Abtak Media Google News
  • લીંબડીમાં ડબલ મર્ડર : માતા-પુત્રનો મૃતદેહ મળી આવ્યો, પતિ ફરાર

સંત-સુરાની ભૂમિ સૌરાષ્ટ્ર હવે ક્રાઇમ કેપિટલ બનવા તરફ ઝડપથી ધપી રહ્યું હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કુલ 5 જેટલી લોથ ઢળ્યાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના શાપરમાં સામાન્ય રકમની રકઝકમાં યુવાનની હત્યા અને ગોંડલમાં જૂની અદાવતમાં યુવકને રહેશી નખાયા બાદ ભાવનગરમાં મનપાના કર્મચારીની સરાજાહેર હત્યા અને લીંબડીમાં માતા-પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે.

Advertisement

સૌરાષ્ટ્રમાં બનેલા કુલ 4 અલગ અલગ બનાવમાં એક 11 વર્ષીય માસુમ બાળક સહીત 5 લોકોની હત્યાના અહેવાલ છે. લીંબડીની ઘટનાની જો વાત ભીમનાથ સોસાયટીમાં રહેતા વેપારી શાક માર્કેટ પાસે કટલેરીની દુકાન ચલાવે છે. તેને પ્રથમ પત્ની સાથે છુટાછેડા થતા સુરતની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. જે મહિલા આંગળિયાત પુત્ર સાથે લાવી હતી. ત્યારે મંગળવારના રોજ સવારના સમયે ઘરના ઉપરના માળે રૂમમાં માતા-પુત્રની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને બંનેની લાશને પીએમ માટે મોકલી આપી હતી. બનાવ બાદથી જ વેપારી લાપત્તા છે. ત્યારે હાલ પોલીસ તેને શોધી રહી છે. બીજી તરફ આ કેસમાં ડબલ મર્ડરની આશંકા સેવાઈ રહી છે.

ચકચારી બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ લીંબડીના ભલગામડા ગેટ પાસે ભીમનાથ સોસાયટી આવેલી છે. જેમાં રહેતા ચીરાગ જગદીશભાઈ લાદોલા(પટેલ)ના લગ્ન અગાઉ પરપ્રાંતીય યુવતી સાથે થયા હતા. લગ્નબાદ બન્નેને મનમેળ ન આવતા 6 માસમાં જ છુટાછેડા થયા હતા. બાદમાં ચીરાગના લગ્ન સુરતના સોનલબેન બારોટ સાથે થયા હતા. જેઓ તેમની સાથે આંગળીયાત પુત્ર કિશનને સાથે લઈને આવ્યા હતા. લગ્ન બાદ ચીરાગ અને સોનલબેનને સંતાનમાં ઋચીત નામના પુત્રનો જન્મ થયો હતો.

સુખેથી ચાલતા સંસારમાં થોડા વર્ષોથી ખટરાગ ઉભો થયો હતો અને પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થતી હતી. ઘરના ઉપરના માળે ચીરાગ તેમના પત્ની સોનલબેન અને બાળકો સાથે રહેતા હતા. જયારે તેમના માતા-પિતા નીચે રહેતા હતા. મંગળવારે સવારના સમયે સોનલબેન અને આંગળીયાત પુત્ર કીશનની લાશ ઘરના રૂમમાંથી મળી આવી હતી. બનાવની જાણ થતા પીઆઇ એચ.જી.પુવારની સુચનાથી પીએસઆઈ એન.જી.મહેશ્વરી,મીતુલભાઇ પટેલ, નવઘણભાઈ દોમડા, ચંદુભાઈ બાવળીયા, સુરેશભાઈ પટેલ સહિતનાઓ દોડી ગયા હતા અને તપાસ આદરી હતી. બનાવ બાદથી જ પતિ ચીરાગ લાપત્તા હોવાની જાણ થતાં પોલીસની એક ટીમ તેની શોધમાં લાગી ગઈ હતી.

બીજી તરફ મૃતક સોનલબેન અને કીશનની લાશને પ્રથમ પોસ્ટ મોર્ટમ માટે લીંબડી સરકારી દવાખાને લઈ જવાઈ હતી. જયાં મૃતકના પીયરપક્ષના પણ દોડી આવ્યા હતા. આ અંગેની જાણ થતા જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા પણ લીંબડી દોડી ગયા હતા. અને મૃતકના ઘરે તથા હોસ્પિટલે જઈ જાત તપાસ કરી હતી. હાલ પોલીસ આ કેસમાં ફરાર પતીને શોધી રહી છે. જેના મળી આવ્યા બાદ જ દુધનું દુધ અને પાણીનું પાણી થશે. પરંતુ લીંબડી પંથકમાં હાલ આ ડબલ મર્ડર હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. હાલ બંને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

બનાવના સ્થળે કોઈ હથિયાર કે મૃતકના શરીર પર હથિયાર વડે ઇજાના નિશાન મળી આવ્યા નથી. આ ઉપરાંત રૂમમાં કોઈ લોહીના ડાઘ પણ નથી. જો કે, બંને મૃતદેહના મોઢામાંથી સફેદ પ્રવાહી નીકળતો હોય તેમજ ગળાના ભાગે નિશાન હોવાથી બન્નેનું ગળુ દબાવીને કે ગુંગળાવીને મોતને ઘાટ ઉતારાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

શાપરમાં પૈસાની ઉઘરાણીમાં અને ગોંડલમાં જૂની અદાવતમાં બે યુવાનોની હત્યા

રાજકોટના શાપર વેરાવળ મેઈન રોડ પર કોરાટ સ્કૂલ પાસે સિદ્ધિ વિનાયક નામની પાનની દુકાને ઉઘરાણીના પ્રશ્ને વેપારીબંધુએ જયદીપ રાજેશ મકવાણા નામના યુવક પર છરી વડે હુમલો કરતા ગંભીર ઇજા પામનાર યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બનાવમાં શાપર પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. અન્ય ગોંડલના બનાવમાં એસટી બસ સ્ટેન્ડ પાસે જૂની અદાવતમાં સાગર મેવાડા નામના યુવાન પર ઘનશ્યામ રસિક પરમારે છરી વડે હુમલો કરતા સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત નીપજ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.