Abtak Media Google News

દેર આયે દુરસ્ત આયે

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં ઈમારતોનાં બાંધકામ માટે અમલી સીજીડીસીઆર ૨૦૧૭માં ટોલ બીલ્ડીંગ-ઉંચી ઈમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય

વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા ત્યારે મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ વર્ટીકલ ગ્રોથ અને FSI વધારા અંગે કરેલા દિશા સૂચન તરફ સરકારનું સરાહનીય પ્રયાણ

વધતી જતી વસ્તી અને શહેરીકરણને લીધે હવે જમીનની અછત સર્જાઈ છે. જમીનનું ઉત્પાદન તો થઈ શકતું નથી માટે વર્ટિકલ ગ્રોથ જ એક માત્ર વિકલ્પ બચે છે. ત્યારે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળીને અબતકની શુભેચ્છા મુલાકાતે પધારેલા વિજયભાઈ રૂપાણીને આ અંગે અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાએ દિશા સૂચન કર્યું હતું. જે તરફ રૂપાણી સરકાર સરાહનીય પ્રયાણ કરી રહી છે. સમયાંતરે સરકારે એફએસઆઈમાં વધારો કર્યા બાદ આજે રાજ્યના પાંચ મહાનગરોમા ૭૦ માળથી વધુની ગગનચુંબી ઇમારતોના નિર્માણ માટે લીલીઝંડી આપી દીધી છે. જેથી હવે ગુજરાતના પાંચ શહેરો વિકાસના પથ ઉપર પુરપાટ ઝડપે દોડવા સજ્જ થશે.

રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ,-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી સીજીડીસીઆર ૨૦૧૭માં ટોલ બિન્ડિંગઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ ૨૨-૨૩ માળના ઊચી ઇમારતો બની શકતી હતી. તેના  સ્થાને હવે ૭૦થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે. તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે. ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ) ૧:૯ કે વધુ હોય તેને લાગુ થશે. વધુમાં આ જોગવાઇ ડી-૧ કેટેગરીમાં એયુડીએ, એસયુડીએ, વીયુડીએ, આરયુડીએ અને જીયુડીએમાં એવા વિસ્તારમાં લાગુ થશે જયાં હાલ સીજીડીસીઆર મુજબ બેઈઝ એસએફએલ ૧.૨ કે તેથી વધારે મળવાપાત્ર છે. આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે. સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનીકલ કમીટી (એસટીસી) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે. ૩૦ મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે. ૧૦૦ થી ૧૫૦ મીટર ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ ૨૫૦૦ ચો.મીટર અને ૧૫૦ મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ ૩૫૦૦ ચો.મીટર રહેશે. મહત્તમ એફએસએલ પ.૪ મળવાપાત્ર થશે જેમાં જે-તે ઝોનની બેઇઝ એફએસએલ ફ્રી એફએસએલ તરીકે તથા બાકીની એફએસએલ પ્રિમીયમ-ચાર્જેબલ એફએસએલ તરીકે મળશે. તેમાં પ્રિમીયમ એફએસએલનો ચાર્જ પ૦ ટકા જંત્રીનો દર ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે. રહેણાંક/વાણિજ્યક/રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ/ વપરાશ મળવાપાત્ર થશે. પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજીયાત રાખવાની રહેશે. વીન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, અમદાવાદ સહિત રાજ્યના આર્થિક પાટનગર સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર શહેરોનો વિકાસ અને જીડીપીમાં સિંહફાળો છે. એટલું જ નહિ, શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધુ હોવાથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ દિન પ્રતિદિન વધે છે, તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે. શહેરના આયોજિત વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ થઇ શકે અને વધુ લોકોનો સમાવેશ કરી શકાય તે માટે વર્ટીકલ ડેવલપમેન્ટ જરૂરી છે.જેથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

વર્ટીકલ ગ્રોથ અને એફએસઆઈ વધારા મુદ્દે મુખ્યમંત્રી સાથે ‘અબતક’ દ્વારા થયેલી ચર્ચાના અંશો

મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૧૦ ઓકટોબર ૨૦૧૬ના રોજ અબતકની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા ત્યારે અબતકના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રાજયનાં મુખ્ય એવા ૧૦ પ્રશ્ર્નો અંગે દિશા-સુચન કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ પ્રશ્ર્ન વર્ટીકલ ગ્રોથ અને એફએસઆઈ વધારાનો હતો.

પ્રશ્ન :  દુનિયા વર્ટીકલ તરફ જઈ રહી છે. હાલના સમયમાં જગ્યાની અછત છે ત્યારે એફએસઆઈ વધારવામાં આવે તો અર્ફોડેબલ હાઉસીંગમાં નોંધપાત્ર કામગીરી થઈ શકે તેમ છે.

મુખ્યમંત્રી : વિજયભાઈ રૂપાણીએ ઉપરોકત મુદ્દે જણાવ્યું હતું કે, સરકાર બંને રીતે ગંભીરતાથી વિચારી રહી છે. લોકોને ખુબ સસ્તા ભાવે મકાન મળે તે માટે સરકારે અનેકવિધ પગલાઓ લીધા છે. વર્ટીકલ ગ્રોથની હાલ જરૂરીયાત છે સાથે ડેન્સીટી વધે તેમ પણ જરૂરી છે. બધા પાસા ધ્યાનમાં રાખી સરકાર જરૂરી પગલા લેવાની છે. વધુમાં વધુ એફએસઆઈનો અમલ થાય તેવા પ્રયાસો સરકાર કરી રહી છે. ઉપરાંત જમીનના ભાવ વધી રહ્યા છે ત્યારે જમીનનો વધુમાં વધુ ઉપયોગ થાય તે દિશામાં સરકાર આગળ વધશે.

હાલના સમયમાં વર્ટીકલ સીટીની તાતી જરૂરીયાત: જક્ષય શાહ

Jakshay Shah

ઓલ ઈન્ડિયા ક્રેડાઈ પ્રેસીડેન્ટ જક્ષય શાહે જણાવ્યું કે, રાજયમાં જમીનનાં ભાવ વધતા જઈ રહ્યા છે માટે હવે વર્ટીકલ સીટીની જરૂર ઉભી થઈ છે. વર્ટીકલ સીટીથી રોડ-રસ્તાની સાઈઝ વધી શકે છે. લોકોને હરવા-ફરવા માટે મોટા પ્રમાણમાં જમીન મળી શકે છે. રાજય સરકારે ૭૦ માળથી વધુની ઈમારત બનાવવાને લીલીઝંડી આપી છે તે ક્રાંતિકારી નિર્ણય કહી શકાય. આ નિર્ણયથી હવે મકાનોની કિંમત ઓછી થશે. સાથે જમીનોનો ભાવ પણ ઘટશે.

બિલ્ડરોએ હવે વધુ ગંભીરતા દાખવવી પડશે: પરેશ ગજેરા

Paresh Gajera

રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું કે, રાજય સરકારે જે નિર્ણય લીધો છે તેને બિલ્ડર એસોસીએશન આવકારે છે. વર્ટીકલ ડેવલોપમેન્ટથી અનેકવિધ ફાયદા છે પરંતુ હવે સ્ટ્રકચર પોઈન્ટ ઉપર બિલ્ડરોએ વધુ ભાર આપવો પડશે. કારણકે ભુકંપ સહિતની કુદરતી આફતોનું પ્રમાણ વધતુ જઈ રહ્યું છે. બિલ્ડરોએ ગગનચુંબી ઈમારત બાંધતી વેળાએ સલામતી બાબતે ખુબ ગંભીરતા પણ દાખવવી પડશે. આ નિર્ણયથી અનેકવિધ ફાયદા થવાના છે. જમીનનાં એક ટુકડા ઉપર મોટા પ્રમાણમાં ફલેટ બનતા લોકોને હવે નજીકમાં જ રહેઠાણ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.