Abtak Media Google News

ગીરના ગરવા ગઢાળી ગામ ખાતે ગ્રામ એકતા અને પારીવારીક માહોલમાં સરદાર પટેલ સેવા સમાજ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું અને સ્વ.મોહનભાઈ ભાદાભાઈ ગાજીપરા સ્મારક ઉદ્યાનનું મહેમાનો, મુરબ્બીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Advertisement

ગઢાળી ગામનાં દરેક સમાજનાં લોકો પોતાનો પ્રસંગ સગવડતા અને સુવિધાઓ સાથે કરી શકે તેવા ઉમદા હેતુથી સરદાર પટેલ સેવા સમાજ ભવનનાં એક ફલોરનું નિર્માણ કરવામાં આવ્યું. જેનાં લોકાર્પણ પ્રસંગે તે જ ગામનાં વતની અને અમદાવાદ જાણીતા બિલ્ડર અગ્રણી જમનભાઈ ગાજીપરાનાં હસ્તે કરવામાં આવ્યું. રાજકોટ, કેશોદ અને અમદાવાદ વસવાટ કરતા ગાજીપરા પરિવારનાં આર્થિક સહયોગથી આ સમાજનું ભવ્ય નિર્માણ થયું. આ ઉપરાંત પરીવારમાં વડીલો પ્રત્યે આદર કેળવાય અને પિતૃઓનું સ્મરણ અને સન્માન જળવાય તેવા ઉદેશથી રાજકોટ નિવાસી સર્વોદય સ્કુલ ગ્રુપનાં સંસ્થાપક ભરતભાઈ ગાજીપરા અને ગાજીપરા પરિવાર દ્વારા સ્વ.મોહનભાઈ ભાદાભાઈ ગાજીપરા સ્મારક ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં એક વિશાળ ગાર્ડનનું પણ નિર્માણ થયું છે.

આ લોકાર્પણ સમારોહનાં ઉપલક્ષમાં ગામના દરેક જ્ઞાતીનાં લોકો દ્વારા જ ગામની સફાઈ કરવામાં આવી અને સાથે સાથે રાજકોટથી ભરતભાઈ ગાજીપરા અને સદભાવના વૃદ્ધાશ્રમનાં સહયોગથી બોરસલીનાં ૧૦૧ મોટા વૃક્ષોનું સ્વ.મોહનભાઈ ભાદાભાઈ ગાજીપરાનાં સ્મરણાર્થે ગ્રામજનોનાં હસ્તે રોપવામાં આવ્યાં. જેથી આ ગામ પ્રાકૃતિક રીતે વધારે રણીયામણુ બને અને લોકોને વૃક્ષોનાં જતન અને માવજત અંગે જાગૃતિ કેળવાય. આ લોકાર્પણ સમારોહમાં અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, મેંદરડા, કેશોદ વગેરે જેવા શહેરોમાંથી પટેલ સમાજનાં આગેવાનો ગામની દીકરીઓ અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ સ્થિત ભરતભાઈ ગાજીપરાએ વ્યસન મુકિત, ગ્રામ સફાઈ અને સમગ્ર ગ્રામજનો એક તાંતણે બંધાય અને ગામની સમૃદ્ધિનું પ્રત્યાર્પણ કરે તેવું આહવાન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.