રણજી ટ્રોફી: સૌરાષ્ટ્ર સામે પંજાબ મજબૂત સ્થિતિમાં, બંને ઓપનરની સદી

સૌરાષ્ટ્રના 303 રનના જવાબમાં પંજાબનો સ્કોર 264/2

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલા રણજી ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલ મેચના બીજા દિવસે પંજાબની ટીમે સૌરાષ્ટ્ર સામે મજબૂત પકડ મેળવી લીધી છે. પંજાબના બંને ઓપનરોએ સૌરાષ્ટ્રના બોલરોની બરાબર ધોલાઇ કરતાં સદી ફટકારી હતી. સૌરાષ્ટ્રના પ્રથમ દાવના 303ના જવાબમાં પંજાબે આ લખાઇ રહ્યું છે ત્યારે ટી ટાઇમ સુધીમાં બે વિકેટના ભોગે 264 રન બનાવી લીધાં છે.

ગઇકાલથી શરૂ થયેલા રણજી ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્રના સુકાની અર્પિત વસાવડાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રે માત્ર 208 રનમાં નવ વિકેટો ગુમાવી દીધી હતી. દરમિયાન નવમાં ક્રમે બેટીંગમાં આવેલા પાર્થ ભૂતે ચાર સિક્સર અને 11 ચોગ્ગાની મદદથી અણનમ 111 રન બનાવતાં સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં સન્માનજનક 303 રનનો જુમલો ખડક્યો હતો. પંજાબ વતી મયંક માર્કન્ડે ચાર વિકેટો, બલતેજસિંગે ત્રણ વિકેટો ખેડવી હતી. રણજી ટ્રોફીમાં અજેય રહેલી પંજાબની ટીમે સૌરાષ્ટ્રના બોલરોની બરોબર ખબર લઇ લીધી હતી.

ઓપનર પ્રાભસિમરન સિંઘ અને નમન ધીરે સદી ફટકારી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 212 રન નોંધાયા હતાં. 126 રનના અંગત સ્કોરે પ્રાભસિમરન સિંઘની પ્રથમ વિકેટ પડી હતી. ત્યારબાદ સ્કોરમાં માત્ર 11 રન ઉમેરાતાં પુખરાજ માન વ્યક્તિગત એક રનના સ્કોરે પેવેલીયનમાં પરત ફર્યો હતો. પાર્થ ભૂત અને યુવરાજસિંહ ડોડીયાએ સૌરાષ્ટ્ર વતી એક-એક વિકેટો ખેડવી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે પંજાબની ટીમે 64 ઓવરમાં બે વિકેટના ભોગે 264 રન બનાવી લીધાં છે. નમન ધીર 130 અને સુકાની મનદીપ સિંઘ 7 રન સાથે દાવમાં છે. હજુ પંજાબની ટીમ 39 રન પાછળ છે. જો કે, હજુ આઠ વિકેટો હાથમાં હોય પંજાબનો સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ર્ચીત મનાઇ રહ્યો છે.