Abtak Media Google News

જૂનાગઢ જિલ્લામાં ઓરેન્જ, રાજકોટ અને પોરબંદરમાં યલો એલર્ટ અપાયું

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ચોમાસુ એક્ટિવ થઇ ગયું છે. આ ઉપરાંત દક્ષિણ પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં સાયક્લોનિક સરર્ક્યુલેશન સર્જાયું છે. બંગાળની ખાડીમાં ઓરિસ્સાના દરિયા કિનારે સક્રિય થયેલું લો-પ્રેશર વેલમાર્કમાં પરિવર્તિત થઇ વધુ મજબૂત બન્યું છે. જેની અસરના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ, જૂનાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને રાજકોટ તથા પોરબંદર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના આ પાંચ જિલ્લાઓમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા

ઉચ્ચારવામાં આવી છે. એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે રાજ્યમાં છેલ્લા 10 દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં ઝાપટાથી લઇ 16 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. દરમિયાન આજે હવામાન વિભાગ દ્વારા અમરેલી અને ગીર સોમનાથ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ, પોરબંદર, રાજકોટ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાલથી ફરી સૌરાષ્ટ્રમાં મેઘાનું જોર વધશે. કાલે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરાયું છે. જ્યારે પોરબંદર અને રાજકોટ યલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. શનિવારથી મેઘાનું જોર ઘટશે. શનિવારના દિવસે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના એકપણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી. ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.