Abtak Media Google News

 

ઘાના સામે અતિ રોમાંચક મેચમાં પોર્ટુગલનો 3-2થી વિજય

 

ફિફા વર્લ્ડકપ 2022માં પોર્ટુગલે ધમાકેદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એન્ડ કંપનીએ ઘાના સામે 3-2થી જીત મેળવી હતી. મેચના પ્રથમ હાફમાં કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી, પરંતુ બીજો હાફ ઘણો રોમાંચક રહ્યો હતો. આ મેચની સાથે જ રોનાલ્ડોએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તે પાંચ અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. પ્રથમ 10 મિનિટમાં જ પોર્ટુગલે સતત ત્રણ વખત આક્રમણ કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તેમાંથી રોનાલ્ડોનો હુમલો સૌથી ખતરનાક હતો, જેમાં પોર્ટુગલને લીડ લેવાની સારી તક હતી. 13મી મિનિટમાં રોનાલ્ડોએ કોર્નર કિક પર હેડર દ્વારા ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો શોટ ટાર્ગેટ ચૂકી ગયો હતો. હાફના અંત પહેલા રોનાલ્ડોએ ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો શોટ બ્લોક થઈ ગયો હતો. પ્રથમ હાફમાં સંપૂર્ણ રીતે પોર્ટુગલનો દબદબો રહ્યો હતો અને ઘાના તરફથી એક પણ શોટ આવી શક્યો નહોતો.

બીજા હાફની પ્રથમ 15 મિનિટમાં ઘાનાએ અદ્દભૂત રમત રમી અને પોર્ટુગલ પર સતત આક્રમણ કર્યું. પોર્ટુગીઝ ડિફેન્સ ઘાનાના ખેલાડીઓને રોકવામાં અસમર્થ હતું અને તેઓ શોટ લઈ રહ્યા હતા, પરંતુ સારી વાત એ હતી કે તેઓ ટાર્ગેટ શોધી શક્યા ન હતા. 62મી મિનિટે ઘાનાના ડિફેન્સે ભૂલ કરી અને તેણે પેનલ્ટી કોર્નર સ્વીકાર્યો. રોનાલ્ડોએ પેનલ્ટીને ગોલમાં ફેરવી પોર્ટુગલને 1-0થી આગળ કર્યું હતું. મોહમ્મદ કુદુસે ઘાના માટે સતત પ્રયાસો કર્યા અને 71મી મિનિટે લક્ષ્ય પર શોટ કર્યો, પરંતુ ગોલ કરી શક્યો નહીં. જોકે, બીજી જ મિનિટે કુડુસની આસિસ્ટ પર સુકાની આન્દ્રે ઇવે ગોલ કરીને સ્કોર બરાબરી કરી દીધો હતો.

પાંચ મિનિટમાં જ પોર્ટુગલે ફરી મેચમાં સરસાઈ મેળવી લીધી. ઘાનાના હુમલાને રોકી રાખ્યા પછી, પોર્ટુગલે કાઉન્ટર કર્યું અને એક શાનદાર પાસ જોઆઓ ફેલિક્સને બોલ મળ્યો જેણે શાનદાર ફિનિશ સાથે ગોલ કર્યો. બે મિનિટ બાદ પોર્ટુગલે મેચનો ત્રીજો ગોલ કરીને પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. પોર્ટુગલે બીજા કાઉન્ટર દ્વારા તક ઉભી કરી અને અવેજી તરીકે આવેલા રાફેલ લીઓએ મેદાન પર આવ્યાની ત્રણ મિનિટમાં જ ગોલ કરી દીધો. 88મી મિનિટમાં ઓસ્માન બુકારીએ હેડર દ્વારા ગોલ કરીને ઘાનાને 3-2થી આગળ કરી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.