Abtak Media Google News

કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાની નીચે  હનુમાન દાદા સ્વામિનારાયણના સંતને નમન કરતા હોય તેવા ભીતચિત્રોથી ભવિકોમાં રોષ: મંદિર પરિસરમાં મીડિયાને નો એન્ટ્રી

ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલુ સારંગપુર હનુમાન મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટુ કેન્દ્ર છે. અહીં પુરા ભારતભરમાંથી લોકો હનુમાન દાદાના દર્શને આવે છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સારંગપુર મંદિર ખાતે બનાવેલ હનુમાન દાદાની મૂર્તિની નીચેના ભીંતચિત્રોમાં હનુમાન દાદા સ્વામિનારાયણના સંતને નમન કરતા હોય તેવું દર્શાવાયું છે. જેને લઈ વિવાદ સર્જાયો છે. આ વિવાદ હાલ વધુ વકર્યો છે.

સારંગપુર હનુમાન મંદિર ખાતે થોડા સમય પહેલા હનુમાન દાદાની 54 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ બાદ ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. લોકો હનુમાનજીની ઊંચી પ્રતિમા જોઈ ભાવ વિભોર થઈ ગયા હતા. પરંતુ કેટલાક દિવસો બાદ હવે કોઈનું ધ્યાન આ મૂર્તિની નીચે રાખવામાં આવેલા ભીંતચિત્રો પર ગયું અને તેણે તેના ફોટો પાડી સોશિયલ મીડિયા પર શેર કર્યા. ત્યારબાદ આ વિવાદ વકર્યો છે.

આ ભીંતચિત્રોમાં એકમાં સ્વામિનારાયણ ભગવાન ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક ભીંતચિત્રમાં એક સહજાનંદ સ્વામિ આસન પર બેઠાં હોય તેવું પણ દેખાય છે. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.

આ ભીંતચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સાધુ સંતો સહિત હનુમાન ભક્તો એકસૂરમાં વિરોધ કરી કહી રહ્યા છે કે, ‘આ ચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામિના દાસ બતાવવમાં આવ્યા છે. હનુમાનજી રામ ભક્ત હતા, તે કોઈ સ્વામિનારાયણ ભગવાનના દાસ નથી. આ હનુમાન દાદાનું અપમાન છે, અને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જાણી જોઈ આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.’

મીડિયામાં સતત સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ દર્શાવવામાં આવતા મીડિયાને પરિસરમાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિર પરીસરમાં વીડિયો કે બાઈટ નહિ કરવા મંદિર પ્રસાસન દ્રારા મીડિયાને કહેતા મીડિયા કર્મીઓમાં પણ હાલ રોષ ફેલાઇ રહ્યો છે.

વિવાદ બાદ ભીતચિત્રોને ઢાંકી દેવાયા

સારંગપુર હનુમાન મંદિર ખાતે ભીંતચિંત્રોના વિવાદ બાદ મંદિર સંસ્થાને હનુમાનજીની 54 ફૂટની પ્રતિમા નીચે ભીંતચિંત્રો હતા ત્યાં પીળા કલરનું કપડું મુકી તે ભીંતચિંતો ઢાંકી દીધા છે, અને વિવાદને ઠંડો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે લોકો કેવા કેવા કપટ કરી રહ્યા છે: મોરારી બાપુ

સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ જણાવ્યું કે આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે લોકો કેવા કેવા કપટ કરી રહ્યા છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની એટલી સરસ મૂર્તિ મોટી મૂર્તિ છે. અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમનાં કોઈ મહાપુરુષને પ્રણામ કરતા , સેવા કરતા દેખાય છે.  ત્યારે હવે વિચારો. સમાજે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે.  લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ પણ બોલ્યું ન હતું. હવે તમે બોલો.

શું તમે ધર્મનો દાટ વાળવા સાધુ થયા છો?: ઈન્દ્રભારતીબાપુ

ઈન્દ્રભારતીબાપુએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સાળંગપુરની અંદર હનુમાનજી મહારાજની મૂર્તિ બેસાડી એનું આપણે ગૌરવ અનુભવીએ છીએ, પણ એની નીચે જે ઘનશ્યામજી પાંડે બેઠા છે અને હનુમાનજી મહારાજ તેમને હાથ જોડે છે. આ કંઈ વાજબી કહેવાય? આ કંઈ ધર્મ કહેવાય? આ ધર્મનો દાટ વાળવા માટે સાધુ થયા છો? સંપ્રદાયોનો દાટ વાળવા માટે સાધુ થયા છો? જે સનાતન ધર્મનાં દેવી-દેવતાઓને નીચે દેખાડે છે. આ બધી વસ્તુઓથી અમને દુ:ખ થાય છે. આવી રીતે દર વખતે કરીને પછી હું માફી માગું છું, અમે માફી માગીએ છીએ. અરે ભાઈ, આવું કરીને માફી જ માગવાની તમારે? સનાતનની અંદર તમે પોતે પણ સનાતની છો.

હનુમાનજીને ચરણ સ્પર્શ કરતા દેખાડીને સ્વામિનારાયણ સંપ્રદાયે મોટી ભૂલ કરી: મણીધરબાપુ

કચ્છ ભચાઉ નજીક આવેલ કબરાઉ મોગલધામના મણિધર બાપુ એ કહ્યું, ‘તમે સનાતન ધર્મ, આખા રાષ્ટ્ર અને 33 કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી, હનુમાનજીને ચરણ સ્પર્શ કરતા દેખાડીને સ્વામિનારાયણ સંપ્રદાયે મોટી ભૂલ કરી છે. તેમણે પોતાની ભૂલ સ્વીકારવા સાથે માફી માંગવાની ચેતવણી આપી છે. મણિધર બાપુએ પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું છે કે, આ તેમની મસમોટી ભૂલ છે, તેમણે જે થુક્યું છે તે તેમણે જ ચાટવું પડશે. નહીં તો ચારણ સમાજ તેમને છોડશે નહીં.

કોંગ્રેસ આગેવાન હનુમાન બન્યા, કલેકટરને આવેદન આપ્યું

સાળંગપુરમાં હનુમાનજીને દાસ દર્શાવતા ભીતચિત્રોની ઘટનાને લઈને કોંગ્રેસે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. જેમાં એક કોંગ્રેસ આગેવાને હનુમાનજીનો વેશ ધારણ કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું કે આ હનુમાન દાદાનું હળાહળ અપમાન છે. તાત્કાલિક સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.