Abtak Media Google News
  • વિદેશ અભ્યાસ અર્થે જતી પુત્રીને દંપતી અમદાવાદ એરપોર્ટ પર મૂકવા ગયા અને નેપાળી ચોકીદારે પત્ની અને મિત્ર સાથે મળી કિશોરને છરીની અણીએ હાથ – પગ બાંધી આચર્યું કૃત્ય
  • ડીસીપી સુધીર દેસાઈ સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો: સીસીટીવીના આધારે ક્રાઈમ બ્રાન્ચ,એસઓજી, ડોગ સ્કોવડ અને યુનિવર્સિટી પોલીસના સ્ટાફે લૂંટારાને ઝડપી લેવા કરી નાકાબંધી

શહેરમાં વહેલી સવારે પોષ વિસ્તાર એવા રોયલ પાર્ક શેરી -4 માં રહેતા બિલ્ડર પ્રભાતભાઇ દેવરાજભાઈ સિંધવના મકાનમાં તેમના જ માસુમ પુત્રને બંધક બનાવી બંગલાની રખેવાળી કરતા ચોકીદાર દંપતી રૂ 30 લાખની લુટ ચલાવી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. છેલ્લા અઢી માસથી ઘરમાં રખોપું કરવા આવેલા નેપાળી અનિલ ઉર્ફે રામ અને તેની પત્ની લક્ષ્મીએ વહેલી સવારે લૂંટને અંજામ આપી ફરાર થઈ જતાં ડીસીપી સુધીર દેસાઈ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સ્ટાફ ડોગ સ્કોવડ સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Dsc 6689

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રોયલ પાર્ક શેરી -4માં રહેતા બિલ્ડર પ્રભાતભાઈ સિંધવનાં “માતોશ્રી” બંગલામાં તેમના જ ચોકીદારે પત્ની અને મિત્ર સાથે મળીને લૂંટને અંજામ આપ્યાની ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે ઘટનાની જાણ થતા ડીસીપી સુધીર દેસાઈ , ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાય.બી.જાડેજા, એસઓજી પીઆઈ જે.જી.ઝાલા, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજા અને ડોગ સ્કોવડ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અઢી માસ પહેલા ભરત નેપાળી નામના શખ્સે અનિલ ઉર્ફે રામ નેપાળી અને તેના પત્ની લક્ષ્મીને ચોકીદારી માટે બંગલા પર રાખ્યા હતા.

ત્યારે બિલ્ડર પ્રભાતભાઈની પુત્રીને અભ્યાસ અર્થે વિદેશ જવાનું હોય જેથી ગઇ કાલે દંપતી તેમની પુત્રીને અમદાવાદ એરપોર્ટ પર છોડવા ગયા હતા. તે દરમિયાન બંગલામાં રખોપું કરતા અનિલ ઉર્ફે રામની નિયત બગડી હતી. જેથી તેને પોતાના અન્ય બે નેપાળી મિત્રોને વહેલી સવારે બંગલે બોલાવ્યા હતા.

ત્યાર બાદ નીચે સૂતેલા દાદાને અંધારામાં રાખી લૂંટારુઓ ઉપર રૂમમાં ગયા હતા અને પ્રભાતભાઈના 14 વર્ષના પુત્ર જસને ઉઠાડી અંદર થોડું કામ છે તેમ કહીને રૂમમાં ઘૂસ્યા હતા. ત્યાર બાદ અનિલ ઉર્ફે રામ એ જસને ઓસિકાના કવર અને ચૂંદડી વડે બાંધી ગળા પર છરી રાખી રોકડા રકમ અને દાગીના બતાવવા કહ્યું હતું. જેના પગલે જસએ લોકરમાં રહેલા દાગીના અને રોકડ બતાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂ.10 લાખની રોકડ અને દાગીના મળી કુલ રૂ.30 લાખની મત્તાની લૂંટ ચલાવી બંગલા પાસેથી રિક્ષામાં ફરાર થઈ ગયા હતા. ગઇ કાલે દંપતી અમદાવાદ ગયા ત્યારે તેમના પુત્ર જસનો મિત્ર પણ બંગલા પર સુવા આવ્યો હતો. વહેલી સવારે જસનો મિત્ર ઘરે ગયા બાદ પ્લાન મુજબ અનિલ ઉર્ફે રામ તથા તેની પત્ની લક્ષ્મી અને તેના અન્ય બે સાથીદારોએ લૂંટને અંજામ આપ્યો હતો.

Dsc 6682

તે દરમિયાન નીચે સૂતેલા દાદા પોતાના પૌત્રને ઉઠાડવા ગયા તે સમયે લૂંટારૂ અનિલ ઉર્ફે રામ, તેની પત્ની લક્ષ્મી અને અન્ય સાથીદાર લૂંટને અંજામ આપી નાસી ગયા હતા. દાદાએ પૌત્ર જસને બંધક બનેલો જોતા ચોકી ઉઠ્યા હતા. પૌત્રને છોડાવતા તમામ ઘટના પરથી પરદો ઉઠ્યો હતો. જેથી દાદાએ તેમના સગા સબંધીઓ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે લુટારોનું પગેરું મેળવવા નાકાબંધી કરી છે.

માસૂમ બાળકોને એકલા મૂકતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો

‘માતોશ્રી’ બંગલામાં તરૂણ સવારે 6 વાગ્યે સૂતો હતો ત્યારે નેપાળી નોકર અનિલ ઉર્ફે રામે તેને ઉઠાડી તેના ગળે ચાકુ રાખી અને તેને બંધક બનાવી રૂ.30 લાખની લૂટને અંજામ આપ્યો હતો.સદનસીબે આ સનસની ખેજ લૂંટમાં તરુણનો જીવ બચી ગયો હતો લૂંટારો એ માત્ર તેને બંધક બનાવીને જ લૂંટ ચલાવી ત્યાંથી ભાગી ગયા હતા. પરંતુ આવી ઘણી ઘટનાઓમાં બંધક ને જીવનું જોખમ હોય છે. જેથી વાલીઓએ માસૂમને ઘરે એકલા મૂકી બહાર જવા અંગે ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે.

પોલીસે લૂંટારૂઓના ફોટા જાહેર કર્યા

યુનિવર્સિટી પોલીસે તમામ આરોપીના ફોટા જાહેર કર્યા છે. તેમજ જાહેર જનતાને અપીલ કરી છે કે, આરોપીઓમાં ત્રણ પુરૂષ અને એક સ્ત્રી છે. જેમાં એક પુરૂષે લાલ કલરનું ટી-શર્ટ પહેર્યું છે. આ શખ્સો તમારી આસપાસ જોવા મળે કે મુસાફરી દરમિયાન પણ આસપાસમાં જોવા મળે તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના નંબર 0281-2575124, કંટ્રોલ રૂમ નંબર.0281-2457777 અને ઙઈં એ.બી. જાડેજા મોબાઈલ નંબર 9687500111 પર સંપર્ક કરવો.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.