Abtak Media Google News

Shree Ram

રાજકોટ, જામનગર, જૂનાગઢ અને મોરબી સહિતના શહેરોમાં ભવ્ય શોભાયાત્રા નિકળી ભાવિકોમાં જબ્બર ઉત્સાહ રામ નામના ગગનભેદી નાદથી વાતાવરણ ભક્તિમય

ચૈત્ર સુદ નોમ અર્થાત્ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની આજે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રામ મંદિરોમાં વહેલી સવારથી રામભક્તો ઉમટી પડ્યા હતા. રાજકોટ, જામનગર, મોરબી સહિતના શહેરોમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નિકળી હતી. નગરચર્યાએ નિકળેલા રામલલ્લાને વધાવવા માટે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. ગામે ગામ રામ મંદિરોમાં આજે દિવસભર વિવિધ ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

ભગવાન શ્રી રામને મર્યાદા પુરૂષોત્તમ કહેવામાં આવે છે. ચૈત્ર સુદ નોમના દિવસ અયોધ્યામાં રાજા દશરથના ઘેર ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. હજ્જારો વર્ષોથી દર વર્ષ ભારતમાં રામનવમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. આજે અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આવતા વર્ષ રામનવમીના તહેવાર પૂર્વ રામલલ્લાનું નિજ મંદિરમાં આગમન થઇ જશે. આજે રામનવમીની રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં વહેલી સવારે વિશાળ શોભાયાત્રા નિકળી હતી. જેમાં હજ્જારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. જયશ્રી રામ…. જય જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. મોરબી અને જૂનાગઢમાં પણ રામનવમીની વિશાળ શોભાયાત્રાઓ નિકળી હતી. નગરચર્યાએ નિકળેલા રામલલ્લાને વધાવવા રામભક્તોનો ઉત્સાહ ચરમ સીમાએ જોવા મળતો હતો. ગામે ગામ રામ મંદિરોમાં આજે વિવિધ ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતા. સવારથી રામ મંદિરોમાં ભાવિકોની ભીડ જામી હતી.

Dsc 0065

જુનાગઢે આજે ભારે શણગાર સર્જ્યા છે, અને જુનાગઢ આજે અયોધ્યા જેવું ભાસી રહ્યું છે, ત્યારે 160 કિલો બેંગ્લોરૂ ફૂલોથી શણગારવામાં આવેલ અને રાજસ્થાનમાં ખાસ બનાવડાવેલ ચાંદીની પાલખીમાં બેસી ભગવાન શ્રી રામ જુનાગઢ નગર ચર્યાએ નીકળશે. જેની સાથે ખાસ તૈયાર કરેલા 10 ટેબ્લેટો તથા 47 જેટલી ઝાંખીઓ અને અનેક ધૂન તથા રાસ મંડળો જોડાશે.

આજે બપોરે 3:30 કલાકે ઉપરકોટ નજીક આવેલ શ્રી રામચંદ્રજી મંદિરેથી સંતો, મહંતો, રાજશ્રીઓ, અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે જય જય શ્રી રામના ગગન ભેદી નાદ સાથે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે સુખનાથ ચોક, સંઘાડીયા બજાર, દીવાન ચોક, પંચહાટડી ચોક, આઝાદ ચોક, એમ જી રોડ, કાળવા ચોક થઈને જવાહર રોડ ખાતે સ્વામિનારાયણ મંદિરે પહોંચશે અને ત્યાં આ શોભાયાત્રા સંપન્ન થશે. બાદમાં 9:30 કલાકે મયારામ આશ્રમ ખાતે આ શોભાયાત્રામાં જોડાયેલા ફ્લોટસનો ઈનામ વિતરણ સમારોહ અને ધર્મ સભા યોજાશે.

Dji 0186

આ વખતની શોભાયાત્રાનું આયોજન પણ જરા હટકે કરવામાં આવેલ છે, ખાસ રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવેલ ચાંદીની પાલખીમાં જુનાગઢમાં પ્રથમવાર ભગવાન શ્રીરામ બેસીને નગર ચર્યાએ નીકળશે. આ ચાંદીની પાલખીને શણગારવા માટે બેંગ્લોર નજીક આવેલા પરાણુ ગામમાંથી ખાસ 160 કિલો બેંગ્લોરૂ ફૂલ મંગાવામાં આવ્યા છે, અને તે ફૂલોથી ભગવાન શ્રીરામની ચાંદીની પાલખી શણગારવામાં આવશે.

આ સાથે શોભાયાત્રામાં ખાસ આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે, ટ્રેક્ટરના બદલે 10 નવા ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ગૌતમ બુદ્ધ, સ્વામી વિવેકાનંદજી અને આદિ યોગી મહાદેવની 10 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી પ્રતિમા હશે તેને શોભાયાત્રામાં સામેલ કરવામાં આવશે. તેની સાથે શોભાયાત્રામાં 47 જેટલી અલગ અલગ ઝાંખીઓ જોડાશે. જેમાં વિવિધ ધૂન તથા રાસ મંડળીઓ ભાગ લેશે. આ ઉપરાંત પ્રથમવાર વાસના બામ્બુવાડી અગરબત્તીના બદલે બેલદાર લાકડામાં ગાયના છાણ અને ગાયના ઘીથી બનાવેલી અગરબત્તીનો ધૂપ કરવામાં આવશે.

હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્યતિત કર્યુ.

રામ નવમી વસંત ઋતુમાં આવતો હિંદુ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે.

આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતીહાસ માનવામાં આવે છે. લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે. અથવા ઘરમાં પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો આ દિવસ વ્રત-ઉપવાસ પણ કરે છે.

આ દિવસે અયોધ્યા, સીતા સંહિત સ્થળ (ઉત્તર પ્રદેશ), સીતામઢી (બિહાર), જનકપુર ધામ (નેપાળ), ભદ્રાચલમ (તેલંગાણા), કોદંદરામ મંદિર (આંધ્ર પ્રદેશ) તથા રામેશ્ર્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે.478 અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.

સંવત 1837માં રામનવમીના દિવસે અયોધ્યા પાસેનાછપિયા ગામમાં રાત્રે 10-10 કલાકે ભગવાન સ્વામીનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.