Abtak Media Google News

ઓનલી મુકેશ!!!

લોકોને હિસ્સો આપી છેલ્લા ૬ મહિનામાં એકત્રિત કરવામાં આવેલા રૂ.૧ લાખ કરોડ એક જ દિવસમાં ‘ગટર’

કરલો દુનિયા મુઠ્ઠી મેં… રિલાયન્સના સ્થાપક ધીરૂભાઈ અંબાણીએ ઉદ્યોગજગતમાં કંપનીના પ્રમોટરોને હંમેશા લાભ અપાવવાની પરંપરા અને શેર હોલ્ડરોમાં ઉભા કરેલા વિશ્ર્વાસના માહોલમાં ગઈકાલે એકાએક ઉથલ-પાથલ મચી ગઈ હોય તેમ માર્કેટ કેપમાં આવેલા ઐતિહાસિક કડાકામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપમાં એક દિવસમાં જ રૂા.૧.૨૦ લાખ કરોડનું ધોવાણ સર્જાતા  ભારતીય શેરબજાર અને સમગ્ર વિશ્ર્વના મુડી બજારમાં ભારે હલચલ મચી ગઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ૮.૬૨ ટકાના કડાકા સાથે ૧૮૭૭.૩૦ ઉપર બંધ રહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરના કારણે પ્રમોટરોના ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતા.

રિલાયન્સના મુકેશ અંબાણીએ છેલ્લા છ મહિનામાં કંપનીના પ્રમોટીંગ અને ઈસ્યુ દ્વારા ઉભા કરેલા ૧ લાખ કરોડ એક જ દિવસમાં સ્વાહા થઈ ગયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આ કડાકા પાછળ મુકેશ અંબાણીની નાદુરસ્ત તબીયતની અફવા કારણભૂત બની હતી. મુકેશ અંબાણી બિમાર થઈ ગયા હોવાની કોર્પોરેટ જગતમાં ઉભી થયેલી હવાએ શેરબજારમાં ધરતીકંપ જેવી પરિસ્થિતિ ઉભી કરી દીધી હતી.

ભારતના ઔદ્યોગીક જગતમાં નવી દશા અને દિશા આપનાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઈ અંબાણી વિશે એવું કહેવામાં આવતું હતું કે, ધીરૂભાઈને છીંક આવે તો પણ દેશના અર્થતંત્રને ઝટકો લાગી જાય. અત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં તેનો દબદબો ઉભો કરવામાં સફળ થઈ છે. ભારતીય બજારમાં સર્વોપરી રિલાયન્સે તાજેતરમાં જ સાઉદીની કંપની સાથે જોડાણ કરીને કંપનીના માર્કેટ કેપમાં ૧ લાખ કરોડનો વધારો થયો હતો. ગઈકાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ૮.૬૨ ટકાનો કડાકો બોલી જતાં ૧.૨૦ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. આ કડાકા પાછળ મુકેશ અંબાણીની નાદુરસ્ત તબીયતના અહેવાલો બાદ ગભરાટનું વાતાવરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.

મુંબઈ ઇન્ડિયન્સ અને આઈપીએલની ઈવેન્ટમાં છેલ્લા કેટલાક વખતથી અંબાણી પરિવારના સભ્યોની સુચક ગેરહાજરી દેખાઈ રહી છે. અંબાણી પરિવાર મુકેશ અંબાણીની તબીયતને લઈને ચિંતીત હોવાનું અત્યંત આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે. છેલ્લા છ મહિનાથી નાદુરસ્ત તબીયતની સમસ્યાને લઈને મુકેશ અંબાણીનો વિદેશમાં ઈલાજ ચાલી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. મુકેશ અંબાણીની તબીયતના અહેવાલોએ આવેલા કંપનીના શેરના આંચકાથી છ મહિનાની કમાણી અને માર્કેટ કેપ વૃદ્ધી એક જ દિવસમાં ધોવાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રોકાણકારોમાં સૌરબકોર મચી ગયો હતો.

સેન્સેકસને કળ વળી… ૫૦૦ પોઈન્ટ ઉછળ્યો

મિડકેપ-સ્મોલકેપમાં લેવાલી બેંકીંગ સેકટરમાં તેજીનો માહોલ

શેરબજારમાં ગઈકાલે જોવાયેલા ભારે અફરાતફરી બાદ આજે સેન્સેકસને કળ વળી છે. બજાર ખુલતાની સાથે થોડા સમય માટે સેન્સેકસ નીચે સરકયો હતો. જોકે, ત્યારબાદ સ્થિર થયો હતો અને ગ્રીનઝોનમાં ટ્રેડ થવા લાગ્યો હતો. આજે પણ બેંકીંગ સેકટરનાં શેરમાં તેજીનો તિખારો જોવા મળ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક ૩.૩૦ ટકા, એચડીએફસી ૨.૯૧ ટકા એસબીઆઈ ૨.૧૨ ટકા અને ઈન્ડસીન બેંક ૮.૫૮ ટકાના ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા ઉપરાંત પાવરગ્રીડ કોર્પો. ૨.૧૧ ટકા, બજાજ ઓટો ૧.૮૧ ટકા ટાઈટન કંપની ૧.૩૯ ટકા અને ટાટા સ્ટીલ ૧.૩૫ ટકાના ઉછાળા સાથે ટ્રેડ થયો હતો. બેંકીંગ ઉપરાંત ટેકનોલોજી, ઓટોમેટીવ, એન્જીનીયરીંગ અને ફાર્મા સેકટરની કંપનીઓમાં પણ તેજી જોવા મળી હતી. બીજી તરફ એરટેલ ૨.૦૪ ટકા, ઈન્ફોસીસ ૦.૪૩ ટકા જેટલા ધોવાઈ ગયા હતા આ લખાય છે. ત્યારે સેન્સેકસ ૫૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦,૧૯૪.૪૯ની સપાટિઅ ટ્રેડ થઈ રહ્યો છે. નીફટી-ફીફટી ૧૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧,૭૭૦ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. બેંક નિફટી પણ કાલની જેમ ૪૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થાય છે. મીડકેપ અને સ્મોલકેપમાં આજે ખરીદીબરકરાર જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.