Abtak Media Google News

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત આખુ મંત્રીમંડળ બે દિવસ બોટાદમાં ધામા નાખશે

73માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લા ખાતે કરવામાં આવશે. સતત બીજા વર્ષ પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી સૌરાષ્ટ્રના જિલ્લામાં કરવામાં આવશે રપ અને ર6 જાન્યુઆરી એમ બે દિવસ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રી મંડળના તમામ સભ્યો બોટાદમાં ધામા નાખશે.

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વની રાજયકક્ષાની ઉજવણી માત્ર પાટનગર ગાંધીનગર ખાતે થતી હતી. રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન પ્રજાસત્તાક અને સ્વતંત્રતા પર્વની ઉજવણી રાજયના અલગ અલગ જિલ્લામાં કરવાનું શરુ કરાવ્યું હતું. જે પરંપરા આજે પણ ગુજરાતમાં યથાવત છે.

છેલ્લા ઘણા વર્ષોથી રાજયમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું યજમાન બનવાની તક અલગ અલગ જિલ્લાઓને મળી રહી છે. આગામી  ર6મી જાન્યુઆરીએ ભારત પોતાના 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે. જેથી રાજયકક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવશે. ગત વર્ષ પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લા ખાતે કરવામાં આવી હતી. જયારે 2020માં આ ઉજવણીનું સદભાગ્ય રાજકોટ શહેરને પ્રાપ્ત થયું હતું.

ગઇકાલે રાજય સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામા આવતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે સતત એક સપ્તાહ સુધી ઉજવણી ચાલુ રહેશે જેમ કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત  કરવામાં આવશે. તમામ સરકારી કચેરીઓમાં મનમોહક રોશની કરવામાં આવશે. રાજ માર્ગોને શણગારવામાં આવશે.

લોકડાયરા, સંગીત સંઘ્યા વિવિધ પ્રકારની હરિફાઇનું આયોજન કરવામાં આવશે.રપ અને ર6 જાન્યુઆરી એમ બે દિવસ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રી મંડળના મોટાભાગના સભ્યો બોટાદમાં ધામા  નાખશે. એર હોમ કાર્યક્રમ બોટાદ ખાતે યોજાશે કે રાજધાની ગાંધીનગર ખાતે તે હજી જાહેર કરવામાં આવ્યું નથી.રાષ્ટ્રીય પર્વની રાજયકક્ષાની ઉજવણી પ્રથમવાર બોટાદ ખાતે યોજવાની હોય શહેરીજનોમાં ભારે ખુશાલી જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા આજથી તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.