Abtak Media Google News
ભાજપે સોશિયલ મીડિયામાં પ્રચાર માટે તો માઈક્રો પ્લાનિંગથી બુથ વાઇઝ બે વ્યક્તિ સહિત રાજ્યભરમાં આખી ફૌજ ઉભી કરી દીધી : કોંગ્રેસ પણ પ્રથમ વખત બેઠક વાઇઝ એક વ્યક્તિને ખાસ જવાબદારી સોંપશે

સામાન્ય રીતે ચૂંટણીઓ દરમિયાન લાઉડ સ્પિકર કાગળ, પ્રત્રિકા સહિત વાહનોના રસાલા સાથે ધમાકેદાર પ્રચાર કરાતો હોય છે. ત્યારે હવે સમય બદલાયો છે. આ પ્રચાર તો થાય છે પણ તેનાથી પણ વધુ અસરકારક પ્રચાર તો સોશિયલ મીડિયાના માધ્યમથી થતો હોય તમામ પક્ષોએ સોશિયલ મીડિયાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી શહેરી વિસ્તારો ઉપરાંત અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે ટેકનોલોજીના સમયમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી ચૂંટણી પ્રચાર અદ્યતન બન્યું છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી પ્રચાર તાથા ડોર-ટુ-ડોર સંપર્કની સાથે, હાલમાં તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો, સોશિયલ મીડિયાના માધ્યમાથી પ્રચાર, પ્રસાર કરવા માટે તનતોડ મહેનત કરવામાં લાગી ગયો છે.

વોટસએપ અને ફેસબુક તેમજ અન્ય એપાથી મતદારો સાથે સીધો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અને મતદારો સુધી પોતાના પક્ષની કામગીરી અને વચનો ઢંઢેરો દર્શાવતા વિવિધ પ્રકારના વિડીયો અને ફોટા બનાવીને વધુમાં વધુ શેર કરવામાં અદ્યતન ટેકનોલજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી સમયના બચાવ સાથે વધુમાં વધુ લોક સંપર્ક થઈ શકે છે.

ભાજપે તો સોશિયલ મીડિયામાં પ્રચાર માટે આંખે આખી ફૌજ તૈનાત કરી દીધી છે. એટલું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે બૂથ દીઠ બે સમર્પિત વ્યક્તિઓની નિમણૂક કરી છે.

બીજી બાજુ કોંગ્રેસ, પ્રથમ વખત 182 ઉમેદવારોમાંથી દરેક માટે સોશિયલ મીડિયા મેનેજરની નિમણૂક કરશે, એમ પાર્ટીના મીડિયા અને આઇટી સેલના રાજ્ય સહ-સંયોજક હેમાંગ રાવલે જણાવ્યું હતું.  ઉલ્લેખનીય છે કે ભાજપ ગુજરાતના ટ્વિટર પર 15 લાખ અને ફેસબુક પર 35 લાખ ફોલોઅર્સ છે, જ્યારે કોંગ્રેસના ટ્વિટર પર 1.6 લાખ અને ફેસબુક પર 7 લાખ ફોલોઅર્સ છે.અભણ નેતાઓ પણ નિષ્ણાંત હાયર કરી કરીને સોશિયલ મીડિયામાં રોલા પાડી રહ્યા છે

વિધાનસભાની ચૂંટણીમાં અનેક અભણ તથા ઓછું ભણેલા નેતાઓ પણ છે. જે નેતાઓ સોશિયલ મીડિયામાં હાયર કરેલી કંપનીનો તથા નિષ્ણાંતોનો સહારો મેળવી હંમેશા સોશિયલ મીડિયામાં પ્રચાર-પ્રસાર વાધારી રહ્યા છે. આ માધ્યમાથી નેતાઓ પોતાના મત વિસ્તારની વાત હોય કે મત વિસ્તારના કરેલા કામોના લેખા-જોખાં હોય કે લોકસંપર્ક કર્યો હોય તે પ્રકારની વાત પોસ્ટ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.