Abtak Media Google News

અબતક-રાજકોટ

રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટીંગ યાર્ડ)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે સવારે 11 કલાકે ચૂંટણી યોજાશે. દરમિયાન આજે મોડી સાંજ ભાજપ દ્વારા ચેરમેન તથા વાઇસ ચેરમેનના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે.

ચેરમેન પદ માટે હાલ પરસોત્તમભાઇ સાવલીયા અને જયેશભાઇ બોઘરાના નામો ચર્ચાય રહ્યા છે. આ ઉપરાંત વિજયભાઇ કોરાટનું નામ પણ ચર્ચામાં છે. વાઇસ ચેરમેન પદ માટે પણ ત્રણ નામો ચર્ચામાં છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાંજે જિલ્લા ભાજપના પ્રમુખ સાથે વીડિયો કોન્ફરન્સમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનના નામ આપી દેશે: કાલે સવારે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી 

રાજકોટ માર્કેટીંગ યાર્ડની 16 ડિરેક્ટરોની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 15 સભ્યો તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા. જ્યારે કોંગ્રેસના અતુલભાઇ કામાણી વિજેતા બન્યા હતાં. આમ હાલ યાર્ડમાં ભાજપ પાસે તોતીંગ બહુમતી છે. પ્રથમવાર યાર્ડની ચૂંટણીમાં પક્ષ દ્વારા સત્તાવાર મેન્ડેટ સાથે ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ ચૂંટણી જીત્યા પછી ચેરમેન તથા વાઇસ ચેરમેનની નિમણૂંક માટે પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પણ લેવામાં આવી હતી. જેમાં તમામ ડિરેક્ટરોને સાંભળવામાં આવ્યા હતાં.

પાટિલની નો રિપિટ થિયરી સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટીંગ યાર્ડની દિશા અને દશા બદલી નાખશે?

રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન માટે હાલ સૌથી વધુ બે નામો ચર્ચાય રહ્યા છે. જેમાં પ્રથમ ક્રમે પરસોત્તમભાઇ સાવલીયા અને બીજા ક્રમે જયેશભાઇ બોઘરાનું નામ બોલાઇ રહ્યુ છે. જ્યારે અંદરખાને કિશાન મોરચાના મંત્રી વિજયભાઇ કોરાટનું નામ પણ ચાલી રહ્યુ છે. વાઇસ ચેરમેન પદ માટે પણ કેશુભાઇ નંદાણીયા, જયેશભાઇ પીપળીયા અને જીતુભાઇ સખીયાના નામની ચર્ચાઓ થઇ રહી છે.

જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરિયાએ જણાવ્યું હતું કે, આજે સાંજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે એક વિડિયો કોન્ફરન્સ યોજાશે. જેમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. આવતીકાલે સવારે યોજાનારી ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પ્રદેશે સૂચવેલા નામને મત આપવા ડિરેક્ટરોને વ્હીપ આપવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે ચેરમેન પદ માટે હાલ મુખ્ય બે નામો પરસોત્તમભાઇ સાવલીયા અને જયેશભાઇ બોઘરાના નામોની ચર્ચા ચાલી રહી છે. નવા હોદ્ેદારોના નામો આજે મોડી સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી શુક્રવારે ઉપલેટા માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. ત્યારબાદ ધોરાજી અને જેતપુર યાર્ડના હોદ્ેદારની નિમણૂંક માટે ચૂંટણી યોજાશે. આવતા વર્ષ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય જ્ઞાતિ-જાતિના સમીકરણો તથા ઉમેદવારની તાકાતના આધારે હોદ્ેદારોની પસંદગી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.