Abtak Media Google News

શ્રાવણોત્સવની સાદગીસભર ઉજવણીનો પ્રારંભ

ભાવિકોએ દુરથી કર્યા ભોળાનાથના દર્શન: મહાઆરતી-પુજામાં શિવભકતોને પ્રવેશ નિષેધ: ગર્ભગૃહમાં માત્ર સંતો-મહંતોએ કર્યું શિવપૂજન: આખો શ્રાવણ માસ મહાઆરતી, પુજા, વિશેષ શણગારના દર્શનનો લાભ લેવા ઓનલાઈન વ્યવસ્થા ગોઠવાય

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. કોરોના મહામારીને પગલે વર્ષોથી રંગેચંગે ઉજવાતો શ્રાવણોત્સવ આ વર્ષે ફીકકો પડશે. આ વર્ષે કોરોના મહામારીને પગલે ઘણી બધી પાબંદીઓ અને સાવચેતી સાથે શ્રાવણ માસની ઉજવણી કરવી પડશે. ઘણા વર્ષો બાદ શ્રાવણ માસ બાદ શિવાલયોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ખાસ કરીને શિવમંદિરે આવતા દર્શનાર્થીઓ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે માટે શિવાલયોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઉપરાંત શિવમંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો, મેળાવડા, હવન, સામુહિક પૂજન, અર્ચન સહિતનાં કાર્યક્રમો અગાઉથી જ બંધ રાખવાનો નિર્ણય લેવાય ચુકયો છે.

આ વર્ષે ભાવિકોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં અપાય. ભકતજનોએ માત્ર દુરથી જ દર્શન કરવાના રહેશે.

આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે કોરોના મહામારીના ભય વચ્ચે પણ ભકતો શિવમંદિરે ઉમટી પડયા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે દુરથી જ ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો.

જસદણના ઘેલા સોમનાથ ખાતે પણ આજે વહેલી સવારથી જ મહાદેવના દર્શન માટે ભાવિકો એકઠા થયા હતા.

કોરોના મહામારીમાંથી મુકિત અપાવવા ભકતજનોએ ભગવાનને પ્રાર્થના કરી હતી.

123 6

સોમનાથ ખાતે પણ શ્રાવણ માસના પ્રથમ દિવસની સાદગી સભર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને ભગવાનને ભાવિકોથી દુર રાખવા ગર્ભગૃહમાં પ્રવેશ નિષેધ કરાયો છે. આખા શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથને અવનવા શણગાર કરવામાં આવશે.

ઉપરાંત શિવભકતોની આસ્થા અખંડ રાખવા શિવાલયોથી દરરોજ પૂજા-મહાઆરતીનાં લાઈવ દર્શનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શ્રાવણ માસ દરમિયાન લોકોની ભીડ એકઠી થાય તેવા એક પણ સામુહિક ધાર્મિક, કાર્યક્રમો નહી યોજાય. તમામ શિવાલયોમૉ માત્ર સંતો મહંતો અને પૂજારી દ્વારા જ પૂજન-અર્ચન કરાશે.

સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ અને પૂજન-અર્ચનનો ધર્મલાભ લેતા કલેકટર

Img 20200721 Wa0004

સોમનાથ મંદિરમાં આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જિલ્લા કલેકટર અજય પ્રકાશે સજોડે પૂજન-અર્ચન સાથે ધ્વજારોહણનો લાભ લીધો હતો. તસવીરમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશ અને તેમની પત્ની માસ્ક પહેરી પૂજા કરતા નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.