એસ.ટી. અમારી ‘અસલામત’ સવારી

ગોંડલ રોડના ઓવરબ્રિજ પર એસ.ટી.ને પ્રવેશની મનાઈ હોવા છતાં ડ્રાઈવરો કરે છે નિયમોનો ભંગ: તંત્ર અજાણ

ગોંડલ રોડ પરના પુલ પરથી બસ ચલાવવા પર અગાઉથી જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આ અંગે રાજ્યના તમામ બસ સ્ટેશનમાં લેખીતમાં જાણ કરવામાં આવી છે અને છતાં પણ ઘણા ખરા ડ્રાઈવરો શોર્ટકટ લેવા ગોંડલ રોડ પરના ઓવરબ્રિજ પરથી એસટી બસ કાઢે છે. જો કે, મનાઈ હોવા છતાં પણ  ઘણા ડ્રાઈવરો  બ્રીજ પરથી બસ ચલાવતા હોય છે. મુસાફરોના જીવ જોખમે લઈને ફરતા હોય છે ત્યારે ‘એસ.ટી. અમારી ‘અસલામત’ સવારી’ સુત્ર અહીં સાર્થક થાય છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના ગોંડલ રોડ પર રૂા.૩૩ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ત્રિકોણીય ફલાય ઓવર બ્રિજ બનાવાનો આશય બન્ને બાજુ રેલવે ફાટક ખોલ-બંધ થવાથી સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણનો હતો પરંતુ આ પુલ સાકળો કરી નાખ્વામાં આવ્યો જેથી બ્રિજના પ્રવેશમાં અકસ્માત ઝોન જેવી હાલત જોઈને એસ.ટી. તંત્રએ આ પુલ પરથી બસ નહીં ચલાવવાનો નિર્ણય કર્યો હતો. એસ.ટી.બસ ગોંડલ રોડ બ્રિજ પરથી નથી દોડતી પરિણામે ગુરૂકુળ ટાંકા તરફ ઢેબર રોડ થઈને ગોંડલ રોડ પર આવે છે ત્યારે બન્ને ફાટક દિવસમાં અનેક વખત ખોલ-બંધ થાય છે. એક બસમાં સરેરાશ ૩૫ મુસાફર ગણવામાં આવે તો રોજના ૨૮૦૦૦ મુસાફરોને ફાટક બંધ થવાના કારણે ટ્રાફિકજામમાં હેરાન થવાનો વારો આવે છે. જો કે મુસાફરોને જાનહાની ન થાય તે માટેનો એસ.ટી. તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે હજુ ઘણા એસ.ટી. ડ્રાઈવર એવા છે કે, શોર્ટકટ લેવા મુસાફરોના જીવ હાથમાં લઈને ફરે છે. ત્યારે આવા ડ્રાઈવરો સામે તાત્કાલીક કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.