Abtak Media Google News

કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને જરૂર પડ્યે સારવાર અર્થે ખસેડાશે:મ્યુનિ. કમિશનર

મહાપાલિકા દ્વારા રાજકોટ બહારથી આવતા મુસાફરોનું બસમાંથી ઉતરતાની સાથે જ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી કરતા મુસાફરોનું ટેસ્ટીંગ અને સ્ક્રીનિગ કરવાથી કોરોના પોઝિટિવ દર્દી દ્વારા અન્ય વ્યક્તિઓને ચેપ લાગતો અટકાવી શકાય છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની બહારથી આવતા મુસાફરો માટે એસ.ટી. બસ સ્ટેશન ખાતે મહાનગરપાલિકા દ્વારા ચેકઅપ કામગીરી કરવામાં આવી જ રહી છે. ઉપરાંત થોડા મુસાફરો એવા પણ હોય છે કે જે લોકો શહેરની બહારના સ્ટોપ પર ઉતારતા હોય છે. તો આવા મુસાફરો માટે મહાનગરપાલિકા દ્વારા પ્રાઇવેટ બસ સ્ટોપ ખાતે ઉતારતા મુસાફરોનું સ્થળ પર જ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પ્રાઇવેટ બસના મધ્યમાંથી રાજકોટ બહારથી આવતા મુસાફરોનું મનપા દ્વારા સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ દરમ્યાન જો કોઇ પણ મુસાફરને શંકાસ્પદ લક્ષણો જણાય છે તો તેમને જરૂરી સારવાર અર્થે ખસેડવામાં આવે છે.

આ કામગીરી કરવાથી કોરોના પોઝિટિવ દર્દીથી ફેલાતો ચેપ અટકાવી શકાય છે. જે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ નોંધાય છે તેમને પ્રાથમિક તબક્કામાં જ સારવાર આપી શકાય છે. લોકોએ ટેસ્ટીંગ કરાવવાથી ગભરાવાની જરૂર નથી. પ્રાથમિક તબક્કામાં નોંધાયેલ કોરોનાથી સંકરણ અને સારવાર બંને આસાન બને છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.