Abtak Media Google News

તરુણ વયની બાળકીને હવસનો શિકાર બનાવવાની જુદી જુદી બે ઘટનાનો પોકસો હેઠળનો કેસની સુનાવણી અધિક સેશન્સ કોર્ટમાં પુરી થતા સગીર વયની બાળકીઓ પર બળાત્કાર ગુજારવાના ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.તેમજ બંને આરોપીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

દુષ્કર્મના કેસમાં અદાલત દ્વારા કડક વલણ અને ધાક બેસાડતા ચુકાદાથી પોકસો અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલા શખ્સોમાં ફફડાટ મચી ગયો છે.

માસુમને હવસનો શિકાર બનાવનાર ફુઆને આજીવન જેલ

ભત્રીજી સાથે પતિની હરકત પત્ની જોઈ  જતા ભાઈને જાણ કરતા ગુનો નોંધાયો: ભોગ બનનારને 5 લાખનું વળતર

જામનગર રોડ વિસ્તારમાં રહેતો સેન્ટ્રિંગ કારીગર સુનીલ બાબુભાઈ ભરડવા કે જેની ઉંમર બનાવ વખતે આશરે 35 વર્ષની હતી અને તે સગા સાળાની માત્ર સાડા સાત વર્ષની પુત્રીને તેના ઘરે લઈ જઈ તેની સાથે કુકર્મ આચરી રહ્યો હોવાનું ખુદ પત્ની જોઈ જતા તેણીએ પોતાના પતિના ગંદા માનસને ખુલ્લું પાડી ભોગ બનનારના બાળકીના પિતા એટલેકે પોતાના ભાઇને જાણ કરતા તેણે બનેવી સુનિલ બાબુલાલ ભરડવા સામે પોકસો એક્ટ સહિતની જરૂરી કલમો મુજબની ફરિયાદ ગાંધીગ્રામ-2 (યુનિ.) પો.સ્ટે. ખાતે દાખલ કરી હતી. એ રીતે આ કિસ્સાથી ભારે ચકચાર જાગી હતી.

ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જરૂરી તબીબી અને વૈજ્ઞાનિક તપાસ તેમજ ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો. તપાસ દરમિયાન પુરતા પુરાવાઓના અંતે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ તા. 11/ 02/ 2021ના રોજ બનાવની કેસ કાર્યવાહી શરૂ થઈ હતી. જેમાં  ભોગબનનારની ઉંમર ખુબ નાની હોવાથી પોકસો એકટની જોગવાઈ મુજબ તૈયાર કરવામાં આવેલ વી.ડબલ્યુ.ડી.સી. રૂમમાં ભોગ બનનાર બાળકીની જુબાની લેવામાં આવી હતી, અને તેણીએ અસરકારક રીતે ઘટનાને કોર્ટ સમક્ષ મુકી હતી. આ કેસમાં નજરે જોનાર તેમજ ભોગબનનારના પિતા તેમજ મેડિકલ ઓફીસરો, સરકારી પંચો, તપાસ કરનાર અધિકારી વગેરેને તપાસવામાં આવ્યા હતા. તેમાં આરોપીની ખુદ પત્નીએ કોર્ટમાં પતિના સગી ભત્રીજી ઉપર કુકર્મનું બયાન આપ્યું હતું. આરોપી તરફે ઉલટ તપાસ કરવામાં આવી હતી.

તમામ પુરાવાઓને અંતે અને બંને પક્ષો તરફે થયેલ દલીલોને ધ્યાને લઈ  કોર્ટમાં થયેલ ચાર્જ મુજબના ગુનાઓમાં આરોપી સુનીલ બાબુભાઈ ભરડવાને તકસીરવાર ઠેરવીને  પોકસો એકટની કલમ-6 તથા આઈ.પી.સી.ની કલમ 376 માં આજીવન કેદની સજા, પોકસો એકટની કલમ-4 માં 10 વર્ષની સજા, કલમ- 10માં 5 વર્ષ, કલમ- 8 માં તથા આઈ.પી.સી. કલમ-354(એ)માં 2 વર્ષની સજા  અને કુલ રૂ. 59,000/- નો દંડ ફટકારી, દંડમાંથી 50% ભોગબનનારને વળતર પેટે ચુકવવા ફરમાન કર્યું છે. આ ઉપરાંત ભોગબનનારને રૂ. પાંચ લાખ વળતર ચૂકવવાની ભલામણ કરી છે. આ કામમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ મહેશભાઈ એસ જોષી રોકાયા હતા.

ભાગીદારની પુત્રીને હવસનો શિકાર બનાવનાર નરાધમને આજીવન કેદ

મદદગારી કરનાર આરોપીની માતાને વૃધ્ધાવસ્થાને કારણે શંકાનો લાભ

જસદણ પંથકમાં કૂવો ગાળવા આવેલા રાજસ્થાની શખ્સે ભાગીદારીમાં કૂવો ગળતા ભાગીદારની પુત્રીને   લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ  દુષ્કર્મ આચરવાના ગુનામાં પોકસો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ જસદણ પંથકમાં વર્ષ 2020માં કૂવો ગાળવા આવેલા રાજસ્થાની નરેન્દ્ર સલાભાઇ મેરાત નામના શખ્સે ફરિયાદી સાથે ભાગમાં કૂવો ગાળવાનું કામ રાખ્યું હતું અને ફરિયાદી અને આરોપી વચ્ચે સંબંધ બંધાતા ફરિયાદીની 17 વર્ષની સગીર પુત્રીને આરોપીએ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વાડીની બાજુમાં આવેલા ઝૂંપડામાં સગીરા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં સગીરાનું અપહરણ કરી વિછીયા પંથકના એક ગામમાં લઈ ગયો હતો અને ત્યાંથી ભોગ બનનારને પોતાના વતન રાજસ્થાન મુકામે લઈ ગયો હતો અને ત્યાં ભોગ બનનાર સગીરાને આશરે એક માસ સુધી ગોંધી રાખી શરીર સંબંધ બાંધ્યો હતો આ અંગે ભોગ બનનારના પિતાએ સગીરા ગુમ થયાની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે જસદણ પોલીસે રાજસ્થાનથી ભોગ બનનાર અને સગીરાનુ અપહરણ કરી લઈ જનાર રાજસ્થાનની શખ્સની ધરપકડ કરી હતી. સગીરાએ આપવીતી વર્ણવતા પોલીસે આરોપી સામે ઇ.પી.કો. કલમ 363, 366, 376(ઇ), 114 અને પોકસો એકટની કલમ 6 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતી.

જે કેસ ચાલવા ઉપર આવતા સરકારી વકીલ આબિદ સોસન દ્વારા કોર્ટ  સમક્ષ અંદાજિત 15થી વધુ દસ્તાવેજી પુરાવા તેમજ આઠ જેટલા સાહેબોની જુબાની લેવામાં આવેલી હતી જે પૈકી મહત્વના સાહેદ ભોગ બનનાર, ફરિયાદી, મેડિકલ ઓફિસર તેમજ ભોગ બનનારની જન્મની નોંધણી કરી આપનાર તલાટી મંત્રી દ્વારા કેસને સમર્થન પ્રાપ્ત થયું હતું તેમજ  સરકારી વકીલ આબિદભાઈ સોસનની વિસ્તૃત દલીલો તેમજ રજૂ રાખવામાં આવેલા ઉચ્ચ  અદાલતના ચુકાદાઓને ધ્યાનમાં રાખી સ્પે. પોકસો  કોર્ટના ન્યાયાધીશ બી.બી. જાદવે આરોપી નરેન્દ્ર મેરાજને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.62000 નો દંડ તેમજ  ભોગ બનનારને રૂપિયા બે લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ આબિદભાઈ સોસન રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.