રૂ. 1 કરોડ આપો નહીંતર CMની ગાદી નહીં રહે- ભુપેન્દ્ર પટેલને મારી નાખવાની ધમકી આપતો વીડિયો વાયરલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપતો એક સાધુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રીના પદને લાલકારતો વીડિયો વાયરલ થયો છે. બટુક મોરારી નામનો શખ્સ મુખ્યમંત્રી પાસેથી ખંડણી માંગી રહ્યો છે. રૂપિયા એક કરોડ દક્ષિણા પેટે મોકલાવવાની માંગ કરી રહ્યો છે.

એક કરોડ આપો નહીંતર સીએમની ખુરશી પણ નહીં રહે અને તમે પણ નહિ બચો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધમકી આપતા આ શખ્સ કહી રહ્યો છે આગામી સાત તારીખ સુધીમાં મને રૂપિયા એક કરોડ મોકલાવી દો, નહીંતર મુખ્યમંત્રી પદની ગાદી રહેશે નહીં. અને તમે પણ અકસ્માતમાં બચશો નહિ. વીડિયોની શરૂઆતમાં તે બનાસકાંઠાના વાવ તાલુકાનો હોવાનો અને મહેશ ભગત બટુક મોરારી બાપુના નામથી પોતાની ઓળખ આપી રહ્યો છે.

પૈસા મોકલો અન્યથા ગુજરાતમાં એક પણ પટેલને રાજ નહીં કરવા દવ

બટુક મોરારી બાપુ વીડિયોમાં પટેલ સમાજને લલકારી કહી રહ્યો છે કે આગામી 7 તારીખ સુધીમાં પૈસા મોકલાવી દેજો, નહીંતર ગુજરાતમાં એક પણ પટેલને રાજ નહીં કરવા દવ. અને તમને પણ 3 મહિનામાં ઉખાડીને ફેંકી દઈશ.

દારૂના નશામાં વીડિયો શૂટ કરી વાયરલ કર્યો..?

વીડિયોમાં દેખાઈ રહેલ બનાસકાંઠાના વાવ તાલુકાનો આધેડ શખ્સ દારૂના નશામાં રહી વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક તારણમાં જણાઈ રહ્યું છે.

હાલ બટુક મોરારીનો મોબાઈલ બંધ..!!

આ પ્રકારનો વીડિયો વાયરલ થતાં પોલીસ એકશનમાં આવી ગઈ છે, વીડિયોમાં મહેશ ભગત બટુક મોરારી બાપુ પોતાના મોબાઈલ નંબર પણ જણાવી રહ્યો છે. જે હાલ સ્વીટ્ચ ઓફ આવી રહ્યો છે, મોબાઈલ બંધ કરી આધેડ વ્યક્તિ ફરાર થઈ ગયો છે.