Abtak Media Google News

શેરબજાર સોળે કળાએ ખીલ્યું, વિદેશી રોકાણકારો ઓળઘોળ

એફપીઆઈ રોકાણ મે મહિનામાં રૂ. 43,838 કરોડ અને જૂનમાં રૂ. 47,148 કરોડ હતું, જુલાઈમાં તેનાથી પણ રોકાણ વધે તેવી શકયતા

શેરબજાર સોળે કળાએ ખીલ્યું છે. વિદેશી રોકાણકારો ઓળઘોળ થયા હોય આજે સેન્સેકસમાં 300 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. બીજી તરફ જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ વિદેશી રોકાણકારોએ 22 હજાર કરોડ ઠાલવ્યા છે.

Advertisement

ગત સપ્તાહ દરમિયાન નવા ઉચ્ચ સ્તરના રેકોર્ડ બનાવ્યા બાદ બજારે નવા સપ્તાહની શરૂઆત પણ સારી કરી છે. પ્રારંભિક વલણો સૂચવે છે કે આજે બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટીમાં અપટ્રેન્ડ જોવા મળ્યો છે.

સવારે 09:15 વાગ્યે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ 220 પોઈન્ટના વધારા સાથે 65,500 પોઈન્ટની નજીક પહોંચી ગયો હતો. તે જ સમયે, નિફ્ટી 60 પોઈન્ટથી વધુના વધારા સાથે 19,400 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. બાદમાં સેન્સેકસમાં 300 પોઇન્ટ અને નિફટીમાં 88 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.

શરૂઆતના બિઝનેસની વાત કરીએ તો સેન્સેક્સની મોટાભાગની કંપનીઓના શેર તેજીમાં છે. સવારે 09:20 વાગ્યે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 16 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં હતી, જ્યારે 14 કંપનીઓના શેર નુકસાનમાં ટ્રેડ થવા લાગ્યા હતા. આજના શરૂઆતના વેપારમાં નેસ્લે, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા શેરો વધી રહ્યા છે. બીજી તરફ એચસીએલ ટેક, પાવરગ્રીડ, ટાઇટન જેવા શેરો ખોટમાં છે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારતીય શેરબજારોમાં રૂ. 22,000 કરોડનું રોકાણ કર્યું છે, નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો જુલાઈમાં એફપીઆઈ ઇનફ્લો મે અને જૂન કરતાં વધી જશે.  સ્ટોક્સમાં એફપીઆઈ રોકાણ મે મહિનામાં રૂ. 43,838 કરોડ અને જૂનમાં રૂ. 47,148 કરોડ હતું.

ડિપોઝિટરી ડેટા અનુસાર, એફપીઆઈ માર્ચથી સતત ભારતીય ઇક્વિટી માર્કેટમાં ખરીદી કરી રહ્યા છે.  આ મહિને 7 જુલાઈ સુધી તેણે રૂ. 21,944 કરોડ શેરમાં ઠલવ્યા છે.  માર્ચ પહેલા વિદેશી રોકાણકારોએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શેરમાંથી કુલ રૂ. 34,626 કરોડ ઉપાડી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.