861 કરોડ રૂપિયાના બોગસ બિલિંગ સ્કીમમાં 155 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી : 21 જગ્યાઓ પર તપાસ ચાલુ

તપાસનું પગેડું ભાવનગર સુધી પહોંચશે : અન્ય આરોપીઓ ફરાર

સ્ટેટ જીએસટીના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગીને ઉપરથી દબાણ વધતાં બોગસ બિલિંગ કૌભાંડ કરતા કૌભાંડીઓની તપાસ કરી રહ્યા છે ત્યારે જ કોપરના વેપારીઓ દ્વારા 861 કરોડના બોગસ બિલ જનરેટ કરી 155 કરોડ રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઘર ભેગી કરી દેવાઈ હતી. આ પ્રકરણની તપાસ દરમિયાન સુરતના ત્રણ મોટા મેટલના વેપારીઓની ધરપકડ કરાઈ છે. જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જોકે આ કૌભાંડીઓને મહેમાનની જેમ સરભરા કરવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હજુ છ કંપનીઓની તપાસ ચાલી રહી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે, પરંતુ ભેદી સંજોગોમાં તેમના નામ છૂપાવવામાં આવી રહ્યા છે.

આ પ્રકરણમાં કરોડો રૂપિયાના ખોટા બિલની આપ લેમાં સંડોવાયેલા સુરતના ત્રણ મેટલના વેપારીઓની છતી થતાં અધિકારીઓએ કડોદરા ખાતે આવેલી ધનલક્ષ્મી મેટલ ઇન્ડસ્ટ્રીના કપિલ હુકમીચંદ કોઠારી, ઉધના ખાતેની અંબિકા મેટલ ઇન્ડસ્ટ્રીના ધર્મેશ પ્યારચંદ કોઠારી તથા કડોદરા ખાતેની જય નાકોડા મેટલ ઇન્ડસ્ટ્રીના હિતેશ પ્યારચંદ કોઠારીની ધરપકડ કરી છે. આ ત્રણ કંપનીના સંચાલકોએ 670 કરોડ રૂપિયાના બોગસ બિલ લઈ 120 કરોડની બોગસ આઈટીસી મેળવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.

ત્રણે કૌભાંડીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે. જીએસટી ના અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ છ પેઢીઓની તપાસ ચાલી રહી છે જેના વ્યવહારોમાં ઘણા ગોટાળા સામે આવે તેવી સંભાવના છે.

સ્ટેટ જીએસટી દરેક વ્યક્તિ કે જે આ બોગસ કૌભાંડમાં આવેલા હોય તેની શોધખોળ શરૂ કરી છે એટલું જ નહીં હાલ જે બોગસ બીલીંગ કૌભાંડ વામાં આવ્યું તે દરેક બોગસ પેઢી ભાવનગર ખાતે ખોલવામાં આવી હતી.

ખોટા વેચાણ બિલો બનાવી બોગસ બીલીંગ કૌભાંડને આચરવામાં આવે છે: સી.એ રાજીવ દોશી

સમગ્ર ગુજરાતમાં બોગસ બીલિંગ કૌભાંડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેક્સ અને જીએસટીની પ્રેક્ટિસ કરી રહેલા સી.એ રાજીવ દોષીએ જણાવ્યું હતું કે, ખોટા વેચાણ બિલો બનાવી બોગસ બિલિંગ કોભાંડ આચરવામાં આવે છે. બીજી મોટી વાત એ છે કે, જે પેઢી ઊભી કરવામાં આવે છે તેનો કોઈ આધાર હોતો નથી એટલે ખરીદી બિલ આપ્યા વગર રોકડમાં માલની ખરીદી કરતા હોય છે અને આઇટીસી ક્લેમ કરે છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ હવે જીએસટી આ કિસ્સામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવા તખ્તો તૈયાર કર્યો છે. બોગસ બિલિંગમા ખોટા બિલ 8થી વધુ જગ્યા પર ફરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.