નિવેદન આપવા માટે હાજર હતો નહીં જેના પરિણામે કોંગ્રેસીઓને સુરક્ષા આપવામાં આવી છે તે કોંગ્રેસ દ્વારા જ કહી શકાતુ નથી.

કોંગ્રેસની ચૂંટણીપંચમાં ફરિયાદ હવે બુમરેંગ સાબીત થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે ધારાસભ્યો સુરક્ષીત ન હોવાનું જણાવીને ખુદ કોંગ્રેસીઓ જ ગુજરાત બહાર ભાગી છુટયા છે. એક તરફ ગુજરાતમાં સુરક્ષાની માંગ કરવામાં આવી છે તો બીજી તરફ બેંગ્લોરમાં સુરક્ષા વીના ધારાસભ્યો બથર્ડ પાર્ટી સહિતની જલસા કરી રહ્યાં છે.

બેંગ્લોરના રીસોર્ટમાં ભેગા થયેલા કોંગ્રેસીઓએ કામીનીબા રાઠોડના પુત્રનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણી કરી હતી અને રિસોર્ટમાં રહેલા કોંગ્રેસીઓ સમય પસાર કરવાના વિકલ્પો શોધી રહ્યાં છે. મોટાભાગના ધારાસભ્યો પરિવાર સાથે બેંગ્લોર પહોંચી ગયા છે. તો બીજી તરફ ગુજરાતમાં ફરિયાદો કરીને સુરક્ષા માટે અને સરકારને દોડધામ કરાવવામાં આવી રહી છે. કોંગ્રેસની આ રણનીતિથી કયાંક તેની છબી પણ ખરડાઈ રહી છે.

એક તરફ લોકો પુરમાં હેરાન થયા છે આવા સમયે લોકોને સરકારને સાચો માર્ગ બતાવે તેવા વિપક્ષની જ‚ર હોય છે પરંતુ ગુજરાતમાં તો વિપક્ષ જ નાશી છૂટયો છે.

બીજી તરફ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી થનારી ૩ બેઠકો માટે ૮મી ઓગસ્ટે ચૂંટણી યોજાશે. જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશાનુસાર નોટા (નન ઓફ ધ એબોવ)નો પ્રથમવાર ઉપયોગ કરાશે. ગુજરાતમાં રાજ્યસભાની ૩ બેઠક માટે ભાજપના ઉમદેવાર તરીકે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂત મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલ ભાવિ અજમાવી રહ્યાં છે. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીમાં પ્રથમવાર નોટાના ઉપયોગના આદેશને પગલે આ ચૂંટણી જંગ રસપ્રદ બનશે તેમ મનાય છે.

રાજ્યસભાની ચૂંટણી માટે વોટ આપવાનો અધિકાર માત્ર વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો)ને જ હોય છે અને તે મુજબ ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો, આ ચૂંટણી માટે મતદાન કરવાના છે. સામાન્ય રીતે વિધાનસભામાં ભાજપના ૧૨૧, કોંગ્રેસના ૫૭ ધારાસભ્યોની સંખ્યા મુજબ રાજ્યની આ ત્રણ બેઠક માટે ભાજપના બે અને કોંગ્રેસના એક ઉમેદવાર જીતી શકે એમ હતા  પરંતુ આ વખતે ભાજપે બેના બદલે ત્રણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા બાદ સંભાવના એવી ઊભી થઈ છે કે, ભાજપના ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે કોંગ્રેસના સભ્યોમાંથી ક્રોસ વોટિંગ કરાવવું પડશે.

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદેવારને જ કોંગ્રેસના ઉમેદવાર વોટ આપે તેવો વ્હીપ જારી કરાશે અને તેના ભંગ બદલ ધારાસભ્યને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાશે અને તે છ વર્ષ માટે ચૂંટણી લડી નહીં શકે. ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૧૨૧ છે. કોંગ્રેસના ૫૭માંથી ૬ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસની ધારાસભ્યોની સંખ્યા હવે, ૫૧ રહી છે. એટલે રાજ્યસભાની ચૂંટણી માટે એક ઉમેદવારને જીતવા માટે ૪૪ વોટ જરૂરી બનશે. ભાજપના એક ઉમેદવારને ૪૪ વોટ, બીજા ઉમેદવાર માટે ૪૪ વોટ મળીને કુલ ૮૮ વોટ મળ્યા બાદ ભાજપ પાસે ૩૩ વોટ બાકી રહેશે. જે તેમના ત્રીજા ઉમેદવારને મળી જશે એટલે તેમને જીતવા માટે જરૂરી એવા ૪૪ વોટમાં ૧૧ વોટ જોઈશે. જે તેમને કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ દ્વારા મેળવવા પડશે. એક બાજું એમ મનાય છે કે, હવે, નોટાનો ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે એટલે કે, કોંગ્રેસના ક્રોસ વોટિંગ કરવા માંગતા ધારાસભ્યો જો નોટાનો ઉપયોગ કરે તો કોંગ્રેસના ઉમેદવાર માટે જરૂરી વોટમાં નોટામાં અપાયેલા જેટલા વોટ ખૂટે અને એના કારણે તે ઉમેદવાર પરાજ્યની નજીક પહોંચી શકે છે અને ક્રોસ વોટિંગના કલંકથીદૂર રહી શકશે. બીજી બાજું એમ મનાઈ રહ્યું છે કે, નોટાનો ઉપયોગ પણ પક્ષના વ્હીપનો અનાદર જ મનાશે અને તે મુજબ પગલાં ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.