Abtak Media Google News

રાજકોટ- અમદાવાદ સિક્સલેન પ્રોજેકટના જમીન વળતર કૌભાંડમાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. પણ તંત્રની ઢીલાશને પગલે હજુ સુધી આરોપી દંપતિની મિલકત ઉપર બોજાનોંધ પણ દાખલ થઈ શકી નથી.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ તાલુકાના કુવાડવા ગામના સર્વે નં. 545 પૈકી બિનખેતી પ્લોટ નં.1ની 1145 ચો.મી. જમીનનું રાજકોટ – અમદાવાદ સિક્સલેન હાઇવે માટે સંપાદન કરવામાં આવ્યું હતું. જેમાં કૌમુદીબેન વસંતરાય હિંડોચા અને જ્યોતિનભાઈ ઘનશ્યામભાઈ નથવાણી નામના દંપતિએ જરૂરી દસ્તાવેજો જાહેર કરી સરકાર પાસેથી રૂ. 1.46 કરોડનું વળતર પણ મેળવ્યું હતું. જો કે પન્નાલાલ પીરચંદ કોચર રહે. કોલકતા વાળાએ આ જમીન વેચાણથી રાખેલી હોય વળતરની રકમના પોતે હકદાર હોવા અરજી કરી હતી. બાદમાં સમગ્ર પ્રકરણ ઉજાગર થયું હતું.

દંપતિએ ખોટી રીતે જમીન પોતાની દર્શાવી રૂ. 1.46 લાખનું વળતર મેળવી લીધું હતું : બોજા નોંધ નાખવા માટે મિલકત શોધવામાં એક મહિનો વીતી ગયો છતાં કોઈ કાર્યવાહી નહિ

જેને પગલે સિટી-2  પ્રાંત સંદીપકુમાર વર્માએ તાજેતરમાં દંપતિએ સરકાર પાસેથી છેતરીને વળતર મેળવ્યાનુ જણાવી આ વળતર દિવસ 10ના પરત કરવાનો આદેશ કર્યો હતો. આ 10 દિવસ વીતી ગયા બાદ દંપતિએ રકમ સરકારને પરત કરી ન હતી.

ત્યારબાદ આજથી અંદાજે એક મહિના પહેલા તંત્ર દ્વારા આ દંપતિની મિલકતો ઉપર બોજાનોંધ નાખવાની હિલચાલ શરૂ કરી હતી. પણ હાલ સુધી આ મામલે કોઇ કાર્યવાહી શરૂ થઈ નથી. બીજી તરફ દંપતિ આ પ્રકરણ હાઈકોર્ટમાં લઈ ગઈ છે. દંપતિએ હાઈકોર્ટમાં એવો દાવો કર્યો છે કે તેઓ વળતરના હક્કદાર છે, જમીન તેઓની છે.બીજી તરફ પ્રકરણ હાઇકોર્ટમાં પહોંચ્યું છે. હવે તંત્રે તાત્કાલિક આ દંપતિની મિલકત શોધીને તેમાં બોજાનોંધ દાખલ કરવા પ્રયાસો તેજ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.