Abtak Media Google News

ગુજરાતમાં અત્યાર સુધી તો પીએમ ઓફિસ અને સીએમ ઓફિસમાં કામ કરતા હોવાનું કહીને લોકોને છેતરતા નકલી અધિકારીઓ ઝડપાતા હતા પરંતુ હવે તો નકલી સરકારી કચેરી પણ ધમધમવા લાગી છે. છોટાઉદેપુરમાં ખોટી સરકારી કચેરી ઊભી કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો છે. ખોટી કચેરી ઊભી કરીને સરકારને 4.15 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો કેસ નોંધાયો છે.

છોટાઉદેપુરમાં ખોટી સરકારી કચેરી ઉભી કરી રૂા.4.15 કરોડની છેતરપિંડી

આરોપી સંદીપ રાજપૂતે ખોટી કચેરી ઊભી કરીને ગ્રાન્ટ મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેક્ટ બોડેલીના નામની નકલી સરકારી કચેરી બનાવી નાખી અને આદિજાતિ વિભાગની કચેરીમાંથી ગ્રાન્ટ પણ પાસ થઈ ગઈ.

ચોંકાવનારી વાત એ છે કે આ નકલી સરકારી કચેરીએ 93 વિકાસકાર્યોના નામે 4 કરોડ 15 લાખથી વધુની ગ્રાન્ટ મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધી તો નકલી અધિકારીઓ પકડાતા હતા અને પકડાય એ પહેલાં સરકારી બાબુઓ હોવાના નામે રોફ જમાવીને લોકોને બોટલમાં ઉતારતા હતા. એ પહેલાં ગાંધીનગરની કરાઈ ટ્રેનિંગ એકેડમીમાં નકલી પીએસઆઇ તાલીમ લેવા પહોંચી ગયો હતો અને હવે તો એનાથી પણ એક સ્ટેપ આગળનો મામલો સામે આવ્યો છે.

સવાલ એ છે કે ખોટી સરકારી કચેરી હતી તેના નામે કેવી રીતે અલગ અલગ 93 કાર્યો પાસ થયાં અને સવા ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઉપરી અધિકારીઓએ પાસ કરી નાખી. શું ગુજરાતનું વહીવટી તંત્ર આટલું બધું નક્કામું અને નઘરોળ છે કે કોઈ આલિયો, માલિયો જમાલિયો ખોટી સરકારી કચેરી ઊભી કરીને વિકાસ કાર્યોના નામે ગ્રાન્ટ મેળવવા માટે ફાઈલો મોકલે અને ત્યાં સુધી કોઈને ખબર ન પડે કે આવી તો 91 ફાઈલો પાસ થઈ ગઈ છે અને સવા ચાર કરોડ રૂપિયાની ખેરાત પણ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.