Abtak Media Google News

ટીવી અને ડિજિટલના સ્પોટ અંગેની પ્રક્રિયામાં અદભુત પ્રતિસાદ મળવાનો અને ટાર્ગેટ વટાવી જવાનો આશાવાદ અકબંધ

૧૧મી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવા આડે હવે થોડાક દિવસો બચ્યા છે ત્યારે સ્ટાર ઇન્ડિયાના અધિકારીઓ બને તેટલી વધારે એડ્વર્ટાઇઝિંગ કંપનીઓ સાથે કરાર કરવા માટે બેબાકળા બન્યા છે.

કંપનીએ નક્કી કરેલો રૂ.૨,૦૦૦  કરોડનો ટાર્ગેટ વધારે પડતો લાગી રહ્યો છે અને હાંસલ કરવો લગભગ અશક્ય છે છતાં અધિકારીઓ એડીચોટીનું જોર લગાવીને દોડી રહ્યા છે. અધિકારીઓએ તો આ ટાર્ગેટને વટાવી જવાનો અને એડ્વર્ટાઇઝર્સ તરફથી અદ્ભુત પ્રતિસાદ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે પરંતુ નાણાકીય માહિતી આપવાનું ટાળ્યું છે.

અમે કુલ ૩૪ ગ્રાહકો સાથે કરાર કર્યા છે, જેમાંથી વિવો, કોકા કોલા, એશિયન પેઇન્ટ્સ, સિયેટ ટાયર્સ, મેકમાયટ્રિપ વગેરે જેવી કંપનીઓ સાથે અતિઊંચા મૂલ્યના સોદા પણ થયેલા છે.એમ સ્ટાર સ્પોર્ટ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને એડ સેલ્સના હેડ અનિલ જયરાજે ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું.

આ વખતે કેટલીક નવી એડ્વર્ટાઇઝિંગ કંપનીઓ પણ જોડાઈ છે, જેમાં રિલાયન્સ જીઓ, ડોમિનોઝ, ફોર્ડ, હેઅર, વોલ્ટાસ, લ્યુમિનસ, સિયેટ ટાયર્સ, AMFI, એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ, બ્લૂ સ્ટાર, ક્રોમ્પ્ટન, ડોલર, પિડિલાઇટ, સ્લીપ વેલ, વેનિસા અને વિમલ પાનમસાલાનો સમાવેશ થાય છે. સ્ટાર ઇન્ડિયાએ અગાઉ અમૂલ, કોલગેટ, કોકા-કોલા, ડ્રીમ ૧૧, એલિસા, મેકમાયટ્રિપ, પારલે એગ્રો, પારલે પ્રોડક્ટ્સ, VU ટીવી, કેન્ટ અને પોલિકેબનાં નામ જાહેર કર્યાં હતાં.

અહીં નોંધવું જોઈએ કે, સ્ટારે કો-પ્રેઝન્ટિંગ અથવા તો એસોસિયેટ સ્પોન્સર્સનાં નામ જાહેર કર્યાં નથી. કઈ કંપનીએ ટીવીના અને ડિજિટલના સ્પોટ ખરીદ્યા છે તે અંગે પણ માહિતી જાહેર થઈ નથી. વેચાણની પ્રક્રિયા સારી રીતે ચાલી રહી છે અને મને લાગે છે કે, અમે લક્ષ્યાંક વટાવી દઈશું. અમે એડ્વર્ટાઇઝિંગ કંપનીઓને તેમની બ્રાન્ડ્સ માટે IPL થકી ઊંચું મૂલ્ય આપીશું.

સ્ટાર ઇન્ડિયાના અધિકારીઓ આત્મવિશ્વાસુ હોવા છતાં સ્ટાર ઇન્ડિયાનાં અને મીડિયા ખરીદી સાથે સંકળાયેલી કંપનીઓનાં કેટલાંક સૂત્રોએ જણાવ્યું હતું કે, IPL માટે માત્ર ૮૦૦ કરોડની જ એડ્વર્ટાઇઝિંગ ઇન્વેન્ટરીનું વેચાણ થયું છે. સ્ટાર ઇન્ડિયાના એક ઉચ્ચસ્તરીય સૂત્રે કહ્યું હતું કે, જેવી આશા હતી તેવી રીતે એડ્નું વેચાણ થયું નહોતું. હવે ટાર્ગેટ પૂરો કરવા માટે બીજા રૂ.૧૧૦૦ થી રૂ.૧૨૦૦ કરોડની જરૂર છે અને એડ્નો રેટ દૈનિક રૂ.૪૦ કરોડથી વધારે છે ત્યારે આ ટાર્ગેટ પૂરો થાય તેવું લાગતું નથી.

મીડિયા ખરીદદારો જણાવે છે કે, એડ્વર્ટાઇઝર્સ હવે ગેરવાજબી પ્રીમિયમ ચૂકવવા તૈયાર નથી. ડેન્ત્સુ એજિસ નેટવર્કના ચેરમેન અને CEO (સાઉથ એશિયા) આશિષ ભસિને જણાવ્યું હતું કે, IPL એક મજબૂત પ્લેટફોર્મ છે અને તમામ કંપની IPLમાં તેમની જાહેરાત દર્શાવવા માટે આતુર રહે છે પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતાં ગયા વર્ષના રેટ કરતાં વધારે રેટ આપવા માટે કોઈ ગ્રાહક તૈયાર થાય તેવું મને લાગતું નથી. મારા મતે, ગઈ સીઝન કરતાં ૧૦-૧૫ ટકા વધારો થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.