Abtak Media Google News

ટોસ જીતી પ્રથમ દાવ લેવાનું દિલ્હીના સુકાની યશ ધુલને મોંધુ પડયું: પ્રથમ ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમાં બોલે જયદેવે વિકેટો ખેડવી પ્રથમ દાવમાં છ વિકેટો ઝડપી: દિલ્હીનો સ્કોર ર6 રનમાં સાત વિકેટ

સૌરાષ્ટ્રને રણજી ટ્રોફી અને વિજય હજારે વન-ડે ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવ્યા બાદ 1ર વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતીય ટીમમાં સ્થાન પ્રાપ્ત કરનાર સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટનો સિતારો હાલ સાતમા આસમાને ચમકી રહ્યો છે. ખંઢેરી ખાતે આજથી શરુ થયેલ દિલ્હી સામેની ચાર દિવસીય રણજી ટ્રાોફી મેચમાં જયદેવે પ્રથમ ઓવરમાં જ હેટ્રીક લઇ દિલ્હીની કમ્મર તોડી નાંખી હતી. તેને પ્રથમ દાવમાં સાત વિકેટો ઝડપી છે.

દિલ્હીની ટીમે માત્ર 27 રનમાં સાત વિકેટો ગુમાવી દેતા મેચની પ્રથમ કલાકથી જ યજમાન સૌરાષ્ટ્રે મેચ પર બરાબરની પકડ બનાવી લીધી છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આજે યજમાન સૌરાષ્ટ્ર અને મહેમાન દિલ્હી વચ્ચે એલીટ-બી ગ્રુપની ચાર દિવસીય મેચનો આરંભ થયો છે. જેમાં દિલ્હીના સુકાની યશધુલે ટોસ જીતી બેટસમેનો માટે સ્વર્ગસમી વિકેટ પર પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય દિલ્હી માટે પ્રાણઘાતક સાબિત થયો હતો. કારણ કે સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે મેચની પ્રથમ ઓવરમાં જ હેટ્રીક લીધી હતી. પ્રથમ ઓવરમાં ત્રીજા દડે ધ્રુવ શોરેય, ચોથા બોલે વૈભવ રાવલ અને પાંચમાં બોલે સુકાની યશધુલને પેવેલીયન ભેગો કરી દીધો હતો. સ્કોર બોર્ડ પર હજી એક પણ રન નોંધાયો ન હતો ત્યાં દિલ્હીની ત્રણ વિકેટો ધરાશાયી થઇ ગઇ હતી.

આ આઘાતમાંથી દિલ્હી બહાર નીકળે ત્યાં ચિરાગ જાની ત્રાકર્યો હતો. તેને બીજી ઓફરમાં આયુષ બદોણીને શુન્ય રને પેવેલીયનમાં મોકલી દીધો હતો. મેચની ત્રીજી અને પોતાની બીજી ઓવરમાં જયદેવ ઉનડકટ ફરી ત્રાટકયો હતો જોન્ટી સિધુ અને લલીત યાદવને આઉટ કર્યા હતા. દિલ્હીએ માત્ર ત્રણ ઓવરમાં પાંચ રનમાં છ વિકેટો ગુમાવી દીધી હતી. પ્રથમ દિવસે જ પ્રથમ  કલાકમાં મેચમાં સૌરાષ્ટ્રે મજબૂત પકડ મેળવી લીધી છે. આ લખાય રહ્યું છે ત્યારે દિલ્હીનો સ્કોર સાત વિકેટે માત્ર ર7 રન છે. જયદેવ ઉનડકટે 1ર રનમાં છ વિકેટો ખેડવી હતી. જયારે ચિરાગ જાનીએ એક વિકેટ ઝડપી હતી. આઇપીએલ સ્ટારથી ભરેલી મુંબઇની ટીમને પરાજય આપ્યા બાદ સૌરાષ્ટ્રની ટીમનો ઉત્સાહ સાતમા આસમાને હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.