અયોધ્યાનાંવાસી રામ, રઘુકૂળનાં કહેવાયા રામ, પુરુષોમાં છે ઉત્તમ રામ, સદાય લ્યો હરી રામનું નામ

0
17

રામનવમી એ ભગવાન શ્રી રામનો જન્મદિન છે.  આ દિવસે ભગવાન વિષ્ણુંનાં સાતમા અવતાર તરીકે ભગવાન રામનો જન્મ થયો હતો. આ દિવસ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતિહાસ માનવામાં આવે છે. લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે અથવા ઘરમાં પૂજા-અર્ચનાં પણ કરે છે. રામ ભગવાનની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. લોકો આ દિવસે વ્રત-ઉપવાસ પણ કરે છે.

શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે પ્રભુ શ્રી રામે ચૈત્ર સુદ નવમીનાં દિવસે બપોરનાં બાર વાગ્યે અસુરી શક્તિનો નાશ કરવા માટે જન્મ લીધો હતો. શ્રી રામનાં આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામનાં જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્ની, નાના ભાઈ ભાંડુ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે તેમણે કોઈ પણ પરિસ્થિતિ માં એમની મર્યાદા નથી છોડી. એમના અલૌકિક સ્વભાવ, અદભૂત કાર્ય, અદ્વિતીય વીરતા, અનુકરણીય સહનશીલતા, વિનમ્રતા, ધર્મ-પ્રિયતા, પરોપકાર, સ્વાર્થ-ત્યાગ થી લોકોના મનમાં તેમના પ્રત્યે અતિ પ્રેમ બનાવી લીધો હતો માટે જ ભગવાન રામ ને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. રામનવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણનાં પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ  રામાયણનું વાચન, રામ પંચાયતન (રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજી) નું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે. રામનામ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. ઈશ્વરમાં શ્રધ્ધા રાખવી એ કોઈ આડંબર નથી, ઈશ્વર તો એક એવી અલૌકિક શક્તિ છે જેના ભયને કારણે જ લોકો પાપથી દૂર રહે છે, એક દુ:ખ પછી પણ લોકો સુખના સૂરજનાં રૂપે ઈશ્વર તરફ દ્રષ્ટિ નાખે છે. આ શ્રધ્ધા જ તેમને જીવનના મોટા મોટા દુ:ખોને જીરવવાની શક્તિ આપે છે. શ્રીરામનુ જીવન માણસને આદર્શ જીવન જીવવાની રાહ ચીંધે છે. ભગવાન રામનાં જીવનના દરેક પ્રસંગો આપણને કોઈને કોઈ સંદેશો આપી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here