Abtak Media Google News

ગુજરાતી સિનેમાને એક નવી રૂપરેખા આપનાર અભિષેક જૈન દ્વારા શરૂ કરાયેલું Oho ગુજરાતી OTT પ્લેટફોર્મને ગુજરાતી પ્રજા દ્વારા વધાવામાં આવ્યું છે. આપણી પોતાની ભાષામાં આપણું પોતાનું OTT પ્લેટફોર્મ તરીકે છાપ ઉભી કરનાર Oho છેલ્લા થોડા મહિના દરમિયાન ઘણી બધી વેબ સિરીઝો આપી છે. જેમાં Ohoના શ્રીગણેશ કરતી પહેલી સિરીઝ ‘વિઠ્ઠલ તિડી’ને લોકેએ ખોબે-ખોબે વધાવી છે. તેના પછી આવેલી સીરીઝ કડક-મીઠી અને ચસકેલા પણ લોકોને ખુબ પસંદ પડી. Oho ગુજરાતની જનતા માટે પાછી એક મસ્ત મજાની વેબ સિરીઝ ‘કટીંગ’ લાવી રહી છે. જેનું ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું છે.

ટ્રેલરમાં આપણે જોવા મળે છે કે, આ વેબ સિરીઝની આખી કહાની એક ‘પરફેક્ટ લુક સલૂન’ની છે. જ્યાં લોક પોતાના હેર કટિંગ માટે આવે છે ને પછી અવનવી ઘટનાઓ સર્જાય છે. આ સિરીઝમાં આપણે મસ્તી, કૉમેડીનો એક દમ ફુલ ડોઝ જોવા મળશે. જે આપણે આપડી ચિંતા ભુલાવી એક દમ હસાવશે.

‘કટીંગ’નું ટ્રેલર જોતા એવું લાગે કે આ વેબ સેરીઝ બધાને પેટ પકડી હસાવશે. ‘કટીંગ’ વેબ સેરીઝના મુખ્ય રોલમાં ‘કરસનદાસ પે એન્ડ યુઝ’માં જોવા મળેલી મિત્રોની જોડી પાછી આપણે ‘કટીંગ’માં જોવા મળશે. જેમાં મયુર ચૌહાણ ઉર્ફ અક્કા માઈકલ અને હેમાંગ શાહ ફરી પાછા લોકોને હસાવશે, મજા કરાવશે. આ સાથે ‘વિઠ્ઠલ તિડી’માં પ્રતીક ગાંધીના ભાઈબંધની શાનદાર ભૂમિકા ભજવનાર જગજિતસિંહ વાઢેર (જગલો) પણ ‘કટીંગ’માં જોવા મળશે. આ સાથે ગુજરાતી સિનેમાના ઘણા બધા બીજા કલાકરો પણ જોવા મળશે.

‘કટીંગ’ વેબ સિરીઝનું દિગ્દર્શન કર્યું છે પ્રતીક રાજેન કોઠારીએ અને સંપૂર્ણ સિરીઝ અભિનવ વૈદ્યની કલમેથી લખાયેલી છે. ‘કટીંગ’નું ટ્રેલર જોતા તો એવું લાગે કે આ સિરીઝમાં સુવિધાઓનું સેટિંગ અને દુવિધાઓનું કટીંગ થાય તેવી એક અતરંગી દુકાનની કહાની છે. આ સિરીઝ 20 જૂનના રોજ Ohoની એપ્લિકેશન પર જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.