Abtak Media Google News

ભારત જૈન મહામંડળ આયોજિત ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ

ચારેય ફિરકાઓનાં સંત-સતીજીઓ મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બાયસ સહિત અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

છેલ્લાં 124 વર્ષથી જૈન ધર્મનું નેતૃત્વ કરીને શાસન સેવા કરતાં ભારત જૈન મહામંડળ દ્વારા મરીન લાઈન્સ મુંબઈ સ્થિત બિરલા માતૃશ્રી સભાગૃહમાં આયોજિત ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત જૈન સમાજના સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર તેમજ તેરાપંથ – ચારે ફીરકાઓના સંત-સતીજીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબે સમગ્ર જૈન સમાજને પંથવાદથી પરે થઈને માત્ર ભગવાનના ધર્મને જ નહીં પરંતુ ભગવાનના ગુણધર્મોને સ્વીકારવાની પાવન પ્રેરણા આપી હતી.

પ્રભુ મહાવીરના  જન્મ કલ્યાણકને ઉજવવા સમસ્ત દિગંબર જૈન સમાજ,   સમસ્ત શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સમાજ,  સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ તેમજ સમસ્ત શ્વેતાંબર તેરાપંથી જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરતા પૂજ્ય આચાર્ય પ્રણામ સાગરજી મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ,પૂજ્ય આચાર્ય  નયપદ્મસાગરજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિ  ડોક્ટર અભિજીત કુમારજી એવમ્ મુનિ  જાગૃતકુમારજી મહારાજ સાહેબ, પૂજ્ય ગણિની પ્રમુખ આર્યિકા રત્ન  જિનદેવી માતાજી સસંઘના પાવન સાંનિધ્ય સાથે મહારાષ્ટ્રના ગવર્નર રમેશજી બાયસ, વિશેષ અતિથિ   ગિરીરાજી મહાજન (ગ્રામીણ વિકાસ મંત્રી), સ્વાગત અધ્યક્ષ  ગિરીશભાઈ શાહ (ઉદ્યોગપતિ) આવા અનેક મહાનુભવોની ઉપસ્થિતિ સાથે પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે હજારો ભાવિકો જોડાયાં હતા.દિગંબર પંથના આચાર્ય ડોક્ટર શ્રી પ્રણામ સાગરજી મહારાજ સાહેબે આ અવસરે ભગવાનને માત્ર માનવાની નહીં પણ ભગવાનનું માનવાની પ્રેરણા આપીને કહ્યું હતું કે શસ્ત્રોની નહીં પણ શાસ્ત્રોની જે વાત કરે છે, અણુ બોંબની નહીં પણ અણુવ્રતની જે વાત કરે છે, તે જૈન ધર્મ છે.રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે થોડીક ક્ષણો માટે મૌન રહીને સૌને વિચારવંત કરી દીધાં બાદ ફરમાવ્યું હતું કે સંતોનું મૌન જે સમજી શકે એ જ પરમાત્માના શબ્દોને સમજી શકતાં હોય છે. જેનો આપણે જન્મોત્સવ ઉજવીએ છીએ તે ભગવાનનો જન્મ કલ્યાણક ત્યારે જ બન્યો જ્યારે એમના શબ્દો સાથે મૌનનું સામર્થ્ય સમાયેલું હતું.

જે મૌન રહે છે એના શબ્દોમાં સિદ્ધિ હોય છે. આજે આ અવસરે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે કદાચ સૌની વિચારધારામાં ડીફરન્સ હોઈ શકે પણ આપણી વચ્ચે કોઈ ડિસ્ટન્સ ન હોય. દરેક પોતાની દ્રષ્ટીથી રાઇટ હોઈ શકે એવા પ્રભુના અનેકાંતવાદના સિદ્ધાંતને સ્વીકારીએ.એ સાથે જ,  રાજ્યપાલ  રમેશજી બાયસએ પ્રભુ મહાવીરના બોધને પોતાના જીવનમાં સ્વીકારવાના સંદેશ સાથે જૈન ધર્મ અને પ્રભુ મહાવીર પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો હતો. મંગલપ્રભાતજી લોઢા,  મદનજી તાતેડ,ગિરીશભાઈ શાહના પુત્ર  દિપેનભાઈ શાહ, ગીરીશભાઈ મહાજન, રાજ. કે. પુરોહિતજી,  સી.સી.ડાંગીજી, કેબિનેટ મંત્રી ગીરીશભાઈ આદિ મહાનુભાવોએ અવસરલક્ષી સુંદર વક્તવ્ય પ્રગટ કર્યા હતા. વિશેષમાં રાષ્ટસંત પરમ ગુરુદેવના હસ્તે આચાર્ય પૂજ્ય નયપદ્મસાગરજી મહારાજ સાહેબને આચાર્ય પદની શુભેચ્છા સ્વરૂપ શાલ અર્પણ કરવામાં આવતાં જયકાર ગુંજી ઉઠ્યો હતો. ઉપરાંત ગવર્નરને પરમ ગુરુદેવના હસ્તે પ્રભુ મહાવીરની સુંદર ફ્રેમ અને સ્મૃતિચિન્હની અર્પણતા સાથે  સી. સી. ડાંગેજીને પણ સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.