Abtak Media Google News

સારી સલાહ અને ઓછા વ્યાજની લોન એક સાથે ઓફર થાય તો આજની પેઢી પહેલા શું લેશે? જવાબ છે..લોન.. ! પરંતુ ઓછા વ્યાજની લોન સાથે દેશની ઇકોનોમીનું ચક્ર જોડાયેલું હોય છે અને લોન આપનાર તેમજ લોન લેનારનાં ગણિત પણ જોડાયેલા હોય છે. એટલે જ સાચી સલાહ એ છે કે ઓછા વ્યાજની મળે એટલે લોન લેવા કરતાં લીધેલી લોનનાં ઉપયોગથી કેટલું વળતર છૂટે છે તેનું ગણિત સમજવું જરૂરી હોય છે.  આમ તો આપણે ચર્ચા વ્યાજદરમાં વધારાની કરવાની છે પણ તેનો સીધો બોજ લોન ઉપર પડતો હોવાથી પહેલા લોનનું ગણિત સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

Advertisement

2022 નાં નવા નાણાકિય વર્ષમાં, ખાસ કરીને મે-22 નાં પ્રારંભે અચાનક અમેરિકા, હોંગકોંગ, યુકે, ઓસ્ટ્રેલિયા તથા બાકી હોય તો ઇન્ડિયા જેવા ઘણા દેશોએ એકસાથે વ્યાજદરમાં 0.25 થી 1.0 ટકા સુધીના વધારા જાહેર કર્યા છે. જેના સીધા સંકેત એવા છે કે 2020 માં કોવિડ-19 ના કારણે વિશ્વમાં જે ભય, બેકારી અને મંદીનો માહોલ બન્યો હતો તેને ધ્યાનમાં રાખીને વિશ્વની ટોચની ઇકોનોમીઓએ પોતાના નાગરિકોને રાહત આપવા, દેશના અર્થતંત્રમાં પ્રવાહિતા જાળવી રાખવા અને કોર્પોરેટ્સ, કર્મચારી તથા કારીગર એમ સૌના વ્યવહાર ચાલી જાય તે માટે નીચા વ્યાજે લોનની ઓફર ઓફર કરીને સંતુલન સાધવાના પ્રયાસ કર્યા હતા.

સામાન્ય રીતે નીચા વ્યાજદરની લોન ઓફર થાય ત્યારે લોકોની ખરિદશક્તિ વધતી હોવાનું લોજીક હોય છે. પરંતુ એક વાત એ પણ છે કે લોકોની ઉંચી ખરિદશક્તિ લાંબાગાળે મોંઘવારીને નિમંત્રણ પણ આપી હોય છે. તેથી ઇકોનોમીનું સંતુલન સાધવા જે તે દેશની સરકાર અથવા તો રિઝર્વ/ ફેડરલ બેંકે લોનની ફાળવણી ઉપર ફટક મુકવા પડતા હોય છે. આવું એક ફાટક એટલે વ્યાજદરમાં વધારો.

હાલમાં જાહેર કરાયેલા વ્યાજ દરનાં વધારા એકસાથે અને વિશ્વની નામાંકિત ઇકોનોમીઓ દ્વારા કરવામાં આવેલા છે જે અમુક એવા સંકેત આપે છે જે સૌએ સમજવાની જરૂર છે. હવે કોવિડ-19 રહે કે જાય પણ સરકારોની રહેમ દ્રશ્ટિ હવે પુરી થાય છે,  દરેક દેશની સરકાર હાલની મોંઘવારીથી ચિંતિત છે, રશિયા-યુક્રેન યુધ્ધ સૌની ધારણા કરતાં વધારે ખેંચાયું છે,  જો આગામી દિવસોમાં વિશ્વમાં અન્નના પુરવઠાની કટોકટી સર્જાય તો તેનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે, વગેરે..વગેરે..!

ભલે દરેક દેશ પોતાની ઇકોનોમી મજબુત હોવાની વાત કરતા હોય પણ સૌ લાફો મારીને પોતાના ગાલ રાતા રાખે છે. પણ અથર્થંત્રમાં બબલ છે જ. નાના દેશોની ઇકોનોમીનાં પરપોટાં ફૂટવા માંડ્યા છે. શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમાર જેવા અશિયાઇ દેશોનાં દાખલાં આપણી નજર સામે છે. કદાચ સમાજમાં આ નવા પ્રકારની ઇકોનોમી એન્ટ્રી કરી રહી હોય એમ પણ બને. જેમાં નાણાકિય ખાધ વધવા છતાં સરકારો અને માનવજાત બોજની ચિંતા વિના ખુશ રહેવા ટેવાઇ જાય.

અંહી અમુક મુદ્દાઓ પણ નોંધવા જેવા છે કે ભારતમાં કોર્પોરેટ જગત એવું માનતું હું કે બહુ તો 0.25 પોઇન્ટનો વ્યાજ દરનો વધારો આવશે જે 0.40 નો આવ્યો છે. હજુ પણ કહેવાય છે કે આગામી દિવસોમાં તે વધીને 0.75 સુધી જુઇ શકે છે.  હાલનાં વધારાથી ભારતનાં લોનધારકો ઉપર 85000 કરોડ થી 90000 કરોડ રૂપિયાનો ચુકવણાનો નવો બોજ આવવાનું પ્રાથમિક અનુમાન છે. અમેરિકન ફેડરલે 0.50 પોઇન્ટનો વધારો કર્યો છે. છેલ્લા બે દાયકામાં એકસાથે આટલો મોટો વધારો પહેલીવાર થયો છે. યુકે ડિસેમ્બર-21 થી અત્યાર સુધીમાં ચાર વાર વ્યાજદર વધારી ચુક્યું છે.

હાલનો વ્યાજ દર છેલ્લા 13 વર્ષનો સૌથી ઉંચો વ્યાજદર છે. યુકે માં ફુગાવો 10 ટકા થયો છે. ઓસ્ટ્રેલિયાએ મે-22 નાં પ્રથમ સપ્તાહમાં 25 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો છે જે નવેમ્બર-10 પછી થયેલો પહેલો વધારો છે. આ બધા જ દેશો વ્યાજદરમાં વધારા માટે ફૂગાવો અને મોંઘવારીનું કારણ આપે છે.

યાદ રહે કે વ્યાજદરનો આ વધારો એવું સુચિત કરે છે કે લોકોની ખરદિશક્તિ વધવાની સાથે કદાચ આગામી દિવસોમાં ભરપાઇ કરવાની શક્તિ નબળી પડે તો જે તે દેશનું બેંકીંગ માળખું ધરાશયી થઇ શકે છે. તેથી હવે બેંકો વ્યાજદરનો આ વધારો ગ્રાહકો ઉપર નાખશે. હોમલોન, કારલોન, ગોલ્ડલોન, કે પર્સનલ લોન એમ બધું જ મોંઘું થશે. આમ કરીને સરકાર આડકતરી રીતે લોકોને મોટા ખર્ચથી દૂર રાખવાનાં પ્રયાસ કરે છે.

સ્થાનિક ઇકોનોમીની વાત કરીએ તો ભારતમાં સ્થાનિક વ્યાજદરનાં વધારાની તો અસર પડશૈ જ સાથે અમેરિકા અને યુકે નાં વ્યાજદરનાં વધારાની પણ અસર જોવા મળી શકે છે. આગામી દિવસોમાં ભારતને આયાત તથા નિકાસનાં આંકડા ઉપર ચાંપતી નજર રાખવી પડશે. ડોલર સામે રૂપિયો પણ વધારે નબળો પડી શકે છે.

એપ્રિલ-22 માં જ વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારોમાંથી 25600 કરોડ રૂપિયાની મુડી પાછી લઇ ગયા છે. જેનો કરન્સી ઉપર બોજ ઘટાડવા ભારત કૄષિ પેદાશોની નિકાસ વધારે તો રાહત મળી શકે છે. ખેર વિશ્વ હાલમાં કોવિડ-19 અને યુધ્ધને સ્વીકારીને આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. કદાચ ઇકોનોમીનું આ નવું રૂપ પણ હોઇ શકે છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.