• ભારતે 33 રનમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગીલ અને રજત પાટીદારની વિકેટ ગુમાવી દીધા બાદ કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી લીધી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં સુકાની રોહિત શર્મા અને લોકલ બોય-ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જોડીએ ક્રિકેટપ્રેમીઓને મોજ કરાવી દીધી છે. ટોસ જીતી પ્રથમ બેટીંગમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાએ માત્ર 33 રનના સ્કોર પર યશસ્વી જયસ્વાલ, શુભમન ગીલ અને રજત પાટીદારની વિકેટો ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ રોહિત અને રવિન્દ્રની જોડીએ બાજી સંભાળી લીધી હતી. સુકાની રોહિત શર્માએ સદી ફટકારી છે અને રવિન્દ્ર જાડેજાએ ફિફ્ટી ફટકારી છે. હાલ બંને રમતમાં છે.

Skipper Rohit Sharma's century: Local boy Ravindra Jadeja's fifty
Skipper Rohit Sharma’s century: Local boy Ravindra Jadeja’s fifty

બેટ્સમેનોને યારી આપતી નિરંજન શાહ સ્ટેડિયમની વિકેટ પર ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સ્કોર બોર્ડ પર માત્ર 22 રન જ નોંધાયા હતા ત્યાં ઇનફોર્મ ઓપનર યશસ્વી જયસ્વાલ 10 રને આઉટ થઇ ગયો હતો. વનડાઉન બેટ્સમેન શુભમન ગીલ ખાતુ ખોલાવ્યા વિના પેવેલીયનમાં પરત ફર્યો હતો. જ્યારે રજત પાટીદાર પણ માત્ર 5 રન બનાવી આઉટ થઇ ગયો હતો. માત્ર 33 રનમાં ત્રણ વિકેટો ગુમાવી દીધા બાદ ટીમ મેનેજમેન્ટે લોકલ બોય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને બેટીંગ ઉતારવાનો જુગાર રમ્યો હતો. જે સફળ થયો હતો. આ દરમિયાન ભારતે ચાના વિરામ સુધીમાં ત્રણ વિકેટે 185 રન બનાવી લીધા હતા.

Skipper Rohit Sharma's century: Local boy Ravindra Jadeja's fifty
Skipper Rohit Sharma’s century: Local boy Ravindra Jadeja’s fifty

ત્રીજા સેશનના આરંભે જ સુકાની રોહિત શર્માએ પોતાની ટેસ્ટ કારકિર્દીની વધુ એક સદી ફટકારી હતી. 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી રોહિતે 157 બોલમાં 100 રન બનાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 5 ચોગ્ગાની મદદથી 97 બોલમાં 50 રન બનાવ્યા હતા. સવારના સમયે પ્રથમ એક કલાક રાજકોટની વિકેટ બોલરોને યારી આપતી હોય તેનો લાભ ઉઠાવવામાં ઇંગ્લેન્ડના બોલર માર્ક વૂડ અને ટોમ હાર્ટલી સફળ રહ્યા હતા.

વૂડે જયસ્વાલ અને ગીલને જ્યારે હાર્ટલીએ રજત પાટીદારને આઉટ કર્યા હતા. જો કે ત્યારબાદ રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની જોડીએ ઇંગ્લીશ બોલરોને કોઇ જ મચક આપી ન હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે ભારતીય ટીમે 57 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 202 રન બનાવી લીધા છે. સુકાની રોહિત શર્મા 111 અને રવિન્દ્ર જાડેજા 70 રન સાથે રમતમાં છે.

Skipper Rohit Sharma's century: Local boy Ravindra Jadeja's fifty
Skipper Rohit Sharma’s century: Local boy Ravindra Jadeja’s fifty

ભારતીય ટીમે આજે વિકેટ કિપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાનને ટેસ્ટ કેપ આપી હતી. જ્યારે સરફરાઝને ટેસ્ટ કેપ આપવામાં આવી ત્યારે આ શ્રણે તેના પિતા મેદાન પર હાજર હતા અને થોડાક ભાવુક બની ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.