Abtak Media Google News
  • પાંચ વર્ષમાં 100 ટકા પ્રાકૃતિક ખેતી તરફ જવાની નેમ
  • રાસાયણિક ખાતરના વપરાશમાં 3,08,748 મેટ્રિક ટનનો ધટાડો: રૂ. 1338 કરોડની બચત

ગુજરાતમાં અત્યારે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પરિણામે આ વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના વપરાશમાં 3,08,748 મેટ્રિક ટનનો ઘટાડો થયો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થતાં રૂપિયા 1,337.92 કરોડની બચત તો થશે જ પરંતુ લાખો ટન ઝેર ધરતીમાં ઠલવાતું ઓછું થયું છે. વર્ષ-2025 ના ગુજરાત સ્થાપના દિવસ સુધીમાં ગુજરાતમાં 20 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા લક્ષ્ય સાથે સૌ સાથે મળીને કામ કરીએ. આગામી પાંચ વર્ષમાં આખા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ તેમ રાજયપાલે જણાવ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યા છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે અને ખેડૂતોની આવક બમણી થાય એટલું જ નહીં, ધરતીની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટે તેઓ સતત ચિંતિત છે. તેમના વિચારોને તાકાત આપવા આપણે પૂરી પ્રમાણિકતા અને કર્તવ્યભાવનાથી આ કામમાં જોડાઈ જઈએ.

આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી (ઓર્ગેનિક ખેતી) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરીને રાસાયણિક ખેતીની સાથોસાથ જૈવિક ખેતીના ગેરફાયદા પણ ગણાવ્યા હતા. રાસાયણિક ખેતીની ભયાવહ અસરોથી તેમણે સૌને વાકેફ કર્યા હતા. ગ્લોબલ વોર્મિંગથી લઈને માનવ સ્વાસ્થ્યને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી થઈ રહેલા ગંભીર નુકસાન વિશે તેમણે સૌને ચેતવ્યા હતા અને કહ્યું હતું કે, આ દેશની ધરતીની ફળદ્રુપતા બચાવવી હશે, ધરતી બચાવવી હશે, હવા-પાણી અને વાતાવરણ બચાવવા હશે, લોકોને ગંભીર-અસાધ્ય બીમારીઓથી બચાવવા હશે તો આપણી પાસે એક જ અને શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાકૃતિક ખેતી. તેમણે કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને ’મિશન મોડ’માં કામ કરવા આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં એવું પ્રેરક આહવાન કર્યું છે કે, આગામી પાંચ વર્ષમાં આપણે 100 ટકા પ્રાકૃતિક ખેતી તરફ જવું છે તેવી નેમ સાથે પ્રાકૃતિક ખેતી અભિયાનને સૌ મિશન મોડમાં અપનાવે.આ સંદર્ભમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં દેશમાં પાણી બચાવવાનું જે અભિયાન અમૃત સરોવરનાં નિર્માણથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે તેમ પ્રાકૃતિક ખેતીના આ અભિયાનને પણ અપનાવવાની જરૂરીયાત સમજાવી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનો આ કાર્યક્રમ કેન્દ્ર અને રાજ્ય સરકારનો એવો જનહિતલક્ષી કાર્યક્રમ છે કે, આ ખેતીને પરિણામે માસ ઇમ્પેક્ટ ઉભી થશે અને ભવિષ્યની પેઢીઓની સ્વાસ્થ્ય સુધારણા અને સુખાકારીનું આ કામ છે.તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીનાં વ્યાપ વિસ્તાર માટે એકધારો પ્રયત્ન કરી રહ્યા છે. તેના સારાં પરિણામો પણ આપણે મેળવ્યા છે. 3 લાખ મેટ્રીક ટન યુરીયા ઓછું વપરાયું છે અને અંદાજે 9 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.મુખ્યમંત્રીએ જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે ગાય આધારિત આ પ્રાકૃતિક ખેતીને આવશ્યક ગણાવતાં કહ્યું કે, જો જમીનનું સ્વાસ્થ્ય સુધરશે તો માટીમાંથી રેતી થતી અટકશે અનાજ પણ વધુ પાકશે.

મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ મહોત્સવની શ્રેષ્ઠ પરંપરા તત્કાલીન મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી છે. આ વખતે પ્રાકૃતિક કૃષિને વધુ વેગવાન બનાવવા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ મહોત્સવ કરીએ. તેમણે તમામ કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને ’સ્વાન્ત: સુખાય’ પ્રોજેક્ટમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોને પસંદ કરવા અનુરોધ કર્યો હતો.અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે  સ્વાગત ઉદ્ભોધનમાં  કહ્યું હતું કે, આજથી ત્રણેક વર્ષ પહેલાં આપણે રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના ત્રિભેટે ઊભા હતા. કયા માર્ગે જવું તે સ્પષ્ટ ન હતું. પરંતુ આજે પ્રાકૃતિક કૃષિનો રાજમાર્ગ નિશ્ચિત છે. આપણે નેચરલ ફાર્મિંગના નેશનલ હાઇવે પર ઉભા છીએ. આજથી આપણે આપણા કામને વિશેષ ગતિ આપવાની છે. તમામ અધિકારીઓ પ્રાકૃતિક કૃષિમાં પ્રશિક્ષણના મહત્વને સમજે. તમામ ગામોમાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બને તેવા પ્રયત્નો કરે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ અને વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ થાય તેવા પ્રયત્નો કરે.ગાંધીનગર ખાતે પ્રાકૃતિક ખેતી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયપાલ તથા મુખ્યમંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.