Abtak Media Google News

લીલીયામાં છ ઈંચ, જાફરાબાદ, વેરાવળ, બગસરા, ખંભાળીયા, માંગરોળ, જેશર, અમરેલીમાં પાંચ ઈંચ, જામનગરમાં સાડા ચાર, રાજુલા, કલ્યાણપુર, કેશોદ, કાલાવડ, લાલપુર, તાલાલા, માળીયા હાટીનામાં ચાર ઈંચ વરસાદ

ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સવારથી વરસાદ: જળાશયો સતત ઓવરફલો, નદીઓ ગાંડીતુર

સૌરાષ્ટ્રને બુધવારે વરૂણદેવે ધમરોળ્યું નાંખ્યું છે. તમામ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી જતાં અત્ર, સત્ર, સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવે મેઘરાજાને ખમૈયા કરવા જગતાત વીનવી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળની દહેશત પણ ઉભી થવા પામી છે. ગઈકાલે જૂનાગઢના વિસાવદરમાં સાંબેલાધારે 12 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. દિવસ દરમિયાન અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ રાત્રે પણ વરસવાનું ચાલુ રાખ્યું હતું. આજે સવારથી સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

વેલમાર્ક લો-પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તીત થયું છે. આવતીકાલે “શાહીન” વાવાઝોડામાં ફેરવાશે જેની અસરતળે આજે અને આવતીકાલે રાજ્યભરમાં ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સવારથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લામાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. કલ્યાણપુરમાં સવારે બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ખંભાળીયામાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો.

બુધવારે સૌરાષ્ટ્રમાં જાણે બારેમેઘ ખાંગા થયા હોય તે રીતે વરસાદ પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં સચરાચર વરસાદ વરસ્યો હતો. રાજ્યના 33 જિલ્લાના 209 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ 93.88 ટકા વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 112 ટકા વરસાદ પડ્યો છે.

વિસાવદરમાં સાંબેલાધારે 12 ઈંચ વરસાદ વરસી જતાં સમગ્ર વિસ્તારમાં પાણી-પાણી થઈ જવા પામ્યું હતું. લીલીયામાં 6 ઈંચ, કલ્યાણપુરમાં સાડા પાંચ ઈંચ, માંગરોળમાં પાંચ ઈંચ, જાફરાબાદમાં પાંચ ઈંચ, વેરાળમાં પાંચ, બગસરામાં પાંચ, જેશરમાં પાંચ, જામનગરમાં પાંચ, અમરેલીમાં પાંચ, લાલપુરમાં સાડા ચાર ઈંચ, કાલાવડ, કેશોદ, રાજુલામાં સવા ચાર ઈંચ, કુતિયાણા, તાલાલા, માળીયા હાટીના, ગારિયાધારમાં ચાર ઈંચ, પાલિતાણા, અંજાર, મેંદરડામાં લોધીકા, તળાજા, મુંદ્રા દ્વારકા, ભાવનગર, ભેંસાણમાં ત્રણ ઈંચ, ઉપલેટા, માણાવદર, સાવરકુંડલામાં પોણા ત્રણ ઈંચ, ટંકારા, જામજોધપુર, ભાણવડ, જૂનાગઢ, ભુજ, જામકંડોરણા, રાજકોટ, રાણપુર, ઉનામાં અઢી ઈંચ, લાઠી, ધોરાજી, ઘોઘા, ઉમરાળા, પડધરી, ધારી, ગોંડલ, વંથલી, જેતપુર, મહુવા, બાબરા, વડીયા અને રાણાવાવ તાલુકામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.

વેલમાર્ક લો-પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તીત થયું છે અને આવતીકાલે સાયક્લોનમાં ફેરવાશે જેની અસરતળે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠો ધરાવતા જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે.

કચ્છમાં સિઝનનો 104.75 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.34 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 82.84 ટકા, સૌરાષ્ટ્રમાં 111.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 92 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં 93.88 ટકા વરસાદ વરસી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.