Abtak Media Google News

24 માર્ચથી 3 એપ્રીલ સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે: 4 એપ્રીલે ફોર્મની ચકાસણી થશે અને 27મી એપ્રીલે મત ગણતરી થશે

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતે જાહેર કરી દેવાઈ છે જે મુજબ 25મી એપ્રીલે મતદાન યોજાશે. ચૂંટણી જાહેર થતાં જ વિવિધ મંડળો મેદાને આવી ગયા છે અને બેઠકોનો દૌર શરૂ કરી દેવાયો છે. બેઠકો ઘટતા હવે આ વખતની બોર્ડની ચૂંટણી ભારે રસાકસીપૂર્ણ બની રહેશે. ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી દર ત્રણ વર્ષે યોજાય છે જે મુજબ જાન્યુઆરી 2020માં આ ચૂંટણી યોજાનાર હતી પરંતુ બોર્ડનું કદ ઘટાડવા માંગતી હોવાથી ત્રણવાર સભ્યને એક્ષટેન્શન અપાયું અને ગત વિધાનસભા સત્રમાં સરકારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ એકટમાં સુધારો કરતું વિધેયક પસાર કર્યું હતું જેમાં વર્ગ ખ હેઠળ ચૂંટાતા સભ્યની સંખ્યા 26 થી ઘટાડી 9 કરી દેવાઈ હતી. આ સભા બાદ ચૂંટણી ક્યારે જાહેર થશે તેની અનેક અટકળો ચાલતી હતી પરંતુ કોરોના અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે બોર્ડની ચૂંટણીમાં વિલંબ થયો છે.સરકારની મંજૂરી સાથે ગુજરાત બોર્ડ દ્વારા ચૂંટણીનું જાહેરનામુ ગઈકાલે બહાર પાડી દેવામાં આવ્યું હતું. ચૂંટણી કાર્યક્રમ મુજબ 24 માર્ચથી 3 એપ્રીલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને 4 એપ્રીલ ફોર્મની ચકાસણી થશે. 7મી એપ્રીલે 5 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે અને 7મીએ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાશે. 25મી એપ્રીલે સવારે 8 વાગ્યાથી સાંજના 5 સુધી રાજ્યના વિવિધ મતદાન કેન્દ્રો પર મતદાન થશે અને 27મી એપ્રીલે મત ગણતરી થશે.

Advertisement

બોર્ડના ચૂંટાતા અને હોદ્દાની રૂએ હોય તેવા કુલ મળીને 59 સભ્ય છે. જેમાંથી સંખ્યા ઘટાડી 24 કરી દેવાય છે જે પૈકી વર્ગ-ખ હેઠળ 9 બેઠકોની ચૂંટણી હવે થશે જેમાં આચાર્ય 1, માધ્યમિક શિક્ષક 1, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક 1, સરકારી હાઈસ્કુલ શિક્ષક 1, વહીવટી કર્મચારી 1, ઉત્તર બુનિયાદી શિક્ષકની 1, બીએડ્ કોલેજ આર્ચાયની 1 અને વાલી મંડળની 1 તથા સંચાલક મંડળની 1 બેઠક મળી કુલ 9 બેઠકોનું મતદાન થશે.

શિક્ષણ બોર્ડ દ્વારા મતદાર યાદી તૈયાર કરી દેવાઈ છે અને જે મુજબ 81000 મતદારો છે. બેઠકો ઘટીને હવે નવ જ થતાં અને દરેક કેટેગરીમાં 1-1 બેઠક રહેતા ભારે રસાકસીપૂર્ણ ચૂંટણી રહેશે. ચૂંટણી જાહેર થતાં તમામ મંડળ મેદાને આવી ગયા છે અને સંચાલક મંડળે બોર્ડની ચૂંટણીની રણનીતિ ઘડવા બેઠકો બોલાવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.