Abtak Media Google News

આરટીઓ એજન્ટ અને તેનો સાગરીત નકલી રસીદ બનાવી સહી સિક્કા મારી લોકોને પધરાવી દેતા અને પોલીસ વાહન છોડી દેતું

રાજકોટમાં આરટીઓની ડમી રસીદ બનાવી તેને છોડાવી લેવાના કૌભાંડનો રાજકોટ રૂલર એસ.ઓ.જીએ પર્દાફાશ કર્યો છે.ત્યારે તે મામલે આરટીઓ એજન્ટ અશોક ડાયા ટાંક અને રસીદો બનાવનાર રાજદીપસિંહ મહિપતસિંહ રાણાની ધરપકડ કરી છે અને હાલ તેને કેટલી ડમી રસીદો બનાવી વાહનો છોડવી લીધા છે તે દિશામાં વધુ તપાસ હાથધરી છે.

આ અંગે એસઓજીના પીએસઆઈ બી.સી. મિયાત્રાને મળેલી ખાનગી રાહે બાતમીના આધારે તપાસ કરતા આરટીઓ ની નકલી રસીદ બનાવવાનું કૌભાંડ ખુલ્લુ પડયું હતું. જેમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી અશોક આરટીઓ એજન્ટ છે. જેની પાસે પોલીસ દ્વારા વાહનો ડિટેઈન કરી આપવામાં આવતા મેમો લઈ વાહન ચાલકો જતાં ત્યારે તે દંડની રકમ વસુલી લેતો હતો.

તે મેમો તેના સાગરીત રાજદિપસિંહને મોકલી દેતો હતો. જે લેપટોપ ઉપર આરટીઓની નકલી રસીદ બનાવી તેની ઉપર રજીસ્ટ્રીંગ ઓથોરીટી આરટીઓ રાજકોટના નામનું ખોટું રાઉન્ડ સીલ લગાવી, તેની ઉપર આરટીઓ અધિકારીઓ ઉપરાંત કલાર્ક અને હેડકલાર્કની નકલી સહીઓ કરી આપી દેતો હતો. જે અશોક વાહન ચાલકને આપી દેતો હતો.

વાહન ચાલકો આ નકલી આરટીઓ રસીદને આધારે સંબંધીત પોલીસ સ્ટેશનમાં જઈ પોતાના વાહનો પણ છોડાવી લેતા હતા. નકલી રસીદો અસલી જેવી જ લાગતી હોવાથી પોલીસને પણ જાણ ન હતી.

છેલ્લા છ માસ દરમિયાન બંને આરોપીઓએ સંખ્યાબંધ વાહનોની નકલી રસીદ બનાવ્યાનું બહાર આવ્યું છે. મુખ્યત્વે આરોપીઓએ ટુ-વ્હીલર અને રિક્ષાઓના મેમાની નકલી રસીદો બનાવી છે. અત્યાર સુધી ખરેખર કેટલી નકલી રસીદો બનાવી છે. તે અંગેની પૂછતાછ શરૂ કરી છે. બંને આરોપીઓના કારસ્તાનના કારણે આરટીઓને મોટી રકમની નુકશાની ગઈ છે. હાલ એસઓજીએ બંને આરોપી વિરૂધ્ધ શાપર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.