Abtak Media Google News

મોટા શહેરોમાં ઓફિસોની માંગમાં ઘટાડો વર્ક ફ્રોમ હોમના કારણે મોટા કાર્પેટવાળા ઘરની માંગમાં વધારો

કોવિડ-19 ની મહામારીએ દેશના ઘણા ઉદ્યોગોની દિશા બદલી નાખી છે. રિયલ એસ્ટેટ સેક્ટર એવું છે. જેમાં કદાચ સૌથી વધારે પરિવર્તન જોવા મળ્યું છે. લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સનાં સમયગાળામાં શરૂ થયેલા વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન મિટીંગના પ્રયોગોના કારણે મોટા કોર્પોરેટ હાઉસોની કાર્યપ્રણાલિ બદલાઇ ગઇ છે. સ્વાભાવિક રીતે જ મોટા શહેરોમાં કો-વર્કીંગ, હાઇબ્રિડ વર્ક પોલિસી તથા રિમોટ વર્કીંગ જેવા નવા નામ પ્રચલિત થવાથી શહેરોમાં મોટી ઓફિસોની જરૂરિયાત ઘટવા માંડી છે. જેની સીધી અસર કોમર્શિયલ સ્પેસની માંગ ઉપર જોવા મળી છે. સામાપક્ષે ઘેર બેસીને કામ કરનારા લોકો પોતાના ઘરે ઓફિસ સ્પેસ જેવી વધારાની વ્યવસ્થા માંગતા થયા છે. આ બધા એવા સંજોગો છે.

જેના કારણે દેશના રિયલ એસ્ટેટ માર્કેટમાં હાઉસિંગ સેક્ટરની માગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે કોમર્શિયલ સ્પેસની માંગ ઘટી છે.

એનારોક રિસર્ચ કંપની દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જોવા મળેલા ઉછાળા કરતા પણ વધારે ખરીદી બીજા ત્રિમાસિક ગાળામાં જોવા મળી છે. અન્ય બજારોમાં મંદી છે, કર્મચારીઓની છટણી થઇ રહી છે, હોમ લોનનાં દર ઉંચા ગયા છે, છતાં પણ દેશનાં ટોચનાં સાત શહેરોમાં હાઉસીંગ સેલ્સમાં 36 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2022નાં બીજા ત્રિમાસિક ગાળામાં 84940 મકાનો વેચાયા હતા. જયારે 2023 નાં બીજા ત્રિમાસિક ગાળામાં આ આંકડો વધીને 115100 સુધી પહોંચ્યો છે. આ સાત શહેરોમાંથી મુંબઇ અને પુનાનો હિસ્સો 51 ટકા જેટલો ઉંચો આવ્યો છે.

કારણ કે આ બન્ને શહેરોમાં મળીને કુલ 58770 મકાનો વેચાયા છે. એમાં પણ પુના 20680 મકાનોના વેચાણ સાથે ગત વર્ષની સરખામણીએ 65 ટકાનો ઉછાળો દેખાડે છે. આ ઉપરાંત મુંબઇ 38090 મકાનોના વેચાણ સાથે 48 ટકા અને બેંગલૂરૂ 15050 મકાનોના વેચાણ સાથે 31 ટકાનો ઉછાળો દેખાડે છે. આજરીતે ચેન્નઇમાં 44 ટકાનો, હેદરાબાદમાં 21 ટકાનો કોલકતામાં 20 ટકાનો જ્યારે દિલ્હી- એન.સી.આરમાં મકાનોનાં વેચાણમાં માત્ર સાત ટકાનો વધારો જોવા મળ્યો છે. એનસીઆરમાં ગત વર્ષના બીજા ત્રિમાસિકમા થયેલા 15340 મકાનોના વેચાણ સામે હાલમાં 16450 મકાનોના વેચાણ થયા છે.

મુંબઇ આજે પણ મોહમયી નગરી છે. જ્યાં 2023 નામ બીજા ત્રિમાસક ગાળામાં મધ્યમ વર્ગીય પરિવારો માટે 80 લાખ રૂપિયાની રેન્જનાં નવા 61 ટકા ફ્લેટ વેચાણ માટે ઉપલબ્ધ થયા છે. અને બિલ્ડરોએ 43390 ફ્લેટનાં નવા પ્રોજેક્ટ લોંચ કર્યા છે. જે આગામી બે વર્ષમાં તૈયાર થવાની ગણતરી છે. અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે બોરીવલી- કાંદીવલી તથા મલાડ જેવા ગુજરાતી વિસ્તારોમાં આશરે 1000 જેટલા નવા બિલ્ડીગનાં પ્રોજેક્ટ ઉપર કામ ચાલી રહ્યું છે. જેમાંથી મોટા ભાગનાં પ્રોજેક્ટ રી-ડેવલપમેન્ટનાં હોવાનું જાણવા મળે છે. હાલમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં હાઉસીંગનું બજાર એટલું વાઇબ્રન્ટ છે કે ચોક્કસ ભાવ નક્કી કરવા મુશ્કેલ છે પરંતુ એકંદરે દેશમાં હાઉસીંગની કિંમતોમાં છ થી 10 ટકા સુધીનો વધારો થયો હોવાનું અનુમાન છે. આ વધારામાં પણ ડેવલપરોને વિશેષ કમાણી વધતી નથી પણ બાંધકામના રો મટિરિયલનાં ભાવમાં થયેલા વધારાની આ અસર જોવા મળે છે.

ઉપરની સાત શહેરોની યાદીમાં ભલે ગુજરાતનું એકપણ શહેર નથી પરંતુ ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત તથા વડોદરા જેવા શહેરોમાં પણ રહેણાંકનાં મકાનોની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે પરંતુ કોમર્શિયલ પ્રોપર્ટીની માંગમાં 80 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ કોવિડ-19 પછીના સમયમાં આ સેક્ટરમાં આમુલ પરિવર્તન જોવા મળે છે. અમદાવાદનાં નહેરૂનગર વિસ્તારમાં જ આશરે એક લાખ ચોરસ ફૂટ જગ્યા કો-વર્કીંગ સ્પેસમાં ફેરવાઇ છે. જેનાથી ઓફિસોની માગમાં જોરદાર ઘટાડો જોવા મળે છે.

2017-18 માં ગુજરાતમાં 411 કોમર્શિયલ પ્રોજેક્ટ રજીસ્ટર્ડ થયા હતા. જેમાં 54 લાખ ચોરસ મીટરનું બાંધકામ થવાનું હતું. પરંતુ 2021-22 માં રજીસ્ટર્ડ થનારા પ્રોજેક્ટનો આંકડો ઘટીને 241 થઇ ગયો. જેમાં 12 લાખ ચોરસ મીટરનું બાંધકામ થવાની દરખાસ્ત હતી. ત્યારબાદ 2022-23 માં આ આંકડો વધુ ઘટીને 172 પ્રોજેક્ટ ઉપર આવ્યો છે. જેમાં કુલ 8.36 લાખ ચોરસ મીટર બાંધકામની દરખાસ્ત છે. યાદ રહે કે ગુજરાતમાં કોમર્શિયલ પ્રોજેક્ટની નવી પ્રપોઝલોમાં 40 ટકા હિસ્સો અમદાવાદનો જ હોય ! જ હોય છે. એક સમયે ગિફ્ટ સીટીની જાહેરાત થઇ ત્યારે ગુજરાતમાં પ્રોપર્ટીનાં ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ ગિફ્ટ સિટીનો વિકાસ ધારેલી ઝડપે થયો નથી. જો કે હવે ટૂંકાગાળામાં ગિફ્ટ સિટી ધમધમતું થવાના દાવા ડેવલપરો કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.