Abtak Media Google News

ચુંટણી પંચ દ્વારા તેઓની આઈકોન તરીકે પણ પસંદગી કરાય હતી: અનેક એવોર્ડ મેળવી ચૂકયા છે

દેવભુમી દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરના ખેડૂત શિક્ષક સામતભાઈ બેલાએ ચિત્રકલા જગતની દુનિયામાં જેને ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક આગવી છાપ ઉભી કરી  છે.

સામતભાઈને ચિત્રની કલા એમને વારસામાં નહોતી મળી અને જે વિસ્તારમાં એમનો જન્મ થયો એ વિસ્તાર માં કોઈ એવા મોટા ચિત્રકાર નો સંપર્ક પણ ન હતો. એમ છતાં પણ એમની ચિત્ર શીખવાની તૃષ્ણા એક સિદ્ધહસ્ત કલાકાર તરફ લઇ ગઈ. સહજ ભાવથી બનાવતા ચિત્રો આજે દેશના સીમાડાઓ વટાવી ગયા છે.

Picsart 10 04 12.17.26

સામતભાઈ પોતાના ચિત્ર ઓઇલ માધ્યમથી કેનવાસ પર બનાવે છે. પહેલી જ નજરે ગમી જતાં ચિત્રો એવા લાગે જાણે હમણાં જ બોલી ઊઠશે જેને એક જીવંત ચિત્ર શૈલી પણ કહે છે. હાલ તે બે ચિત્ર સિરીઝ પર કામ કરી રહ્યા છે. જેમાં એક “સૌરાષ્ટ્રની રંગધારા” અને બીજી “કૃષ્ણમય”. તેમની બંને સિરીઝ ખૂબ મોટા પ્રમાણમાં પ્રચલિત છે.

Picsart 10 04 12.24.26

સૌરાષ્ટ્રની રંગધારા એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના ગ્રામીણ જીવન પર આધારિત સિરીઝ છે .જેમાં સામતભાઈ ગ્રામીણ જીવનનો વારસો, સંસ્કૃતિ, સંઘર્ષ, પ્રેમ વગેરે ભાવોને લોકો સમક્ષ મૂકી વિશ્વના ફલક સુધી ભારતીય ગ્રામીણ જીવન નું મહત્વ વધારવા એક ઉમદા કાર્ય કર્યું છે. એક ચિત્રકલા ના માધ્યમથી ગુજરાતના ગામડાના લોકજીવનને વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું. તેમના ચિત્રોમાં જોવા મળતા વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ, તેમજ પશુઓના ચિત્ર ભાવથી તરબોળ હોય છે.

Picsart 10 04 12.25.20

સૌરાષ્ટ્રની રંગધારા સિરીઝની રચના માટે સામતભાઇ સૌરાષ્ટ્રના અનેક અંતરિયાળ ગામડાઓમાં ફરે છે. તે ગીરના જંગલો, બરડા ડુંગર, ઓખા ના સૂકા વિસ્તારો જેવા અનેક વિવિધતાસભર વિસ્તારોમાં વસતા લોકોની જીવનશૈલી વિષે અભ્યાસ કરી તેમના ચિત્ર કંડારવાનું એક ઉમદા કાર્ય કર્યું છે. ગુજરાતનું એક  લોકજીવન જે ભૌગોલિક પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યું હોય ત્યારે તેમના વિશિષ્ટતા સભર લોકજીવનને વિશ્વના ફલક સુધી મૂકવું તે સામતભાઈ પોતાની કલા ફરજ માને છે.

Picsart 10 04 12.20.08

કૃષ્ણમય સિરીઝમાં સામતભાઈ એ લોકો કૃષ્ણમય કેવી રીતે રહે છે તેના ભાવો પ્રગટ કરતાં ચિત્રો બનાવ્યા છે. સામતભાઈ ના ચિત્રો સ્પષ્ટપણે જણાવે છે કે તે એક ગહન કૃષ્ણપ્રેમી છે. કૃષ્ણ પ્રત્યેનો ભાવ એમના ચિત્રોમાં જણાઈ આવે છે. અને દરેક ચિત્ર માત્ર સુંદરતા સભર જ નહીં પરંતુ ચિંતન કરી શકાય તેવા ભાવપૂર્ણ હોય છે. આજે કૃષ્ણમય ના ચિત્રો વિદેશ માં વસતા ભારતીય લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. આજે પણ સામતભાઈ ગામડામાં રહી એક શિક્ષક તરીકે સામાન્ય જીવન જીવે છે. પરંતુ તેમની કળાથી પ્રભાવિત થઈ દેશ-વિદેશથી લોકો તેમને મળવા માટે આવતા હોય છે. સ્વીઝરલેન્ડ, નોર્વે, અમેરિકા જેવા દેશોના વિદેશી લોકો એક નાના ગામમાં આવી તેમની મુલાકાત લઇ ચૂક્યા છે.

Picsart 10 04 12.22.20

અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુલ મળીને ૨૦ જેટલા ચિત્ર પ્રદર્શનો કરી ચૂક્યા છે. ભારતના મોટા ભાગના શહેરોમાં તેમનું ચિત્ર પ્રદર્શન નું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ઇન્દોર (મધ્ય પ્રદેશ ) કલકત્તા, વડોદરા, જોધપુર (રાજસ્થાન) રાજકોટ, જામનગર, જેવા ભારતના શહેરોનો સમાવેશ થાય છે. તેમજ સિંગાપુર ન્યૂયોર્ક જેવા આંતરરાષ્ટ્રીય શહેરોનો પણ સમાવેશ થાય છે. સામતભાઈ ના ચિત્રો નું કલેક્શન અમેરિકા અને લન્ડન જેવા શહેરોમાં પણ છે.

Picsart 10 04 12.23.20

કલાના કસબી એવા સામતભાઈ ને અનેક સંસ્થાઓ દ્વારા સન્માન પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન પટેલ દ્વારા પણ તેમની ચિત્રકલાને સન્માનિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સામતભાઇ ચિત્રકલાના ક્ષેત્રમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત થઈ ચૂક્યા છે .૨૦૧૭માં જોધપુર રાજસ્થાન અને ઇન્દોર મધ્ય પ્રદેશ ખાતે તેમને નેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ૨૦૧૯માં વડોદરા ખાતે ઈન્ટરનેશનલ આર્ટ ફેરમાં પણ બેસ્ટ આર્ટિસ્ટના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા . આહીર સમાજ દ્વારા “આહીર રતન “જેવું વિશિષ્ટ સન્માનના પણ તે હકદાર બની ચૂક્યા છે. ઇલેક્શન કમિશન દ્વારા દેવભૂમિ દ્વારકાના “આઇકોન” તરીકે ની તેમની જાહેરાત પણ કરવામાં આવી હતી.

Picsart 10 04 12.18.18

માનવમેદનીથી દૂર રહેનારા અને એકાંતપ્રિય સામતભાઈ પોતાની નવરાશની પળોમાં કુદરતના ખોળે રમતા ગ્રામીણ લોકજીવનને માણતા અને એ જ લોક જીવનને ઉજાગર કરવા તેમની ચિત્ર કલા દ્વારા સમાજની સમક્ષ મુકવાનો પ્રયત્ન કરે છે. સામતભાઈએ પોતાની ચિત્રકલા દ્વારા ગ્રામીણ સંસ્કૃતિ નું સંવર્ધન કરવાનું ઉમદા કાર્ય કર્યું છે. પોતાની ચિત્રકળા દેશ અને વિદેશમાં વસતા દરેક વ્યક્તિ ભારતીય ગ્રામીણ જીવનના વારસાને ભારોભાર સન્માન આપે એવો તેમનો ઉદ્દેશ છે .કારણ કે તેમનું માનવું છે, કે એક દિવસ પારંપરિક પહેરવેશ વાળું ગામડું માત્ર એમના ચિત્રોમાં જ રહી જશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.