Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે રાજકોટ આવી રહ્યા હોય સતત વરસાદના ઝાપટાથી તૈયારીઓ પર અસર: મેઘરાજાને ખમૈયા કરવા વિનવતા ભાજપના નેતાઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે અબજો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ માટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે આજે સવારથી શહેરમાં શ્રાવણ મહિનાના સરવડા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના જોરદાર ઝાપટાના કારણે પીએમની તૈયારીઓ પર અસર પડી રહી છે.સભા સ્થળ એવા રેસકોર્સ ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાય જવાની સમસ્યા ઊભી થઈ છે.ધુપછાવ જેવા વાતાવરણના કારણે ભાજપના નેતાઓ પણ ચિંતામાં પડી ગયા છે. મેઘરાજાને વિરામ લેવા માટે રિતસર વિનવી રહ્યા છે.

આજે સવારે શહેરમાં વરાપ નીકળ્યો હતો  દરમિયાન બપોરે 12 વાગ્યા આસપાસ અચાનક મેઘરાજા વરસી પડ્યા હતા. જેના કારણે થોડી વાર માટે જવા પામી હતી આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા બાદ તેઓ રેસકોર્સમાં સભા સંબોધવાના છે.ત્યારે આજે બપોરે પડેલા વરસાદના જોરદાર ઝાપટાના કારણે રેસકોર્સમાં પાણી ભરાય ગયા હતા વહીવટી તંત્રને પીએમના કાર્યક્રમની અન્ય તૈયારીમાં પણ તકલીફ ઊભી થઈ રહી છે.જોકે થોડીવારમાં વાતાવરણ ચોખ્ખું થઈ ગયું હતું અને સૂર્યનારાયણ દેખા દેતા થોડી રાહત થવા પામી હતી.

સભા સ્થળે વરસાદના કારણે પાણી ભરાય ગયા હતા. જેથી તાત્કાલિક રેસકોર્સ ગ્રાઉન્ડમાં મોરમ પાથરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ઢગલા મોઢે ટ્રક દ્વારા મોરમ પાથરવામાં આવી રહી છે છતાં સમગ્ર મેદાનમાં કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાય ગયું છે  સતત વાતાવરણ વરસાદી હોવાના કારણે સ્થિતિ વણસી છે. જો મેઘરાજા સતત વરસતાં રહેશે તો ચિંતા ઉભી થશે.

આજે બપોરે જોરદાર ઝાપટું પડી જવાના કારણે ભાજપના નેતાઓમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે સભા સ્થળે અલગ અલગ પાંચ ડોમ ઉભા કરવામાં આવ્યા છે  જે વોટર પ્રુફ હોવાના કારણે લોકોએ સભા દરમિયાન વરસાદ પડશે તો પણ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. પરંતુ  મેઘરાજા ઝાપટા સ્વરૂપે વરસી રહ્યા છે તેના કારણે તૈયારી અને વ્યવસ્થા પર અસર પડી રહી છે. આખા મેદાનમાં કાદવ કાદવ થઈ ગયું છે અન્ય તૈયારીઓ પર પણ વિપરીત અસર પડી રહી છે. મેઘરાજા આજે સાંજે પણ વર્ષે તેવી શક્યતા જણાય રહી છે. વાતાવરણ મેઘાવી હોય વહીવટી તંત્ર અને ભાજપના નેતાઓની ચિંતા સતત વધે રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.