Abtak Media Google News

રાજકોટમાં રામાપીર ચોકડી પાસે પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ શોકથી યુવાનનું મોત, ભગવતીપરામાં શોર્ટ લાગતા યુવક ઇજાગ્રસ્ત

શાપર અને રાજકોટ શહેરમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા બે બાળકો સહિત ત્રણ લોકો ઘવાયા હતા જ્યારે એક યુવાનનું મોત થયાનું જાણવા મળ્યું છે. જેમાં શાપરમાં ઇલેક્ટ્રિક તાર તૂટતાં થાંભલા નીચે રમતા બે બાળકો ગંભીર રીતે દાઝયા હતા. જેમને તુરંત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતો યુવાન રામાપીર ચોકડી પાસે હતો ત્યારે તેના સગાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતા મોત થયું છે. જ્યારે ભગવતીપરા વિસ્તારમાં પણ વીજશોક લાગતા યુવક ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરમાં શીતળા મંદિર પાસે રહેતા અંકિત રામાકાંત પાસવાન (ઉ.વ.13) અને સુમિત રાકેશ મિસ્ત્રી (ઉ.વ.12) બંને ઘર પાસે થાંભલા પાસે રમતા હતા ત્યારે ઇલેક્ટ્રિક તાર તૂટતાં બંને બાળકો માટે પડતા ઘટના સર્જાઈ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બંને માસુમ બાળકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણ શાપર પોલીસ મથકમાં થતા પોલીસ સ્ટાફ તુરંત હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અંકિત અને સુમિત બંને મૂળ બિહારના રહેવાસી છે. અંકિતના પિતા રામાકાંત અને સુમીતના પિતા રાકેશ બંને કારખાનામાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અંકિત 3 બહેન અને 1 ભાઇમાં બીજો હોવાનુ અને પાચમાં ધોરણમાં ભણતો હોવાનુ જાણવા મળ્યું છે. જ્યારે સુમિત ત્રણ ભાઇમાં વચેટ છે અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

તો અન્ય બનાવમાં રાજકોટમાં કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ રહેતો મેહુલ દીપકભાઈ ચુડાસમા નામનો 22 વર્ષીય યુવાન ગાંધીગ્રામમાં રામાપીર ચોકડી પાસે રાણીમાં રૂડીમાં મંદિર પાસે પોતાના સગાના ઘરે હતો ત્યારે પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ પ્રાથમિક સારવારમાં યુવકે દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

ત્રીજા બનાવમાં પણ રાજકોટમાં ભગવતીપરા શેરી -2માં રહેતા મહેશભાઈ વિરસિંગ કુશવાહ નામનો 36 વર્ષનો યુવાન કુવાડવા રોડ પર ગઇ કાલે સાતડા ગામે હતો ત્યારે કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે તમામ ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.