Abtak Media Google News

ખૂન, લૂંટ, અપહરણ, ખંડણી, વ્યાજની પઠાણી ઉઘરાણીના કારણે આપઘાત સહિતના ગુનાખોરીના ગ્રાફમાં ઉછાળો: પોલીસની નિષ્ક્રીયતાથી રીઢા ગુનેગારો અને લુખ્ખાઓ બેફામ

સૌરાષ્ટ્રનું હબ રાજકોટ ક્રાઇમ કેપીટલ બન્યું હોય તેમ ગુનાખોરીના ગ્રાફમાં ઉછાળો આવ્યો છે. ખૂન, લૂંટ, અપહરણ, વ્યાજની પઠાણી ઉઘરાણીના કારણે આપઘાત સહિતના ગુના રોજીંદા બની ગયા હોય છે. પોલીસની નિષ્ક્રીયતાના કારણે રીઢા ગુનેગારો અને લુખ્ખાઓને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ સરા જાહેર હત્યા અને અપહરણની ઘટના બની રહી છે.

તાજેતરમાં જ બજરંગવાડી વિસ્તારમાં બાઇક અથડાવવા જેવી સામાન્ય બાબતે ગરાસીયા યુવાનની સાળા-બનેવીએ છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું હતું. કુવાડવા રોડ પર આવેલા રંગીલા પાર્કમાં આડા સંબંધના કારણે પિતાએ પોતાના બે માસુમ બાળકોને પાણીની ટાંકીમાં ડુબાડી કરેલી હત્યા તેમજ સરધારના ભંગડા ગામના પટેલ યુવાનનું પ્રેમ પ્રકરણના કારણે ભરવાડ શખ્સોએ ખૂન કર્યાની ઘટનાની પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યાં ગતમોડી રાતે શહેરના ધમેન્દ્ર રોડ પર અશગર ઉર્ફે મોહસીન હનિફભાઇ જુણેજા નામના યુવાનનું આઠ જેટલા શખ્સોએ સ્કોર્પીયોમાં આવી છરીના ઘા ઝીંકી વેતરી નાખતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.

રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સિટીમાં રહેતા સુરેન્દ્રભાઇ મોતીલાલ ગુપ્તા નામના કારખાનેદારના આજી જીઆઇડીસીમાં આવેલી ફેકટરીએ જઇ છરી બતાવી ગંજીવાડાના શકીલ મહંમદ શેખ સહિતના શખ્સોએ પોલીસના ડર વિના રૂ.૨૦ હજારની ખંડણી પડાવી લીધી હતી.

રીઢા ગુનેગારોની જેમ વ્યાજના ધંધાર્થીઓ પણ બેફામ બન્યા હોય તેમ મિલપરા શેરી નંબર ૭માં રહેતા રિક્ષા ચાલક હરેશ ઉર્ફે હર્ષચંદ્ર જગદીશભાઇ ખીમાણી નામના યુવાને વ્યાજના ધંધાર્થીના ત્રાસથી કંટાળી પોલીસ કમિશનર કચેરીએ જઇ આત્મવિલોપન કર્યુ હતુ.

મૃતક હરેશ ઉફે હર્ષચંદ્ર ખીમાણીએ આપઘાત પૂર્વે મોબાઇલમાં પોતાને વ્યાજના ધંધાર્થીઓનો ત્રાસ હોવા અંગેનો વીડિયો રેકોર્ડીગ કરી વાયરલ કર્યો હતો તેમ છતાં પોલીસે ગંભીરતા દાખવી ન હોવાથી આપઘાત કર્યાનું બહાર આવ્યું છે.આ રીતે જ નવલનગરમાં રહેતા ભૂપતભાઇ તેમની પત્ની હર્ષાબેને પોતાના પુત્ર અને પુત્રવધૂના મિલકત અંગેના વિવાદના કારણે ન્યાય મેળવવા પોલીસ કમિશનર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કોઠારિયા રોડ પર શિક્ષકે પોતાની પત્ની સાથે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હતો.

બજરંગવાડી વિસ્તારમાં રહેતા ધવલ અને તેની પત્ની ઉર્વશીએ પ્રેમ લગ્ન કરતા બંનેના અપહરણ કર્યાની ઘટના બાદ પોલીસમાં દોડધામ થઇ ગઇ હતી. બે કાર અને એક બાઇકમાં દંપત્તીને ઉઠાવી જનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. અપહરણ કરી યુવકને માર મારવાનો ઇરાદો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસની નિષ્ક્રીયતાના કારણે ખૂન, લૂંટ, ચોરી, અપહરણના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે તેમ વ્યાજના ધંધાર્થીઓ પણ પોલીસના ડર વિના બેલગામ બની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરી વધેલી ગુનાખોરી ડામવાનો સમય પાકી ગયો હોવાનું જાણકારો કહી રહ્યા છે.

ધમેન્દ્ર રોડ પફર યુવકને આઠ શખ્સોએ સરાજાહેર વેતરી નાખ્યોImg 20180112 091017

ગાયકવાડીમાં થયેલી હત્યાનો બદલો લેવા છરીના ૧૬ જેટલા ઘા ઝીંકી ઢીમઢાળી દીધું

શહેરમાં પોલીસના ડર વિના જ હત્યા કરવી સામાન્ય બાબત બની ગઇ હોય તેમ ગતરાતે ધમેન્દ્ર રોડ પર અગીયાર માસ પહેલાં થયેલી હત્યાનો બદલો આઠ જેટલા શખ્સોએ ભીસ્તીવાડના મુસ્લિમ યુવાનને છરીના ૧૬ જેટલા ઘા ઝીંકી હત્યા કરી ફરાર થતા સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભીસ્તીવાડમાં મસ્જીદ પાસે રહેતા અસગર ઉર્ફે મોહસીન હનિફભાઇ જુણાચ નામના ૨૮ વર્ષના સંધી યુવાનની ધમેન્દ્ર રોડ પર રમેશ બ્રધર્સવાળી શેરીમાં હુડકો કવાર્ટરના રિયાઝ ઇસ્માઇલ દલ, રિઝવાન ઇસ્માઇલ દલ, જંગલેશ્ર્વરના ઇસ્માઇલ ઇશા દલ, શાહ‚ખ ઉર્ફે રાજા બાબુ જુણેજા અને ત્રણ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની ભીસ્તીવાડના આબીદ હુસેન જુણાચે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક અસગર ઉર્ફે મોહસીન જુણેચના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તે એલજી કંપનીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે મોહસીન ઉર્ફે અસગર, રફીક કાસમ હાલા અને આબીદ હુસેન જુણાચ મોડીરાતે ધમેન્દ્ર રોડ પર રમેશ બ્રધર્સવાળી શેરીમાં જલારામ નાસ્તાની રેકડીએ નાસ્તો કરવા ગયા હતા ત્યારે સ્કોર્પીયો અને એક્ટિવામાં રિયાઝ, રાજા, ઇસ્માઇલ, રિઝવાન, મુનાવર અને ત્રણ જેટલા અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા.

સ્કોર્પીયો અને એક્ટિવામાં આવેલા શખ્સોએ અસગર ઉર્ફે મોહસીનને આજે તને મારી નાખવો છે નિઝામની હત્યાનો બદલો લેવો છે. તેમ કહી લાકડાનો બાકડો મારી પછાડી દીધા બાદ છરીથી ૧૬ જેટલા ઘા પેટ અને છાતીમાં મારી દીધા હતા. અસરગ ઉર્ફે મોહસીન પર હુમલો થતા આબીદ અને રફીક ભાગી ગયા હતા તેની પાછળ પણ હત્યારાઓ મારવા માટે દોડયા હતા.

આબીદે પોતાના મોટા ભાઇ મહેતાબ ઉર્ફે રાજને મોબાઇથી જાણ કરતા તે ઘટના સ્થળે પહોચ્યો હતો ત્યારે અસગર ઉર્ફે મોહસીનનું પુષ્કર લોહી વહી જવાના કારણે મોત નીપજ્યું હતું. પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. જી.એમ. રાઠવા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પોહચી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન ગાયકવાડી વિસ્તારમાં નામચીન નિઝામની થયેલી હત્યામાં મૃતકના મામાની પોલીસે ધરપકડ કરી હતી અને તે તાજેતરમાં છુટી જતા નિઝામની હત્યાનો બદલો લેવા નિઝામના પિતરાઇ રિયાઝ, રિઝવાન, માસીયાય મુનાવર, અને કાકા ઇસ્માઇલ સહિતના શખ્સોએ અસગર ઉર્ફે મોહસીનની હત્યા કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.