Abtak Media Google News

રાજકોટ સહિત રાજયભરમાં

એકલા રાજકોટ વિભાગમાં જ ૧૭૫ જુની બસો જુદા-જુદા રૂટ ઉપર ! જુની બસોની સામે જોકે નવા વાહનોની આવક પણ યથાવત: ચાલુ વર્ષે રાજયમાં ૧૨૮૦ સાદી, ૭૨૦ મીની, ૩૫૦ સ્લીપર અને સેમી ગુર્જર બસો આવશે

ગુજરાત રાજયના એસ.ટી.નિગમની સિકલ છેલ્લાં કેટલાક વર્ષોથી બદલવામાં આવી રહી છે અને બને ત્યાં સુધી નવા વાહનો સતત ખરીદવામાં આવી રહ્યા છે જોકે બીજી તરફ એસ.ટી.નિગમમાં હજુ પણ નિયમ વિરુઘ્ધ ઓવરએઈજ બસો પણ દોડાવવામાં આવી રહ્યાનું સામે આવ્યું છે.

આ અંગેની એસ.ટી.ના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ હાલની તકે પણ રાજકોટ સહિત રાજયભરના જુદા-જુદા ૧૬ એસ.ટી. ડિવીઝનોમાં ૮ લાખ કિલોમીટર ઉપર ચાલેલી બસોને નિયમ વિરુઘ્ધ દોડાવવામાં આવી રહી છે. એવી વિગતો મળી રહી છે કે, એકલા રાજકોટ એસ.ટી.વિભાગમાં જ ૧૭૫ જેટલી ઓવરએઈજ બસો છેલ્લા કેટલાક સમયથી જુદા-જુદા રૂટો ઉપર દોડાવવામાં આવી રહી છે. રાજકોટ ઉપરાંત રાજયભરમાં જુદા-જુદા એસ.ટી.ડિવીઝનોમાં લગભગ ૧૫૦૦થી વધુ જુની અને ઓવરએઈજ બસો દોડાવવામાં આવી રહી છે.

આ ઓવરએઈજ બસો દોડાવવાના કારણે હાઈવે ઉપર વારંવાર બસો બંધ પડી જવાના તેમજ અન્ય ક્ષતિઓ આવવાના બનાવો બની રહ્યા છે જેના કારણે મુસાફર જનતાને હેરાનગતિ ભોગવવી પડી રહી છે.જોકે ઓવરએઈજ બસોની સામે એસ.ટી.નિગમના સતાવાળાઓ દ્વારા બને તેટલી ઝડપથી નવી બસો જુદા-જુદા ડિવીઝનોમાં આવે તેવા પ્રયત્નો પણ ચાલુ રાખવામાં આવ્યા છે.

એસ.ટી.નિગમના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ ડિવીઝનમાં જ છેલ્લા ૩ માસ દરમિયાન એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં સફેદ કલરની સુપર ડિલકસ અને ૫૨ સીટરની ૫૨ જેટલી નવી બસો આવી ચુકી છે અને હજુ પણ ચાલુ માસમાં ૨૫ જેટલી નવી મોટી બસો આવકમાં છે. આ ઉપરાંત રાજયભરમાં ચાલુ વર્ષ દરમિયાન હજુ પણ ઢગલાબંધ નવી એસ.ટી.બસો આવી રહી છે. આ અંગેની નિગમના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજયમાં ચાલુ વર્ષ દરમિયાન ૧૨૮૦ જેટલી ૪૬ અને ૫૧ સીટરની નવી બસો તેમજ ૭૨૦ મીની નવી બસો અને ૩૫૦ જેટલી સ્લીપર તેમજ સેમી ગુર્જર નવી બસો આવનાર છે. આ નવી બસો લગભગ એપ્રિલના અંતથી રોડ ઉપર આવવા લાગે તેવી શકયતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.