Abtak Media Google News

કરૂણાનિધિના પુત્ર સ્ટાલીનની ડીએમકેના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી: તમિલનાડુના રાજકારણમાં નવી વિચારધારા

કરૂણાનિધિના અવસાન બાદ ડીએમકેની ધુરા એમ.કે.સ્ટાલીને સંભાળી છે. ડીએમકેનું નેતૃત્વ સંભાળતાની સાથે જ પિતાના પગલે નહીં ચાલવાનો નિર્ધાર પણ સ્ટાલીને વ્યકત કર્યો છે.

ગઈકાલે ડીએમકેની જનરલ કાઉન્સીલ મીટીંગમાં જનરલ સેક્રેટરી કે.અંબાઝગન દ્વારા ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં સ્ટાલીનની બિનહરીફ વરણી થઈ છે. જયારે દુરાઈમુરુગનને ખજાનચી તરીકે નિમવામાં આવ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૬૯થી ૪૯ વર્ષ સુધી ક‚ણાનિધિ ડીએમકેના સર્વેસર્વા હતા. તેમના નિધન બાદ ડીએમકેમાં કોણ પ્રમુખ બનશે તે અંગે ચર્ચાએ જોર પકડયું હતું. કરૂણાનિધિના બન્ને પુત્રો વચ્ચે આ હોદ્દાને લઈ ખેંચતાણ જોવા મળી હતી. ગઈકાલે આ વિવાદનો અંત આવી ગયો છે. સ્ટાલીનને ડીએમકેના પ્રમુખ તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ પાર્ટીના હેડકવાર્ટર બહાર સૂત્રોચ્ચાર કરી ફટાકડો ફોડવામાં આવ્યા હતા.

ડીએમકેની કમાન સંભાળ્યા બાદ સ્ટાલીને જનરલ કાઉન્સીલના સભ્યોને સંબોધતા કહ્યું હતું કે, મને આ જવાબદારી તમારા જેવા વરિષ્ઠ નેતાઓના કારણે મળી છે. મેં ડીએમકેના પ્રમુખ થવાનું કયારેય સ્વપ્ન પણ જોયુ નથી. મેં અત્યાર સુધી પૂર્વ મુખ્યમંત્રી અન્નાદુરાઈના ભાષણો સાંભળ્યા છે પરંતુ એવું કયારેય વિચાર્યું નહોતું કે મને પણ બોલવાની તક મળશે.

અહીં ઉલ્લેખનીય છે કે, કરૂણાનિધિના નિધન બાદ તેમના જયેષ્ઠ પુત્ર એમ.કે.અલગીરીએ ડીએમકે ઉપર પ્રભુત્વ હાંસલ કરવા પ્રયાસો કર્યા હતા. અલગીરીએ દાવો કર્યો હતો કે, કરૂણાનિધિના મોટાભાગના વિશ્ર્વાસુઓ તેની સાથે છે. આગામી સમયમાં તામિલનાડુમાં બે બેઠકો પર પેટા ચૂંટણી થઈ શકે તેવી શકયતા છે. જેમાં ડીએમકેને વિજય મળશે તો સ્ટાલીનની છબી સુધરશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.