Abtak Media Google News

શાપરથી રૂપેશ ડોડીયાએ શિરપનો જંગી જથ્થો મોકલ્યાનું ખુલ્યુ: એફએસએલના રિપોર્ટ બાદ ગુનો નોંધાશે: 73,270 બોટલ ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી: રાજ્યવ્યાપી નેટવર્કની શંકા

શહેરના કોઠારિયા રોડ પર હુડકો ચોકડી પાસેથી આર્યુવેદિક શિરપના નામે વેંચાતી નશાકારક 73,270 બોટલ ભરેલા પાંચ ટ્રક મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. નશાકારક જણાતી શિરપનો જંગી જથ્થો શાપરના ગોડાઉનમાંથી રૂપેશ ડોડીયા નામના શખ્સે રાજકોટ મોકલ્યા બાદ અન્ય સ્થળે મોકલવાના હોવાથી નશાકારક શિરપનું નેટવર્ક રાજ્યવ્યાપી હોવાની શંકા સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે રૂા.73 લાખની કિંમતની શિરપની બોટલ કબ્જે કરી એફએસએલનો આલ્કોલ અંગે અભિપ્રાય આપ્યા બાદ વિધિવત ગુનો નોધાશે. શાપર પોલીસે ગઇકાલે એક ગોડાઉનમાંથી એક હજાર જેટલી શિરપની બોટલ કબ્જે કરી છે.

રાજ્યભરમાં હાલ આયુર્વેદિકના નામે વેચાતી નશાકારક પીણાંની ડિમાન્ડ ખુબ જ વધી ગઈ છે. જેને કારણે રાજ્યભરમાં તેના ધંધાર્થીઓએ જાળ બિછાવી છે. છાશવારે પોલીસ દરોડા પાડે છે. આમ છતાં, આયુર્વેદિકના નામે નશાકારક પીણાંની બોટલોનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. બી. ટી. ગોહિલે મળેલીચોક્કસ બાતમીના આધારે ઢેબર રોડ પરથી બે અને હુડકો ચોકડી પાસેથી ત્રણ મળી કુલ પાંચ ટ્રક ઝડપી લીધા હતા. જેમાંથી જુદી જુદી છ બ્રાન્ડથી 73275 બોટલ મળી આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે એક બોટલની રૂા.100 કિંમત ગણી કુલ કિંમત રૂા.73.27 લાખ આંકી હતી. જો કે ટ્રકચાલકો કે તેના માલિકોનો કોઈ રોલ ન હોવાથી ટ્રક કબજે કરવામાં નહીં આવે તેમ ક્રાઈમ બ્રાન્ચના સુત્રોએ જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના સુત્રોએ વધુમાં જણાવ્યું કે આ પાંચેય ટ્રક શાપરથી રૂપેશ ડોડિયા નામના શખ્સ ભરાવ્યા હતા. ટ્રક ચાલકોને રાજકોટ પહોંચવાની સુચના અપાઈ હતી. બાદમાં જે સુચના મળે તે મુજબ ટ્રકો રવાના કરવાના હતા. જો કે પાંચેય ટ્રક રાજકોટથી રવાના થાય તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચે જાણવા જોગ નોંધ કરી છે.

એફ.એસ.એલ.ના રિપોર્ટ બાદ વિધિવત ગુનો દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે બિયરની બોટલમાં જેટલું આલ્કોહોલ આવે છે તેના કરતાં વધુ માત્રામાં આલ્કોહોલ આયુર્વેદિક સી25ના નામે વેચાતી બોટલોમાં હોય છે. વળી આ બોટલો આસાનીથી કોઈપણ પાનની કે કરીયાણાની દુકાનમાંથી મળી જતી હોવાથી બંધાણીઓ તેનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે.

શાપર: ભાડાના ગોડાઉનમાંથી 1 લાખનો આલ્કોહોલીકનો શંકાસ્પદ જથ્થો પકડાયો

રાજકોટ જિલ્લામાં નશીલા પદાર્થનું ગેરકાયદે ઉત્પાદન અને વેંચાણને કડક હાથે ડામી દેવા એસ.પી.જયપાલસિંહ રાઠૌડે આપેલી સુચનાને પગલે શાપર-વેરાવળ પી.એસ.આઇ.એસ.જે.રાણા સહિતના સ્ટાફે ઔદ્યોગીક-વસાહતમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું.

ત્યારે મસ્કત પોલીમર્સ રોડ મુક્તિધામ નજીક શેડ નં.3માં નોન આલ્કોહોલીક પ્રવાહીનો જથ્થો પડ્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રૂા.1 લાખની કિંમતનો 1212 બોટલ શંકાસ્પદ નોન આલ્કોહોલીકનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાશમાં રાજકોટના રાજ રેસીડેન્સીમાં રહેતા મેહુલ અરવિંદ જસાણીએ ગોડાઉન ભાડે રાખી જથ્થો ઉતાર્યાનું ખુલ્યું છે. પોલીસે ઝડપેલો શંકાસ્પદ પ્રવાહીના જથ્થા કબ્જે કરી તેનું પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યો છે.

પખવાડિયા પહેલા જ પડવલામાંથી ડુપ્લીકેટ આયુર્વેદિક સિરપ બનાવવાની ફેક્ટરી પકડાય હતી

પખવાડિયા પહેલા શાપર વેરાવળ પોલીસ દ્વારા પડવલા ગામની સીમના રેવન્યુ સર્વે નંબર 93 પ્લોટ નંબર 23 માં આવેલા ગોડાઉનમાં રેડ પાડી જ્યાંથી ડુપ્લીકેટ આયુર્વેદિક સીરપ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. જ્યાં પોલીસે સલીમ કાણીયા અને મહેશ નામના શખ્સને ઝડપી પાડ્યા હતા. સાથે જ 6 લાખ 12 હજાર 750નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ફરી જ શાપરમાંથી નશાકારક સીરપ પકડી પાડવામાં શાપર વેરાવળ પોલીસ સફળ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.