Abtak Media Google News
  1. આશંકા

સુષ્માની હસતી રમતી આંખોને એ દરરોજ નીરખ્યા કરતો. વાંકળિયા ટૂંકા વાળ, પાતળું શરીર અને નજાકતસભર અંગો, કોઇ મેઘલી રાતે થયેલા વીજળીના ઝબકાર જેવી ચકચકિત લાંબી ગ્રીવા…

એ સુષ્મામય બની ગયો હતો. સુષ્મા સાથે એકવાર બોલવાની એની મહેચ્છા હતી, ચાહે ગમે તે પરિણામ આવે.

ખડકોના કડક બંદોબસ્ત વચ્ચે ચૂપ કીદીથી સરી પડે એવી સુષ્માની કોમળ તન સરિતાએ પેલાના મનમહેરામણમાં ભારે ખળભળાટ જન્માવ્યો હતો. એનું હૈયું આતુર હતું સુષ્માના શબ્દોનાં અમી છાંટણાં ઝીલવા માટે ! સુષ્મા જો એક વખત એને સૌંદર્યમય શબ્દોથી સંબોધે તો પોતે સુષ્માનું કફન સુધી જતન કરવા તૈયાર છે એવી માનસિક તૈયારી કરીને એ નિત્યક્રમ મુજબ નિશ્ચિત સ્થળે ચાતક થઇ ને ઉભો રહી ગયો. એની ટેવાઇ ગયેલી આંખોએ રંગીન ફૂલોના હલનચલન કરતા ઢગ સમી સુષ્માને જોઇ. પગ ધ્રૂજવા લાગ્યા, અંતર ઉભરાવા લાગ્યું, નજર ચોંટી જ રહી. સુષ્મા નજીક આવી પણ પેલાના બન્ને હોઠ જાણે કે રિસાયા હોય એમ ખૂલ્યાજ નહીં, પણ સુષ્માએ શરૂઆત કરી,

Whatsapp Image 2022 11 08 At 6.52.59 Pm

‘આ સમયે અહીં દરરોજ ઉભવાનો હેતુ?’’

કોઇક ને આંખોથી આકંઠ પીવા માટે’ એટલું એનાથી બોલાઇ ગયું. રોમેરોમમાં ધ્રૂજારી વિસ્તરી ગઇ, કદાચ આનંદની, કદાચ ડરની…

મખમલની પૂતળી સહેજ ગંભીર થઇ બોલી,

કોને આંખોથી આકંઠ પીવા…?’’

પેલો ઉતાવળો થઇ ગયો- ‘‘તમને જ…”

હજારો વીંછી ડંખી ગયાની વેદના સાથે સુષ્માએ જવાબ વાળ્યો ‘ભઇલા… હું પરિણીત છું.”

Whatsapp Image 2022 11 08 At 6.53.29 Pm

– તે બીજે દિવસે સવારે પેલાએ છાપામાં સુષ્માનો ફોટો જોયો. ઉપર લખ્યું હતું. – શંકા- કુશંકાના દાવાનળમાં વધુ એક પરિણીતા હોમાઇ.’

એ અવાક્ થઇ ગયો.

 

નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.